🔥 TRENDING Mathura poised to become next focal po... Uttar Pradesh Engineer Detained in Mos... Grassroots Playday League Season 5 wra... Sikkim launches SIUDP-ADB project, kic... 11% of Voters Removed from Sikkim Elec... Over 2 Million Affected as Floodwaters...
07 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ઊર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે લાલાવદર ખાતે રૂ. ૧૨ કરોડના ખર્ચે નિર્માણ થનાર ૬૬ કે.વી.સબસ્ટેશનનું ખાતમુહૂર્ત

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 07 Sep 2026, 09:56 AM 👁 4
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ઊર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે લાલાવદર ખાતે રૂ. ૧૨ કરોડના ખર્ચે નિર્માણ થનાર ૬૬ કે.વી.સબસ્ટેશનનું ખાતમુહૂર્ત

સબ સ્ટેશન તૈયાર થતા ૬ ગામના આશરે ૨,૫૦૦ ગ્રાહકોને મળશે વધુ સાતત્યપૂર્ણ અને ગુણવત્તાસભર વીજપુરવઠો – મંત્રીશ્રી

લાલાવદર ખાતે રૂ. ૮૦ લાખના ખર્ચે સુવિધા પથના નિર્માણનું પણ ખાતમુહૂર્ત

૬૬ કે.વી. સબસ્ટેશન, રમત-ગમત સંકુલ, હોસ્ટેલ, શાળા, માર્ગ સહિત ટૂંકા ગાળામાં લાલાવદરને આશરે રૂ. ૧૦૦ કરોડના વિકાસકાર્યોની ભેટ


અમરેલી, તા. ૦૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ -
અમરેલી તાલુકાના લાલાવદર મુકામે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કંપની લિમિટેડ (જેટકો) દ્વારા રૂ. ૧૨ કરોડથી વધુના ખર્ચે નિર્માણ થનાર ૬૬ કે.વી. સબસ્ટેશનનું ઊર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લાલાવદર-ચક્કરગઢ સી.સી રોડના બાકી રહેતા ભાગમાં આશરે રૂ. ૮૦ લાખના ખર્ચે નિર્માણ થનાર સુવિધા પથનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિધિવત્ ભૂમિપૂજન કરી મંત્રીશ્રીના હસ્તે નવા સ્ટેશનના ખાતમુહૂર્તની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વ હેઠળ અમરેલી વિધાનસભા મતવિસ્તારના ત્રણેય તાલુકામાં વિકાસકાર્યોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. લાલાવદર ખાતે નિર્માણ થનાર ૬૬ કે.વી. સબસ્ટેશન કાર્યરત થતાં અમરેલી શહેર તેમજ અમરેલીના ગ્રામ્ય ખેતીવાડી વિસ્તાર ઉપરાંત લાલાવદર, સલડી, ગોઢાવદર, દુધાળા (બાઈ) અને કેરિયા-નાગસ સહિતના છ ગામોના આશરે ૨,૫૦૦ ગ્રાહકોને વધુ સાતત્યપૂર્ણ અને ગુણવત્તાસભર વીજપુરવઠો મળી રહેશે. નવા સબસ્ટેશનના કારણે લો-વોલ્ટેજ સહિતની વીજપુરવઠા સંબંધિત સમસ્યાઓમાં પણ ઘટાડો થશે.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, લાલાવદર ખાતે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની રમત-ગમત સ્પર્ધાઓ યોજી શકાય તેવું અત્યાધુનિક રમત-ગમત સંકુલ તૈયાર કરવામાં આવ્યું છે. આ સંકુલમાં યોજાનારી મોટી રમત-ગમત સ્પર્ધાઓથી લાલાવદરનું નામ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ઉજાગર થશે. સંકુલમાં આવનાર ખેલાડીઓ માટે રહેવા અને ભોજનની સુવિધા ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકાર દ્વારા ૧૦૦ ભાઈઓ અને ૧૦૦ બહેનો માટેની ક્ષમતાવાળી હોસ્ટેલ રૂ. ૨૫ કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવી છે.

મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું કે, અમરેલી-લાલાવદર-લીલીયા માર્ગ અગાઉ બિસ્માર સ્થિતિમાં હોવાથી અકસ્માતોની ઘટનાઓ બનતી હતી. સ્થાનિકોની રજૂઆતને ધ્યાને લઈ આ માર્ગનું આધુનિકીકરણ કરવામાં આવ્યું છે. નવી શાળા, પંચાયત ભવન, આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી, માર્ગ-રસ્તા, રમત-ગમત સંકુલ અને સબસ્ટેશન સહિતના વિવિધ વિકાસકાર્યો થકી છેલ્લા સાડા ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં લાલાવદરને રાજ્ય સરકાર દ્વારા આશરે રૂ. ૧૦૦ કરોડના વિકાસકાર્યોની ભેટ મળી છે.

મંત્રીશ્રીએ ખેડૂતો માટે સૌની યોજનાનું પાણી અમરેલીના કુંકાવાવ તાલુકા સુધી પહોંચ્યું હોવાની ઉપલબ્ધિનો ઉલ્લેખ કરી, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં અમલમાં મૂકવામાં આવેલા કૃષિ રાહત સહાય પેકેજ તેમજ ૧૧૫ ગામોમાં તળાવો ઊંડા કરવાની કામગીરી સહિતની કૃષિ કલ્યાણલક્ષી કામગીરીની માહિતી આપી હતી.

નવા સબસ્ટેશનમાંથી ૧૧ કે.વી.ના પાંચ ફીડર મારફતે વીજપુરવઠો પહોંચાડવામાં આવશે. આ સબસ્ટેશન કાર્યરત થતાં ૬૬ કે.વી. અમરેલી-એ અને ૬૬ કે.વી. લીલીયા સબસ્ટેશન પરનો વીજભાર નોંધપાત્ર રીતે ઘટશે. પરિણામે હયાત સબસ્ટેશન પરથી વીજળી મેળવતા ગ્રાહકોને પણ પૂરતા દબાણ સાથે વધુ સાતત્યપૂર્ણ વીજપુરવઠો મળી રહેશે.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્યશ્રી આશિષભાઈ અકબરી, અગ્રણીશ્રીઓ મનસુખભાઈ ગાંગડિયા, ચેતનભાઈ ઘાનાણી, નિકુલભાઈ માંડણકાર, મધુભાઈ હરખાણી, કાળુભાઈ વાળા, નાથાલાલ સુખડિયા, જેટકો તથા પી.જી.વી.સી.એલ.ના અધિકારીશ્રીઓ અને લાલાવદરના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App