🔥 TRENDING ओतूर मार्केट यार्ड मध्ये भव्य रांगोळी... રાજ્ય મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીના હસ્ત... education education education J&K Government Says No Fixed Deadline...
24 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સરોલી ગામના અમીશ પટેલ મોત કેસ: આરોપી પક્ષે પણ ન્યાયની માંગ સાથે વિશાળ રેલી યોજી

✍️ Reporter: Dhaval Maheta 🗓 24 Sep 2026, 04:20 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સરોલી ગામના અમીશ પટેલના શંકાસ્પદ મોત કેસમાં રોજ નવા વળાંક આવી રહ્યા છે. અગાઉ અકસ્માત મોતનો ગુનો નોંધાયા બાદ હવે આરોપી પક્ષના પરિવારજનો અને સમાજના આગેવાનોએ પણ ન્યાયની માંગ સાથે વિશાળ રેલી કાઢી છે.

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સરોલી ગામમાં અમીશ પટેલના શંકાસ્પદ મોતનો મામલો વધુ વકર્યો છે. અગાઉ પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધી 7 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, ફરિયાદી પક્ષ અને કોળી પટેલ સમાજના આગેવાનો દ્વારા આ ઘટનાને હત્યા ગણાવી હત્યાની કલમ દાખલ કરવા સુરત રેન્જ IG ને રજૂઆત કરવામાં આવી હતી.

આ રજૂઆતના ત્રણ દિવસ બાદ હવે આરોપી પક્ષના પરિવારજનો અને અન્ય કોળી સમાજના આગેવાનોએ વળતો પ્રહાર કર્યો છે. તેમણે સુરત રેન્જ IG કચેરી સુધી એક વિશાળ રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને 'ન્યાય જોઈએ પૂર્વગ્રહ નહીં' તથા 'ખોટી ફરિયાદ અને ખોટી ધરપકડ બંધ કરો' જેવા બેનરો સાથે ન્યાયની માંગ કરી હતી.

આ વિશાળ રેલીમાં પકડાયેલા સાત આરોપીઓ પૈકીના એક આરોપી દિવ્યેશ પટેલની સગર્ભા પત્ની કિંજલબેન પણ પોતાના પતિ માટે ન્યાયની ગુહાર લગાવવા પહોંચ્યા હતા. કિંજલબેને પોલીસ તપાસ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, "મારા પતિને પોલીસે માત્ર પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા અને ત્યારબાદ કશું જ કહ્યા વગર ખોટી રીતે પાયાવિહોણા આક્ષેપો લગાવી ધરપકડ કરી લીધી. હું ગર્ભવતી હોવા છતાં છેલ્લા 8-10 દિવસથી પતિ જેલમાંથી બહાર આવે તે માટે ભટકી રહી છું."

કિંજલબેને વધુમાં જણાવ્યું હતું કે, "આ બધું એક મોટું ષડયંત્ર છે અને સાતેય યુવાનો નિર્દોષ છે. પોલીસે ન્યાય માટે ફરીથી નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ." આરોપી પક્ષની આ રેલીએ આ શંકાસ્પદ મોત કેસમાં નવો વળાંક આપ્યો છે અને પોલીસ તપાસ પર વધુ પ્રશ્નાર્થ સર્જ્યા છે.
📲Get App