🔥 TRENDING Pradyot Expresses Discontent with TTAA... CPM Urges United Opposition Against BJ... Tripura Govt Proposes Four New DDRCs a... Young Man Dies by Suicide in Mohali's... चित्रकूट में बाढ़ के बाद अब मौसम सामान... हिसुआ थाना पुलिस ने राजगीर रोड पर रसोई...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

જૂનાગઢમાં ડિજિટલ યુગમાં સાહિત્ય અને પત્રકારત્વની ભૂમિકા પર સર્જકોનો સંવાદ

✍️ Reporter: Sudip Gadhiya 🗓 30 Sep 2026, 07:54 AM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જૂનાગઢ ખાતે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં આયોજિત પરિસંવાદમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ટેકનોલોજીના યુગમાં પત્રકારત્વ અને સાહિત્યના બદલાતા સ્વરૂપ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી.

જૂનાગઢ : સિંહ અને નરસિંહની ભૂમિ જૂનાગઢ ખાતે ગુજરાત પ્રેસ અકાદમી-ગાંધીનગર, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી (IQAC) અને પ્રાદેશિક માહિતી કચેરી-જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ લેંગ્વેજીસ ખાતે "ડિજિટલ યુગમાં સાહિત્ય અને પત્રકારત્વની બદલાતી ભૂમિકા" વિષય પર એક ભવ્ય 'સર્જક સાથે સંવાદ' કાર્યક્રમ યોજાયો હતો. આ પરિસંવાદમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ટેકનોલોજીના યુગમાં પત્રકારત્વ અને સાહિત્યના બદલાતા સ્વરૂપ વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતાએ જણાવ્યું હતું કે, દરેક યુગમાં ટેકનોલોજીનો આવિષ્કાર થતો રહ્યો છે, તેથી નવી ટેકનોલોજીના વિકાસથી ડરવાની જરૂર નથી પરંતુ તેનાથી આવેલા પરિવર્તનોને સ્વીકારીને સાથે જરૂરી બદલાવ લાવવા પડશે. પત્રકારત્વમાં AI, મોબાઈલ અને ઇન્ટરનેટના આગમનથી પરિશ્રમ ઘટ્યો છે, પરંતુ માહિતીનું પૃથક્કરણ, ગ્રાઉન્ડ રિપોર્ટિંગ અને તથ્યોની ચકાસણીનું મહત્વ એટલું જ અકબંધ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, આ ડિજિટલ યુગમાં પણ 'કન્ટેન્ટ ઈઝ ધ કિંગ' છે. પ્રાદેશિક ભાષાના માધ્યમોનો વ્યાપ છેવાડાના ગામડા સુધી વધ્યો છે ત્યારે ક્લિષ્ટ ભાષાને બદલે સરળ અને લોકભોગ્ય ભાષામાં સર્જન હોવું જરૂરી છે.

પ્રેસ અકાદમીના સચિવ જયેશ દવેએ જણાવ્યું હતું કે, ડેટા અને શબ્દોના સમૂહરૂપ AI પાસે અનેક ખૂબીઓ છે પરંતુ તેની મર્યાદાઓ પણ છે; તેની પાસે ભાવ, મૌલિકતા, સંવેદનશીલતા અને શૈલી નથી, જેના માટે હંમેશા માનવ પર જ નિર્ભર રહેવું પડે છે. તેમણે ઉમેર્યું કે, ભાષા અને સંવાદના માધ્યમથી જ વ્યક્તિત્વનો વિકાસ થાય છે. ડિજિટલ યુગમાં ભાષાનો હ્રાસ ન થાય તે જોવાની આપણી જવાબદારી છે, કારણ કે જ્યારે ભાષામાં વૈચારિક સંસ્કાર ભળે ત્યારે જ સાચો સંવાદ રચાય છે. જાણીતા કોલમિસ્ટ અને લેખક હર્ષ મેસવાણિયાએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૭ સુધીમાં ઇન્ટરનેટ પરનું ૭૧% કન્ટેન્ટ AI-જનરેટેડ હોવાની શક્યતા છે. જો કે, AIની ઝડપ ગમે તેટલી વધે, તે મનુષ્યની મૌલિકતા અને ગ્રાઉન્ડ લેવલના કામનું સ્થાન લઈ શકે નહીં. ઘટનાસ્થળે રૂબરૂ હાજર રહીને પ્રત્યક્ષ રિપોર્ટિંગ કરવાની ક્ષમતા માત્ર માનવ પાસે જ છે.

આજના યુગમાં 'ફેક્ટ-ચેકિંગ' (સત્યતાની ચકાસણી) ને સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ગણાવતા હર્ષ મેસવાણિયાએ કહ્યું કે, માત્ર માહિતીથી 'અપડેટ' રહેવાના બદલે નવી સ્કિલ્સ શીખીને સતત 'અપગ્રેડ' થવું અનિવાર્ય છે; મશીનો શબ્દો ઓળખી શકે છે પણ તેના ભાવાર્થનું સાચું અર્થઘટન મનુષ્ય જ કરી શકે છે. કાર્યક્રમના પ્રારંભે મીનરાજ શૈક્ષણિક સંકુલની બાળાઓએ ગણેશ વંદના રજૂ કરી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ વક્તાઓ સાથે પ્રશ્નોત્તરી દ્વારા રસપ્રદ સંવાદ પણ કર્યો હતો. કાર્યક્રમના અંતે પ્રાદેશિક માહિતી કચેરી જૂનાગઢના નાયબ માહિતી નિયામક એન.એમ. મહેતાએ આભારવિધિ કરી હતી, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન માહિતી મદદનીશ જલકૃતિ મહેતા અને હિરેન અમરેલીયાએ સંભાળ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ સ્થળોએથી માહિતી વિભાગના અધિકારીઓ, યુનિવર્સિટીના પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં પત્રકારમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App