🔥 TRENDING Mayor Ajay Mishra and Deputy CM Rajend... બનાસકાંઠામાં: પ્રોહિબિશન ગુનામાં આરોપી... कटिहार में जनता दरबार: डीएम ने समय-सीम... ଉତ୍କଳ ସାମ୍ବାଦିକ ସଂଘ କାର୍ଯ୍ୟାଳୟରେ ସାଧାର... Indore Traffic Police Halt E‑Rickshaws... Alwar: Woman Returning with Water Tank...
27 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નાંદોદમાં જન સુનાવણી યોજાઈ, ૪૯ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 27 Nov 2026, 07:10 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજ્યકક્ષાના મંત્રી ત્રિકમભાઈ છાંગાની અધ્યક્ષતામાં નાંદોદ મામલતદાર કચેરી ખાતે જન સુનાવણી યોજાઈ હતી. જેમાં રાજપીપલા નગરપાલિકા સહિત નાંદોદ, તિલકવાડા અને ગરુડેશ્વર તાલુકાના નાગરિકોએ પોતાના વિસ્તારના વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા.

રાજપીપલા શહેરમાં શુદ્ધ પીવાનું પાણી, જૂની પાણીની લાઇનો બદલી નવી લાઇનો નાખવી, રાજપીપલાનો પ્રવાસન તરીકે વિકાસ, રાજપીપલા રેલવે સ્ટેશનને એકતાનગર સાથે જોડવું, ગેસ પાઇપલાઇનનાં નવાં કનેક્શન, ભૂગર્ભ ગટરલાઇન, સફેદ ટાવરથી સૂર્ય દરવાજા સુધી ટુ-લેન રોડ, વોર્ડ નંબર ૭માં લાઇબ્રેરી, આંગણવાડી અને બોક્સ ગટરલાઇન બનાવવાના પ્રશ્નો રજૂ થયા હતા.

ગ્રામ્ય વિસ્તારોમાં ગામોને જોડતા ડામર રસ્તાઓ પૂર્ણ કરવા, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા, પીવાના પાણીની સમસ્યા, નર્મદા પરિક્રમા બ્રિજ પૂર્ણ કરવો, ઝરવાણીના રસ્તાઓ, શાળાઓમાં રમતગમતનાં મેદાનો, વધેલી ગામનું બંધ સબ સેન્ટર શરૂ કરવું, તિલકવાડા મંદિરે સંરક્ષણ દીવાલ, સિંચાઈ સુવિધા, શિક્ષણમાં સુધારા, ગરુડેશ્વરમાં સબ વહીવટી સુવિધાઓ, તાલુકા કક્ષાએ પુસ્તકાલય અને તિલકવાડા આરોગ્ય કેન્દ્રની નવી બિલ્ડિંગ બનાવવાની રજૂઆતો કરવામાં આવી હતી.

આ ઉપરાંત ખુટાઆંબા સહિતનાં ગામોમાં મોબાઇલ નેટવર્ક અને ઇન્ટરનેટ સુવિધા, જરૂરિયાતમંદોને આવાસ યોજનાનો લાભ, કારેલી ગામમાં નલ સે જલ યોજના પૂર્ણ કરવી, પંચવટીમાં આંગણવાડી, મોટા રાયપુરામાં બસ સેવા, તિલકવાડામાં કંટ્રોલ સેન્ટર અને પાસ કઢાવવાની વ્યવસ્થા, અગર ગામમાં ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા, નવું સ્મશાન, રાજપીપલાથી રામગઢને જોડતો બ્રિજ, બુજેઠામાં નવી પાણીની ટાંકી, ખેતીવાડી માટે વીજળી અને કરજણ ડેમમાંથી પાણી છોડવાથી જમીનનું ધોવાણ અટકાવવાના પ્રશ્નો પણ રજૂ કરાયા હતા.

મંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાએ તમામ રજૂઆતો સાંભળી સંબંધિત અધિકારીઓને નાગરિકોના પ્રશ્નો સમયમર્યાદામાં ઉકેલવા અને રોજિંદી સુવિધાઓને પ્રાથમિકતા આપવા સૂચના આપી હતી.

જિલ્લા કલેક્ટર ગંગા સિંઘે પણ તમામ વિભાગોને પ્રશ્નોનું નિરાકરણ લાવી તેનો અહેવાલ રજૂ કરવા જણાવ્યું હતું. આગામી જિલ્લા સંકલન બેઠકમાં કામગીરીની સમીક્ષા કરવામાં આવશે.

આ પ્રસંગે ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ, પૂર્વ મંત્રી શબ્દશરણ તડવી, નગરપાલિકા પ્રમુખ શિવાનીબેન મહેતા, જિલ્લા વિકાસ અધિકારી આર.વી. વાળા, વિવિધ વિભાગોના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App