🔥 TRENDING Gujarat Extends Invitation to Rajastha... Kedia Pavitra Delivers Premium Staples... Greater Flamingos Flock to Tamil Nadu'... Tamil Nadu Dominates National Junior A... Tamil Nadu Enforces New Liquor Payment... Woman Killed for Gold in Rajasthan, Bo...
28 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાની ઉપસ્થિતિમાં ‘પી.એમ. કિસાન સન્માન નિધિ’ જિલ્લાકક્ષા કાર્યક્રમના સુચારું આયોજન અર્થે બેઠક યોજાઈ

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 24 Oct 2026, 11:57 AM 👁 30
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાની ઉપસ્થિતિમાં ‘પી.એમ. કિસાન સન્માન નિધિ’ જિલ્લાકક્ષા કાર્યક્રમના સુચારું આયોજન અર્થે બેઠક યોજાઈ

બેઠકમાં સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા, જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાતની ઉપસ્થિતિ

આગામી તા. ૩૦ ઓક્ટોબરે ‘પી.એમ. કિસાન સન્માન નિધિ’ જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાશે

તા. ૩૧ ઓક્ટોબરે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો, નગરપાલિકાકક્ષાએ 'એકતા રેલી' (રન ફોર યુનિટી) સહિતના કાર્યક્રમોનું આયોજન

અમરેલી તા. ૨૩ ઓક્ટોબર
અખંડ ભારતના શિલ્પી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે તા. ૩૧ ઓક્ટોબરના રોજ સમગ્ર અમરેલી જિલ્લામાં 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ભવ્ય ઉજવણી કરવાનું સુદ્રઢ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ નિમિત્તે જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારો, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકા વિસ્તારોમાં રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને સામાજિક સમરસતાનો સંદેશ પ્રસરાવતી 'એકતા રેલી' (રન ફોર યુનિટી) તેમજ દેશભક્તિના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો ધામધૂમથી યોજાશે.

આ તમામ કાર્યક્રમોના સુચારું આયોજન અને સફળ સંચાલન માટે અમરેલી જિલ્લા સેવા સદન ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી ડોડિયાએ ઉપસ્થિત તમામ વિભાગના સરકારી અધિકારીશ્રીઓને કાર્યક્રમની રૂપરેખા આપીને જરૂરી માહિતી અને વહીવટી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સરકારી તંત્ર દ્વારા આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સ્થાનિક નાગરિકો મહત્તમ સંખ્યામાં જોડાય તે માટેની પૂર્વ તૈયારીઓ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજ અને જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાતની ઉપસ્થિતિમાં આ બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહેલા રાજ્યના કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ આગામી તા. ૩૦ ઓક્ટોબરના રોજ આયોજિત થનારા જિલ્લાકક્ષાના 'પી.એમ કિસાન સન્માન નિધિ' કાર્યક્રમ અંગે વહીવટી તંત્રને વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે ખેડૂત કલ્યાણની આ યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે અને કાર્યક્રમનું આયોજન ખેડૂતલક્ષી બને તે માટે અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. આ બેઠક દરમિયાન સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા અને જિલ્લા પંચાયત હોદ્દેદારશ્રી, આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત આયોજનના પગલે અમરેલી જિલ્લામાં ઓક્ટોબર માસના અંતમાં રાષ્ટ્રીય ચેતના અને કૃષિ મહોત્સવનો બેવડો સમન્વય જોવા મળશે. વહીવટી તંત્રના તમામ સહયોગી વિભાગો આ બંને મહત્વપૂર્ણ કાર્યક્રમોને સફળ બનાવવા માટે પરસ્પર સંકલન સાધીને સંપૂર્ણ રીતે સજ્જ બન્યા છે.

આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી એ.એ.ડોડિયા, અમરેલી પ્રાંત અધિકારી શ્રી જાડેજા અને વર્ચ્યુઅલ રીતે જોડાયેલ પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી કાનાણી સહિતના સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App