🔥 TRENDING Two Election Commissioners recorded 14... Toyota Opens New Dealership in Siligur... Police officer kills sister before tak... IndiaToday article claims Bihar has no... Video Shows Couple Assaulted in Odisha... Cyber fraud in Bhopal: Scammers pose a...
23 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કંબોઈ ધામે ગોવિંદ ગુરુની ભક્તિમાં ઉમટ્યો આસ્થાનો મહાસાગર

✍️ Reporter: Pankaj Pandit 🗓 23 Sep 2026, 01:50 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કંબોઈ ધામે ગોવિંદ ગુરુની ભક્તિમાં ઉમટ્યો આસ્થાનો મહાસાગર

ભાદરવા સુદ અગિયારસે વાર્ષિક ધાર્મિક મેળો યોજાયો : ગુજરાત-રાજસ્થાન-મધ્યપ્રદેશથી હજારો ભાવિકો, સંતો-મહંતોનો મેળાવડો


દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના કંબોઈ ધામ ખાતે પરમપૂજ્ય ગોવિંદ ગુરુ મહારાજ તથા ગેનીમાતા-વાલીમાતાની પરમકૃપાથી ભાદરવા સુદ અગિયારસના પાવન દિવસે વાર્ષિક ધાર્મિક મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગોવિંદ ગુરુ મહારાજની પવિત્ર સમાધિ ધરતી પર યોજાયેલા આ ધાર્મિક મેળામાં વહેલી સવારથી જ આસ્થા અને શ્રદ્ધાનો અદભુત માહોલ જોવા મળ્યો હતો.
કંબોઈ ધામ ખાતે ગોવિંદ ગુરુ મહારાજની સમાધિના દર્શન તથા રાત્રિના સમયે પાઠ-પૂજા અને ભજન-કીર્તનનો લાભ લેવા માટે ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો, સંતો-મહંતો તથા વિવિધ ભક્ત મંડળીઓ ઉમટી પડી હતી. સમગ્ર દિવસ દરમિયાન ધામ ખાતે ભક્તોની અવરજવરથી ધાર્મિક માહોલ છવાયેલો રહ્યો હતો.

*ગોવિંદ ગુરુની પવિત્ર ધરતી પર ભક્તિનો રંગ*

ગોવિંદ ગુરુ મહારાજ આદિવાસી સમાજમાં જાગૃતિ, એકતા અને સદાચારનો સંદેશ આપનાર મહાન સંત તરીકે શ્રદ્ધાપૂર્વક પૂજાય છે. તેમની પવિત્ર સમાધિ ધરતી કંબોઈ ધામ ખાતે દર વર્ષે યોજાતો આ મેળો માત્ર ધાર્મિક પ્રસંગ પૂરતો સીમિત ન રહેતા આસ્થા, પરંપરા અને ગુરુભક્તિના સંગમરૂપ બની રહ્યો છે.
મેળામાં વિવિધ સ્થળેથી આવેલી ભક્ત મંડળીઓ દ્વારા ભજન-કીર્તન, પાઠ-પૂજા અને આરતી સહિતની ધાર્મિક પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. ગોવિંદ ગુરુ મહારાજે બતાવેલા સદાચાર અને એકતાના માર્ગને યાદ કરી ભક્તોએ શ્રદ્ધાપૂર્વક સમાધિ ખાતે નમન કર્યું હતું.

*નિસ્વાર્થ સેવા બની ભક્તિનું માધ્યમ*

કંબોઈ ધામ ખાતે સ્થાનિક મંદિરના વહીવટ સાથે સંકળાયેલા વિનુભાઈ નિનામા, શૈલેશભાઈ નિનામા, પ્રવિણભાઈ, ઉમેશભાઈ નિનામા, રતિલાલભાઈ નિનામા, ચિરાગભાઈ, જીગ્નેશભાઈ સહિતના સેવાભાવી આગેવાનો દ્વારા મેળામાં આવતા ભાવિકો, સંતો-મહંતો અને ભક્તોને નિઃશુલ્ક ચા પીરસી સેવા કરવામાં આવી હતી.
ભક્તોની સેવા એ જ સાચી ભક્તિની ભાવના સાથે કરવામાં આવેલી આ સેવા મેળામાં આવનાર સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. સેવાભાવી કાર્યકરો દ્વારા ભાવિકોનું આત્મીય સ્વાગત કરી ધર્મલાભ મેળવવામાં આવ્યો હતો.

*રાજસ્થાન-મેવાડના ભક્તોની અનોખી પરંપરા*

કંબોઈ ધામના મેળામાં રાજસ્થાન અને મેવાડ વિસ્તારના ભક્તોની આગવી શ્રદ્ધા અને પરંપરા પણ જોવા મળી હતી. અનેક ભક્તો દ્વારા ગત વર્ષે માનેલી માનતા અને લીધેલા સંકલ્પને પૂર્ણ કરવા ગોવિંદ ગુરુ મહારાજની સમાધિ પર દોડા ચઢાવી શ્રદ્ધા અર્પણ કરવામાં આવી હતી.
આવતા વર્ષમાં સારો વરસાદ પડે, ખેતીમાં સારો પાક થાય અને પરિવાર તથા સમાજમાં સુખ-શાંતિ જળવાઈ રહે તેવી પ્રાર્થના સાથે ભક્તોએ માનતા-બાધા પૂર્ણ કરી હતી. સમાધિ ખાતે આરતી, ભજન અને પૂજા કરી ભક્તોએ ગોવિંદ ગુરુ મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા.

*રોશનીથી ઝળહળી ઉઠ્યું કંબોઈ ધામ*

દિવસભર ધાર્મિક પ્રવૃત્તિઓ બાદ રાત્રિના સમયે કંબોઈ ધામ રોશનીથી ઝગમગી ઉઠ્યું હતું. પાઠ-પૂજા, ભજન-કીર્તન અને આરતીના આધ્યાત્મિક માહોલ વચ્ચે સમગ્ર ધામ ભક્તિમય બની ગયું હતું. દૂર-દૂરથી આવેલા ભાવિકોએ ગોવિંદ ગુરુ મહારાજની સમાધિ ખાતે શીશ નમાવી ધન્યતા અનુભવી હતી.
ગોવિંદ ગુરુ મહારાજે બતાવેલા સત્ય, સદાચાર, એકતા અને સમાજ જાગૃતિના માર્ગને હૃદયમાં ધારણ કરી ભક્તોએ દર વર્ષની પરંપરા મુજબ મેળામાં ઉપસ્થિત રહી પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી. આ રીતે કંબોઈ ધામનો વાર્ષિક મેળો આસ્થા, શ્રદ્ધા, સેવા, સંકલ્પ અને પરંપરાનો અનોખો સંગમ બની રહ્યો હતો.
📲Get App