🔥 TRENDING Punjab Minister Sanjeev Arora May Cont... Punjab Housing Minister in Focus: Trib... Allegations of Mid Day Meal Irregulari... સેવા સેતુ કાર્યક્રમમાં 500 અરજદારોને વ... Assam Increases Orunodoi Payout to Rs... Assam Court Awards 30-Year Rigorous Im...
24 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વીજળી ચાલુ કરવા મુદ્દે બોલાચાલી બાદ મજૂર સાથે મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી, રાણપુર પોલીસે ગુનો નોંધ્યો
Crime

વીજળી ચાલુ કરવા મુદ્દે બોલાચાલી બાદ મજૂર સાથે મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી, રાણપુર પોલીસે ગુનો નોંધ્યો

✍️ Reporter: MORI GAMBHIRSINH 🗓 24 Sep 2026, 09:52 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ખોખરનેશ ગામે વીજપોલ ઉભા કરવાના કામ દરમિયાન વીજળી ચાલુ કરવા મુદ્દે થયેલી બોલાચાલી બાદ એક મજૂર સાથે મારમારી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે રાણપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ખોખરનેશ ગામે વીજપોલ ઉભા કરવા અને વીજ કેબલ ખેંચવાના કામ દરમિયાન વીજળી ચાલુ કરવા મુદ્દે થયેલી બોલાચાલી બાદ મારામારી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે રાણપુર પોલીસ સ્ટેશનમાં ખોખરનેશ ગામના એક શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ, અભયભાઈ ભલાભાઈ નાયકા નામના મજૂર MVCC કંપનીના કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે અને છેલ્લા દોઢ મહિનાથી રાણપુર તાલુકાના વિવિધ ગામોમાં વીજળી સંબંધિત કામ કરી રહ્યા છે.

ગત 24 સપ્ટેમ્બરના રોજ તેઓ પોતાના મજૂરો અને GEBના લાઇન ઇન્સ્પેક્ટર સાથે ખોખરનેશ ગામે વીજપોલ ઉભા કરવા અને વીજ લાઇનનું કામ કરી રહ્યા હતા. બપોરના આશરે 3 વાગ્યાની આસપાસ સ્મશાન નજીક કામ ચાલી રહ્યું હતું ત્યારે ખોખરનેશ ગામના વિનુભાઈ ભુપતભાઈ જેજરીયા ત્યાં આવ્યા હતા અને ગામની લાઇટ કેમ બંધ છે તે અંગે પૂછપરછ કરી હતી. ફરિયાદીએ વીજપોલનું કામ ચાલુ હોવાથી વીજ પુરવઠો બંધ હોવાનું જણાવ્યું હતું.

ત્યારબાદ વિનુભાઈ ફરિયાદીને પોતાના વાહન પર બેસાડી આંગણવાડી પાસે લઈ ગયા હતા, જ્યાં અન્ય મજૂરો અને લાઇન ઇન્સ્પેક્ટર પણ હાજર હતા. ફરિયાદ મુજબ, આરોપીએ કામ કરતા મજૂરોને થાંભલા પરથી નીચે ઉતરવા અને વીજળીની સ્વીચ ચાલુ કરવા જણાવ્યું હતું. ફરિયાદીએ કામ ચાલુ હોવાથી ના પાડતાં બોલાચાલી થઈ હતી અને આરોપીએ ફરિયાદીના ગાલ પર બે લાફા માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ દરમિયાન ફરિયાદીને છોડાવવા આવેલા મજૂર ઈશ્વરભાઈ વિક્રમભાઈ નાયકા સાથે પણ મારામારી કરી બે લાફા માર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.

ઘટનાસ્થળે હાજર લાઇન ઇન્સ્પેક્ટરે સરકારી કામ હોવાનું જણાવી માથાકૂટ ન કરવા સમજાવ્યું હતું. જોકે, ફરિયાદ મુજબ આરોપીએ ત્યાં હાજર લોકોને ત્યાંથી જતા રહેવા જણાવ્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ બાદ ફરિયાદીએ પોતાના શેઠને જાણ કરી હતી અને GEBના લાઇન ઇન્સ્પેક્ટરે 112 પર જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ મામલે રાણપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 115(2), 351(3) અને 221 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
📲Get App