🔥 TRENDING Bangladesh Labels Sheikh Hasina a Conv... NSE CEO Predicts Faster Indian Economi... मन के अंधकार को ज्ञान रूपी रोशनी मिटात... El Niño Drives Seasonal Milk Supply Ri... Samvat 2083 Commences: What Does the N... India's National Interests Should Take...
08 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

દિવાળી : ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને પ્રકાશનો મહોત્સવ

✍️ Reporter: SUDIP GADHIYA 🗓 08 Nov 2026, 04:34 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દિવાળી : ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને પ્રકાશનો મહોત્સવ

ભારતીય સંસ્કૃતિમાં અનેક તહેવારોનું વિશેષ મહત્ત્વ છે, પરંતુ દિવાળીનું સ્થાન કંઈક વિશેષ છે. દિવાળી એટલે માત્ર દીવાઓ પ્રગટાવવાનો કે ફટાકડા ફોડવાનો તહેવાર નહીં, પરંતુ અંધકારમાંથી પ્રકાશ તરફ, નિરાશામાંથી આશા તરફ અને અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ પ્રયાણ કરવાનો ઉત્સવ. આ પર્વ આનંદ, ઉમંગ, ઉત્સાહ અને નવી ચેતનાનો સંદેશ આપે છે.

દિવાળી સાથે અનેક ધાર્મિક, પૌરાણિક અને સાંસ્કૃતિક પરંપરાઓ જોડાયેલી છે. રામાયણ અનુસાર, ચૌદ વર્ષનો વનવાસ પૂર્ણ કરીને ભગવાન શ્રીરામ, માતા સીતા અને લક્ષ્મણ અયોધ્યા પરત ફર્યા ત્યારે અયોધ્યાવાસીઓએ દીવાઓ પ્રગટાવી તેમનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગ અધર્મ પર ધર્મ અને અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક બન્યો. જૈન ધર્મમાં આ દિવસ ભગવાન મહાવીરના નિર્વાણ સાથે જોડાયેલો છે, જ્યારે શીખ પરંપરામાં ગુરુ હરગોવિંદ સાહિબજીની મુક્તિની સ્મૃતિમાં બંદી છોડ દિવસ ઊજવવામાં આવે છે.

ગુજરાતમાં દિવાળીનો ઉત્સવ વાઘબારસથી શરૂ થઈ ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી, બેસતા વર્ષ અને ભાઈબીજ સુધી વિસ્તરે છે. દરેક દિવસ પોતાની આગવી પરંપરા અને જીવનસંદેશ ધરાવે છે.

વાઘબારસ : ગૌસેવા અને કૃતજ્ઞતાનો દિવસ

વાઘબારસને વાકબારસ અથવા ગોવત્સ દ્વાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આસો વદ બારસના દિવસે ઊજવાતા આ પર્વમાં ગાય અને વાછરડાંની પૂજા કરવામાં આવે છે. ભારતીય ગ્રામ્યજીવનમાં ગાય ખેતી, દૂધ અને આજીવિકાનો મહત્ત્વપૂર્ણ આધાર રહી છે. આ દિવસે ગાય-વાછરડાંને શણગારી, પૂજા કરી અને આહાર અર્પણ કરવામાં આવે છે. કેટલીક પરંપરાઓમાં ગાયના દૂધ અને તેમાંથી બનતી વસ્તુઓનો ત્યાગ પણ કરવામાં આવે છે. આ પર્વ આપણને પશુધન, પ્રકૃતિ અને માનવજીવનને પોષણ આપતાં તમામ સ્ત્રોતો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું શીખવે છે.

ધનતેરસ : ધન અને આરોગ્યની આરાધના

આસો વદ તેરસના દિવસે ધનતેરસ અથવા ધનત્રયોદશી ઊજવવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર સમુદ્રમંથન દરમિયાન ભગવાન ધન્વંતરિ અમૃતકુંભ સાથે પ્રગટ થયા હતા. તેમને આયુર્વેદ અને આરોગ્યના દેવતા માનવામાં આવે છે. આ દિવસે ભગવાન ધન્વંતરિ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે તથા સોનું, ચાંદી અને વાસણોની ખરીદી કરવાની પરંપરા છે. ધનતેરસનો સાચો સંદેશ એ છે કે ધનની સાથે આરોગ્ય, સંતોષ અને સુખાકારી પણ જીવનની સાચી સમૃદ્ધિ છે.

કાળી ચૌદશ : નકારાત્મકતા પર વિજય

આસો વદ ચૌદશને કાળી ચૌદશ અથવા નરક ચતુર્દશી કહેવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણે નરકાસુરનો વધ કરીને લોકોને તેના અત્યાચારોથી મુક્તિ અપાવી હતી. આ દિવસે વહેલી સવારે સ્નાન, દીપદાન અને પૂજા કરવાની પરંપરા છે.
આ પર્વનો આધ્યાત્મિક સંદેશ પોતાના મનમાંથી ક્રોધ, લોભ, ઈર્ષ્યા, અહંકાર અને દ્વેષ જેવા દુર્ગુણો દૂર કરી આંતરિક સ્વચ્છતા કેળવવાનો છે.

દિવાળી : સત્ય અને પ્રકાશનો ઉત્સવ

દિવાળીની અમાસની રાત્રે ઘરોમાં દીવાઓ પ્રગટાવવામાં આવે છે, રંગોળી પૂરવામાં આવે છે, તોરણ બાંધવામાં આવે છે અને માતા લક્ષ્મી તથા ભગવાન ગણેશનું પૂજન કરવામાં આવે છે. લોકો સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સદબુદ્ધિ માટે પ્રાર્થના કરે છે.

દીવાની નાનકડી જ્યોત આપણને સમજાવે છે કે અંધકાર ગમે તેટલો ગાઢ હોય, પ્રકાશનો એક કિરણ પણ તેને દૂર કરી શકે છે. આ દિવસ માત્ર ઘરને પ્રકાશિત કરવાનો નહીં, પરંતુ અંતરના અજ્ઞાન અને નકારાત્મકતાને દૂર કરવાનો અવસર છે.

અન્નકૂટ : ગોવર્ધન લીલા અને અન્ન પ્રત્યેની કૃતજ્ઞતા

દિવાળી પછીના બેસતા વર્ષના દિવસે ગુજરાતનાં અનેક મંદિરોમાં અન્નકૂટનાં ભવ્ય દર્શન યોજાય છે. 'અન્ન' એટલે ભોજન અને 'કૂટ' એટલે પર્વત અથવા મોટો સમૂહ. વિવિધ વાનગીઓનો પર્વત સમાન ભોગ એટલે અન્નકૂટ.

અન્નકૂટની પરંપરા ભગવાન શ્રીકૃષ્ણની ગોવર્ધન લીલા સાથે જોડાયેલી છે. શ્રીમદ્ ભાગવત મહાપુરાણના દશમ સ્કંધમાં વર્ણવ્યા અનુસાર, ગોકુળવાસીઓ ઇન્દ્રની પૂજા કરતા હતા. ત્યારે બાળ શ્રીકૃષ્ણે સમજાવ્યું કે આપણા જીવનનું પાલન ગોવર્ધન પર્વત, ગાયો, જંગલો અને પ્રકૃતિ દ્વારા થાય છે. તેથી તેમની પૂજા અને કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈએ.

શ્રીકૃષ્ણની પ્રેરણાથી ગોકુળવાસીઓએ ગોવર્ધન પર્વતની પૂજા કરી અને વિવિધ ભોજન ધરાવ્યાં. આથી ક્રોધિત ઇન્દ્રએ ભારે વરસાદ વરસાવ્યો. ત્યારે શ્રીકૃષ્ણે પોતાની નાની આંગળી પર ગોવર્ધન પર્વત ધારણ કરી સાત દિવસ સુધી ગોકુળવાસીઓ અને ગાયોનું રક્ષણ કર્યું. અંતે ઇન્દ્રને પોતાની ભૂલ સમજાઈ.

આ પ્રસંગે ગોકુળવાસીઓએ શ્રીકૃષ્ણ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા વિવિધ વાનગીઓ ધરાવી. આ પરંપરા આગળ જતાં ગોવર્ધન પૂજા અને અન્નકૂટ ઉત્સવ સાથે જોડાઈ.
અન્નકૂટમાં છપ્પન ભોગ શા માટે?
અન્નકૂટ સાથે ૫૬ ભોગ ધરાવવાની પરંપરા પણ જોડાયેલી છે. લોકપ્રચલિત માન્યતા અનુસાર માતા યશોદા શ્રીકૃષ્ણને દિવસમાં આઠ વખત ભોજન કરાવતાં હતાં. ગોવર્ધન લીલા દરમિયાન શ્રીકૃષ્ણ સાત દિવસ સુધી પર્વત ધારણ કરીને રહ્યા અને ભોજન કરી શક્યા નહીં. આઠ પ્રહર પ્રમાણે સાત દિવસનાં કુલ ૫૬ ભોજન થાય છે. તેથી ગોકુળવાસીઓએ પ્રેમ અને કૃતજ્ઞતાથી ૫૬ પ્રકારનાં ભોજન ધરાવ્યાં હોવાનું માનવામાં આવે છે.
અન્નકૂટમાં મીઠાઈ, ફરસાણ, શાકભાજી, કઠોળ, અનાજ, ફળો અને દૂધની વાનગીઓ સહિત અનેક પ્રકારનાં ભોજન ધરાવવામાં આવે છે. ભગવાનને ભોગ ધરાવ્યા બાદ પ્રસાદ સૌમાં વહેંચવામાં આવે છે.
અન્નકૂટ માત્ર ધાર્મિક પરંપરા નથી; તે અન્નનો આદર, પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા, સામૂહિક સહકાર, સમાનતા અને સેવા જેવા મૂલ્યોનું પ્રતીક છે. તે આપણને અન્નનો બગાડ ન કરવા અને જરૂરિયાતમંદો સુધી ભોજન પહોંચાડવાની પ્રેરણા આપે છે.

બેસતું વર્ષ : નવી શરૂઆત અને નવા સંકલ્પો

કારતક સુદ એકમથી ગુજરાતી વિક્રમ સંવતના નવા વર્ષની શરૂઆત થાય છે. આ દિવસ ગુજરાતીઓ માટે વિશેષ આનંદ અને ઉત્સાહનો અવસર છે. લોકો મંદિરે દર્શન કરવા જાય છે, સગાંસંબંધીઓ અને મિત્રોને 'સાલ મુબારક' કહી શુભેચ્છાઓ પાઠવે છે.
વેપારીઓ નવા ચોપડાનું પૂજન કરી નવા હિસાબની શરૂઆત કરે છે. મંદિરોમાં અન્નકૂટનાં દર્શન યોજાય છે. જૂની કડવાશ ભૂલી નવા સંબંધો બાંધવા અને જીવનમાં નવા સંકલ્પો કરવા માટે આ દિવસ ઉત્તમ અવસર છે.

ભાઈબીજ : ભાઈ-બહેનના સ્નેહનું પર્વ

દિવાળીના પાંચ દિવસીય ઉત્સવનો અંતિમ દિવસ ભાઈબીજ તરીકે ઊજવાય છે. પૌરાણિક માન્યતા અનુસાર યમુનાએ પોતાના ભાઈ યમરાજને ઘરે જમવા આમંત્રણ આપ્યું હતું. બહેનના પ્રેમથી પ્રસન્ન થઈ યમરાજે તેને વરદાન માગવા કહ્યું. યમુનાએ આ દિવસે બહેનના ઘરે આવનાર ભાઈને સુખ અને દીર્ઘાયુ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરી. ત્યારથી ભાઈબીજની પરંપરા શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે.
આ દિવસે બહેન ભાઈના કપાળે તિલક કરી તેના સુખી જીવન માટે પ્રાર્થના કરે છે. આ પર્વ ભાઈ-બહેન વચ્ચેના પ્રેમ, વિશ્વાસ અને લાગણીના અતૂટ સંબંધનું પ્રતીક છે.
દિવાળી અને ભારતીય અર્થવ્યવસ્થા
દિવાળી ધાર્મિક અને સામાજિક ઉત્સવની સાથે આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ આપે છે. આ સમય દરમિયાન કુંભાર, કારીગરો, ફૂલવિક્રેતાઓ, મીઠાઈના વેપારીઓ, કપડાંના વેપારીઓ અને નાના વ્યવસાયકારો માટે રોજગારીની તકો ઊભી થાય છે.

વેપારીઓ જૂના હિસાબો પૂર્ણ કરી નવા ચોપડા શરૂ કરે છે. સ્થાનિક કારીગરો પાસેથી ખરીદી કરીને આપણે તેમની આજીવિકાને ટેકો આપી શકીએ છીએ. આમ, દિવાળી અનેક પરિવારો માટે સમૃદ્ધિનો અવસર બને છે.

પર્યાવરણમિત્ર દિવાળી : આપણી જવાબદારી

આધુનિક સમયમાં દિવાળીની ઉજવણીમાં પર્યાવરણ પ્રત્યેની જવાબદારી જાળવવી જરૂરી છે. ફટાકડાથી થતું વાયુ અને ધ્વનિ પ્રદૂષણ માનવજીવન, પશુ-પક્ષીઓ અને પર્યાવરણને નુકસાન પહોંચાડે છે.

માટીનો દીવો પ્રગટાવવો, ફટાકડાનો ઉપયોગ મર્યાદિત રાખવો, પ્લાસ્ટિકની સજાવટ ટાળવી, અન્નનો બગાડ અટકાવવો અને જરૂરિયાતમંદોને મદદ કરવી એ પર્યાવરણમિત્ર દિવાળીની સુંદર શરૂઆત છે.

દિવાળીનો સાચો સંદેશ : અંતરમાં પ્રગટાવીએ માનવતાનો દીપ

દિવાળીના દરેક પર્વમાં જીવન માટે એક સુંદર સંદેશ સમાયેલો છે. વાઘબારસ કૃતજ્ઞતા, ધનતેરસ આરોગ્ય અને સમૃદ્ધિ, કાળી ચૌદશ આંતરિક શુદ્ધિ, દિવાળી સત્ય અને પ્રકાશ, અન્નકૂટ અન્ન તથા પ્રકૃતિનો આદર, બેસતું વર્ષ નવી શરૂઆત અને ભાઈબીજ પારિવારિક સ્નેહનું મહત્ત્વ સમજાવે છે.

આજે ભૌતિક સુખ-સુવિધાઓની દોડમાં દિવાળી આપણને આત્મચિંતન કરવાની તક આપે છે. શું આપણે માત્ર ઘરની સફાઈ કરીએ છીએ કે મનની પણ? શું આપણે માત્ર ભગવાનને અન્ન ધરાવીએ છીએ કે ભૂખ્યા સુધી અન્ન પહોંચાડીએ છીએ? શું આપણે માત્ર પોતાના ઘરમાં દીવા પ્રગટાવીએ છીએ કે કોઈના જીવનમાં પણ આશાનો પ્રકાશ ફેલાવીએ છીએ?

દિવાળીનો સાચો અર્થ માત્ર ઘરની બહાર દીવા પ્રગટાવવામાં નથી, પરંતુ અંતરમાં રહેલા અહંકાર, ઈર્ષ્યા, દ્વેષ અને નકારાત્મકતાને દૂર કરવામાં છે. જો આપણે કોઈના દુઃખમાં સહભાગી બની શકીએ, જરૂરિયાતમંદને મદદ કરી શકીએ અને કોઈના ચહેરા પર સ્મિત લાવી શકીએ તો એ જ સાચી દિવાળી છે.
ચાલો, આ દિવાળીએ માત્ર ઘરને નહીં, મનને પણ ઉજાસથી ભરીએ અને પોતાના જીવનની સાથે બીજાના જીવનમાં પણ પ્રેમ, કરુણા, માનવતા અને સદભાવનાનો દીપ પ્રગટાવીએ.

કારણ કે દિવાળી માત્ર એક તહેવાર નથી, પરંતુ સમગ્ર માનવજીવનને પ્રકાશિત કરતી ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય વિચારધારા છે.
લેખન અનિતા બેન ચાવડા ગાંધીનગર
📲Get App