🔥 TRENDING ಜಾಲಹಳ್ಳಿ ಶೌಚಾಲಯ ಧ್ವಂಸ ಪ್ರಕರಣ: ನ್ಯಾಯಾಲಯ... હાપા સબ ડિવિઝન પીજીવીસીએલ દ્વારા આજે મ... Karnataka NEET PG 2026 Round‑2 Counsel... RSS Chief Mohan Bhagwat Warns of Socia... Rajasthan vs Jharkhand SMAT: Virat Koh... Four women charged for allegedly lurin...
16 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિની અમરેલીમાં ભવ્ય ઉજવણી; ડૉ. ભરતભાઈ બોઘરાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 16 Nov 2026, 09:57 AM 👁 23
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિની અમરેલીમાં ભવ્ય ઉજવણી; ડૉ. ભરતભાઈ બોઘરાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

ભગવાન બિરસા મુંડાના બલિદાનને રાષ્ટ્રીય ઓળખ અપાવી જનજાતીય ગૌરવને નવી ઊંચાઈએ પહોંચાડવાનું કાર્ય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે: ડૉ. બોઘરા

વડાપ્રધાનશ્રીના રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું

અમરેલી ખાતે મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવનાર આદિજાતિ સમાજના વિદ્યાર્થીઓ તેમજ રમત ગમત ક્ષેત્રે ઉતકૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું


અમરેલી, તા. ૧૫ નવેમ્બર
ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનો ભવ્ય ‘જનજાતીય ગૌરવ દિવસ’ કાર્યક્રમ યોજાયો હતો. ડૉ. ભરતભાઈ બોઘરાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતાં ડૉ. ભરતભાઈ બોઘરાએ જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાએ અંગ્રેજ શાસન સામે જળ, જમીન અને જંગલના અધિકારોની રક્ષા માટે ઐતિહાસિક લડત આપી હતી. તેમનું જીવન અને સંઘર્ષ માત્ર આદિવાસી સમાજ જ નહીં, પરંતુ સમગ્ર દેશના છેવાડાના અને શોષિત વર્ગના લોકો માટે પ્રેરણારૂપ છે. જે સમાજ પોતાના ભવ્ય ભૂતકાળ અને મહાપુરુષોના બલિદાનને ભૂલી જાય છે, તેનું ભવિષ્ય રહેતું નથી. ભગવાન બિરસા મુંડાના બલિદાનને રાષ્ટ્રીય ઓળખ અપાવી જનજાતીય ગૌરવને નવી ઊંચાઈએ પહોંચાડવાનું કાર્ય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

ડૉ. બોઘરાએ વર્ષ ૨૦૦૨ પછી તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આદિવાસી સમાજને વિકાસની મુખ્યધારામાં જોડવા માટે થયેલી કામગીરીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આદિવાસી વિસ્તારોમાં વિજ્ઞાન પ્રવાહની શાળાઓ શરૂ કરવા ઉપરાંત ફ્રી શિપ કાર્ડ યોજના હેઠળ ખાનગી મેડિકલ કોલેજોમાં અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થીઓની લાખો રૂપિયાની ફી રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે રૂ. ૧૫ લાખ સુધીની લોન તથા પાયલોટ બનવા માટે વિશેષ શિષ્યવૃત્તિની જોગવાઈ કરવામાં આવી છે.

આ ઉપરાંત, આયુષ્માન ભારત યોજના હેઠળ રૂ. ૧૦ લાખ સુધીની મફત આરોગ્ય સારવાર, નલ સે જલ યોજના હેઠળ ઘરે-ઘરે પીવાનું શુદ્ધ પાણી, પાકા રસ્તાઓ તેમજ વનબંધુ કલ્યાણ યોજના હેઠળ આદિવાસી વિસ્તારોના વિકાસ માટે વિશેષ બજેટની ફાળવણી સહિતની વિવિધ યોજનાઓનો લાભ આદિવાસી પરિવારોને મળી રહ્યો છે. આદિવાસી સમાજના ગરીબ પરિવારની દીકરીને દેશના સર્વોચ્ચ બંધારણીય પદ એવા રાષ્ટ્રપતિ પદે બિરાજમાન કરવાનું ઐતિહાસિક કાર્ય પણ વર્તમાન સરકારના નેતૃત્વમાં થયું છે. શિક્ષિત આદિવાસી યુવાનો પોતાના સમાજમાં જાગૃતિ લાવી સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડે તેવો અનુરોધ પણ તેમણે કર્યો હતો.

કાર્યક્રમના પ્રારંભે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કરવામાં આવ્યું હતું. આદિવાસી સમાજની સમૃદ્ધ પરંપરા અને સંસ્કૃતિને ઉજાગર કરતી સાંસ્કૃતિક તથા નૃત્યની પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી. અમરેલી ખાતે મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવનાર આદિજાતિ સમાજના વિદ્યાર્થીઓ તેમજ રમત ગમત ક્ષેત્રે ઉતકૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના પ્રારંભે જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજેશ કુમાર મૌર્યએ સ્વાગત પ્રવચન કર્યુ હતું. તેમણે મહાનુભાવોને આવકારતા ભગવાન બિરસા મુંડાના ત્યાગ, બલિદાન તેમજ સંઘર્ષના ઈતિહાસનો ઉલ્લેખ કર્યો હતો. આ પ્રસંગે કાર્યક્રમ સ્થળે વનવિભાગના સામાજિક વનીકરણ રેંજ અમરેલી દ્વારા બીજ મેળાનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી દક્ષા બહેન ચોડવડિયા, સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, અમરેલી નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈશાલી બહેન માંગરોળિયા, સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ શ્રી નયના બહેન કાપડિયા, એ.એસ.પી શ્રી જયવીર ગઢવી, નિવાસી અધિક કલેક્ટર શ્રી એ.એ.ડોડિયા, પ્રાંત અધિકારીશ્રી અમરેલી જાડેજા, અમરેલી નગરપાલિકાની કારોબારી સમિતિના ચેરમેન શ્રી મૌલિકભાઈ ઉપાધ્યાય, અમરેલી નગરપાલિકાની નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ શ્રી કેવલભાઈ મહેતા, અગ્રણી શ્રી અતુલભાઈ કાનાણી, શ્રી ભૂપતભાઈ બસિયા, શ્રી રાજુભાઈ ભુતૈયા, શ્રી વિજય ભાઈ ચોટલિયા, શ્રી દિનેશભાઈ ભુવા સહિતના અગ્રણીઓ, આદિવાસી સમાજના ભાઈઓ, બહેનો, યુવાનો તેમજ અમરેલી શહેરના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App