🔥 TRENDING અમદાવાદમાં 23 પોલીસ ઇન્સ્પેક્ટરોની આંત... ધાંગધ્રા શહેરમાં કોંગ્રેસની તળાકા-સ્તર... NAVYA 2.0 to be officially launched in... गांव मिर्जापुर को कई ढाणियों से जोड़ती... Punjab & Haryana High Court Orders CBI... Haryana Dhaba Bloodbath: Police Probe...
27 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજપીપળામાં બેંક ઓફ બરોડાનો કિસાન મેળો યોજાયો, ૩૯ લાભાર્થીઓને રૂ. ૩.૪૦ કરોડની લોન મંજૂરીપત્રો અપાયાં

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 27 Nov 2026, 05:09 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ, આધુનિક કૃષિ ટેકનોલોજીના પ્રચાર અને ગ્રામ્ય સ્વરોજગારને પ્રોત્સાહન આપવા બેંક ઓફ બરોડાના બરોડા ડિસ્ટ્રિક્ટ રીજન દ્વારા કિસાન પખવાડા-૨૦૨૬ અંતર્ગત રાજપીપળાના ડૉ. આંબેડકર ભવન ખાતે ‘બરોડા કિસાન મેળા’નું આયોજન કરાયું હતું. જેમાં નર્મદા જિલ્લાની બેંકની ૧૩ શાખાઓના ૨૨૦થી વધુ ખેડૂત ભાઈ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

મેળામાં વિવિધ બેંકિંગ યોજનાઓ હેઠળ કુલ ૩૯ લાભાર્થીઓને રૂ. ૩.૪૦ કરોડના લોન મંજૂરીપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ ૧૭ લાભાર્થીઓને રૂ. ૧.૩૦ કરોડ, કિસાન પ્રાઇડ હેઠળ ૨ને રૂ. ૪૪ લાખ, કિસાન કાર લોન હેઠળ ૩ને રૂ. ૩૩.૨૭ લાખ, ટ્રેક્ટર લોન હેઠળ ૧ને રૂ. ૩.૪૦ લાખ, PMFME યોજના હેઠળ ૧ને રૂ. ૨૫ લાખ તથા ૧૩ સ્વસહાય જૂથોને રૂ. ૧.૦૪ કરોડની લોન મંજૂર કરવામાં આવી હતી.

ખેડૂતોને આધુનિક ખેતી અને નવી ટેકનોલોજીથી માહિતગાર કરવા મેળામાં કૃષિ સાધનો-ખાતર, લાઇવ ડ્રોન નિદર્શન, ટ્રેક્ટર-વાહનો, પશુપાલન, નાણાકીય સમાવેશ અને RSETIના તાલીમાર્થીઓનાં ઉત્પાદનો સહિત છ પ્રદર્શન સ્ટોલ ઊભા કરાયા હતા. જેના માધ્યમથી ખેડૂતોને ખેતીમાં આધુનિક સાધનો, ડ્રોન ટેકનોલોજી, બેંકિંગ સેવાઓ, નાણાકીય વ્યવસ્થાપન અને સ્વરોજગાર અંગે માર્ગદર્શન અપાયું હતું.

કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે નર્મદા જિલ્લા DRDAનાં ઈન્ચાર્જ નિયામક શ્રીમતી પિનાકિનીબેન ભગોરા, વિશિષ્ટ અતિથિ તરીકે બેંક ઓફ બરોડાના ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી ગિરીશ માનશાની અને NABARDનાં DDM શ્રીમતી અમિતા સંખવાલ ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉપરાંત બેંકના રીજનલ મેનેજર, અધિકારીઓ તથા સરકારી વિભાગોના પ્રતિનિધિઓએ પણ ખેડૂતોને વિવિધ યોજનાઓ અને બેંકિંગ સેવાઓનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા.

આ કિસાન મેળો ખેડૂતો, સ્વસહાય જૂથો અને ગ્રામ્ય ઉદ્યોગસાહસિકોને ધિરાણ, આધુનિક કૃષિ ટેકનોલોજી, નાણાકીય જાગૃતિ અને સ્વરોજગારની તકો સાથે જોડવાનું મહત્વપૂર્ણ માધ્યમ બન્યો હતો.
📲Get App