🔥 TRENDING दीपावली पर सभी व्यवस्थाएं रहें चाक-चौब... नशामुक्त समाज के निर्माण की पहल, कलेक्... ट्रक ने 3दोस्तों को रौदा, मौके पर ही म... पूर्व विधायक अंबा प्रसाद ने ब्लड कैंसर... നാട്ടിക NH 66-ൽ അന്യായ ടോൾ പിരിവിനെതിര... नई दिल्ली में सोलर नीति और स्वच्छ ऊर्ज...
04 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

મહીસાગરમાં સ્ટેમ્પ કૌભાંડનો પર્દાફાશ: વધુ પૈસા વસૂલતા બે ACC સંચાલકો સ્ટિંગમાં ઝડપાયા

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 04 Nov 2026, 07:45 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાની કાર્યવાહી; સ્ટોકમાં પણ મોટી ગેરરીતિ, ફરજિયાત રેકોર્ડમાં પણ ક્ષતિઓ

લુણાવાડા, તા. 04 - મહીસાગર જિલ્લાના નાગરિકો પાસેથી સ્ટેમ્પના નિયત ભાવ કરતાં વધુ નાણાં વસૂલવાની પ્રવૃત્તિ સામે વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે. નાયબ કલેક્ટર (સ્ટેમ્પ ડ્યુટી) એચ.ટી. મકવાણા દ્વારા છેલ્લા ત્રણ દિવસથી હાથ ધરાયેલા ગુપ્ત સ્ટિંગ ઓપરેશનમાં બે ઈ-સ્ટેમ્પિંગ કેન્દ્રો (ACC) ના સંચાલકો રંગેહાથ ઝડપાઈ ગયા છે.

પ્રાપ્ત વિગતો મુજબ, જિલ્લામાં હાલ કુલ 59 અધિકૃત ઈ-સ્ટેમ્પિંગ કેન્દ્રો કાર્યરત છે. જમીન-મિલકતના દસ્તાવેજો, બક્ષિસ, ગીરોખત, એફિડેવિટ, પાવર ઓફ એટર્ની, વારસાઈ, લગ્ન નોંધણી ઉપરાંત વાહન લે-વેચ, ગોલ્ડ લોન સહિતના વ્યવહારોમાં નાગરિકોને આ કેન્દ્રો પરથી સ્ટેમ્પ લેવા પડે છે. કેટલાક કેન્દ્રો નિયત કિંમત કરતાં વધુ વસૂલે છે તેવી ફરિયાદોના પગલે આ કાર્યવાહી હાથ ધરાઈ હતી.

કેવી રીતે ગોઠવાયું સ્ટિંગ ઓપરેશન?

નાયબ કલેક્ટરશ્રીએ એક નાયબ મામલતદાર અને બે કર્મચારીઓને સામાન્ય નાગરિકના સ્વાંગમાં રૂ.100 ના ઈ-સ્ટેમ્પ ખરીદવા માટે સંતરામપુર, બાલાસિનોર, પૂરકડાણા સહિતના વિસ્તારોમાં મોકલ્યા હતા. આ દરમિયાન બે કેન્દ્રો પર નિયત કિંમત કરતાં વધુ વસૂલાત થતી હોવાનું સામે આવ્યું હતું.

ઝડપાયેલા સંચાલકો:
1) અબ્દુલરશીદ કાસમભાઈ શેખ - બાલાસિનોર ACC કેન્દ્ર
2) અલ્પેશકુમાર મુળજીભાઈ પટેલ - વડાગામ (તા. ખાનપુર) ACC કેન્દ્ર
બંને સંચાલકો રૂ.100 ના સ્ટેમ્પના રૂ.110 વસૂલતા રંગેહાથ ઝડપાયા હતા.

સ્ટોક અને રેકોર્ડમાં પણ ગંભીર ક્ષતિઓ

નાયબ કલેક્ટર દ્વારા સ્થળ પર રૂબરૂ જઈને કરાયેલી ઝીણવટભરી તપાસમાં વધારાની વસૂલાત ઉપરાંત અનેક અનિયમિતતાઓ બહાર આવી છે.

બાલાસિનોર કેન્દ્રમાં ઓનલાઇન રેકોર્ડમાં સ્ટેમ્પનો જથ્થો 142 બતાવાયો હતો, જ્યારે પ્રત્યક્ષ ગણતરીમાં 140 જ મળ્યા હતા. કેન્દ્ર પર ખરીદનાર પાસેથી ફરજિયાત ભરવાનું ફોર્મ નં.3 ભરાવવામાં આવતું નહોતું, ઈ-સ્ટેમ્પિંગ રજિસ્ટર નિભાવાતું નહોતું અને ખરીદનારના મોબાઈલ નંબરની નોંધ પણ કરાતી નહોતી, જેથી અગાઉના વ્યવહારોની ટેલિફોનિક ચકાસણી પણ શક્ય બની નહોતી.

આ જ રીતે વડગામ કેન્દ્રમાં ઓનલાઇન જથ્થો 66 બતાવાયો હતો, જ્યારે સ્થળ પર માત્ર 53 સ્ટેમ્પ મળ્યા હતા. આ 13 સ્ટેમ્પના તફાવત અંગે સંચાલક કોઈ સંતોષકારક ખુલાસો આપી શક્યો નહોતો.

કાયદેસરની કાર્યવાહી અને તંત્રની ચેતવણી

સમગ્ર તપાસ Gujarat Stamp (Payment of Stamp Duty by Means of E-Stamping) Rules, 2014 ના નિયમ-37 હેઠળ મળેલી સત્તાની રૂએ હાથ ધરવામાં આવી છે. બંને સંચાલકો સામે નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ જણાવ્યું હતું કે, "રાજ્ય સરકારની ભ્રષ્ટાચાર પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ છે. નાગરિકોના નાણાંનું રક્ષણ અને પારદર્શિતા એ અમારી પ્રાથમિકતા છે. જિલ્લાના તમામ 59 કેન્દ્રો પર સતત દેખરેખ રાખવામાં આવશે અને ભવિષ્યમાં પણ અચાનક તપાસ અને સ્ટિંગ ઓપરેશન ચાલુ રહેશે."

નાગરિકોને અપીલ

જો કોઈપણ ઈ-સ્ટેમ્પિંગ કેન્દ્ર કે સબ-રજિસ્ટ્રાર કચેરીમાં નિયત ફી કરતાં વધુ નાણાંની માંગણી થાય, રસીદ ન આપવામાં આવે તો તાત્કાલિક નાયબ કલેક્ટર (સ્ટેમ્પ ડ્યુટી), બીજો માળ, કલેક્ટર કચેરી, મહીસાગર નો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. ફરિયાદ માટે ટૂંક સમયમાં ખાસ મોબાઈલ નંબર પણ જાહેર કરાશે.
📲Get App