🔥 TRENDING 8 સપ્ટેમ્બર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદ... અંકલેશ્વર: ગુંજ પેટ્રોલ પંપ નજીક બકરા... 16 Dead, 70 Injured in Separate Road C... Uttar Pradesh sees 6.97% drop in road... ‘Spider‑Noir’ Wins Five Emmys Soon Aft... Apple TV+’s ‘Widow’s Bay’ Wins Big at...
08 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ભાવનગરમાં પોલીસ દ્વારા હત્યાના આરોપીને જાહેરમાં ૧૦૦થી વધુ દંડા ફટકારવાનો મામલો ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યો

✍️ Reporter: Naqvi Mehendi Hasan 🗓 08 Sep 2026, 03:06 AM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભાવનગરમાં પોલીસ દ્વારા હત્યાના આરોપીને દોરડાથી બાંધી જાહેરમાં ૧૦૦થી વધુ દંડા ફટકારવાની ઘટના સામે વકીલોએ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સમક્ષ સુઓમોટો રિટ દાખલ કરવા લેખિત રજૂઆત કરી છે.

ભાવનગર શહેરમાં તાજેતરમાં નોંધાયેલી હત્યાના ગુનાના આરોપીને પોલીસ દ્વારા જાહેરમાં દોરડાથી બાંધી ૧૦૦થી વધુ દંડા ફટકારી નિર્દયતાપૂર્વક માર મારવાની ઘટનાએ કાનૂની આલમ અને માનવાધિકાર વર્તુળોમાં ભારે ચકચાર જગાવી છે. કાયદાના રક્ષકો દ્વારા જ કાયદાની મર્યાદા ઓળંગીને કરવામાં આવેલા આ ગંભીર અત્યાચાર સામે હવે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કાનૂની મોરચો મંડાયો છે. આ સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટ અને અમદાવાદના જાગૃત વકીલો એડવોકેટ અમીર શેખ, એડવોકેટ વી.એ.શેખ તેમજ એડવોકેટ વસીમ પઠાણ દ્વારા સંયુક્ત રીતે ગુજરાત હાઇકોર્ટના માનનીય ચીફ જસ્ટિસ સમક્ષ લેખિતમાં વિગતવાર અરજી દાખલ કરીને આ ઘટનાની ગંભીર નોંધ લેવા માંગ કરવામાં આવી છે.

અરજીમાં સુપ્રીમ કોર્ટના સીમાચિહ્નરૂપ ચુકાદા 'ડી.કે. બસુ વિરુદ્ધ પશ્ચિમ બંગાળ રાજ્ય' (AIR 1997 SC 610) નો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ ઠરાવ્યું છે કે પોલીસ કસ્ટડી કે ધરપકડ દરમિયાન આરોપી પર શારીરિક અત્યાચાર (Custodial Torture) ગુજારવો એ કાયદાની દ્રષ્ટિએ ગેરકાયદેસર અને અમાનવીય છે. આરોપી સામે ગમે તેવો ગંભીર ગુનો હોય, છતાં કાયદાકીય પ્રક્રિયા સિવાય કોઈને સજા કરવાનો અધિકાર માત્ર ન્યાયતંત્રને છે, પોલીસને નહીં. જાહેરમાં દોરડાથી બાંધી માર મારવો એ બંધારણની કલમ-૨૧ હેઠળ પ્રત્યેક નાગરિકને મળેલા માનવીય ગરિમા અને જીવન જીવવાના મૂળભૂત અધિકારનું ઘોર ઉલ્લંઘન છે.

આ ઉપરાંત, રાજ્યના પોલીસ વડા (DGP) દ્વારા જાહેર પરેડ કે જાહેરમાં માર મારવા પર પ્રતિબંધ મૂકતા સ્પષ્ટ પરિપત્રો હોવા છતાં સ્થાનિક પોલીસ દ્વારા તેની ખુલ્લેઆમ અવહેલના કરવામાં આવી છે. અરજદાર વકીલોએ હાઇકોર્ટના ચીફ જસ્ટિસને નમ્ર અનુરોધ કર્યો છે કે બંધારણ અને સુપ્રીમ કોર્ટના આદેશોનું રક્ષણ કરવા માટે અદાલત પોતાની અસાધારણ સત્તાનો ઉપયોગ કરીને આ મામલે સુઓમોટો રિટ પિટિશન દાખલ કરે. આ સાથે જ કાયદો હાથમાં લઈને જાહેરમાં નિર્દયતા આચરનારા જવાબદાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સામે તટસ્થ ન્યાયિક તપાસ કરાવી, ખાતાકીય પગલાં ભરવા તેમજ ફોજદારી ગુનો નોંધી કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે.
📲Get App