🔥 TRENDING Pakistan Drops Simple Catch in Tense M... दीपावली पर मध्य प्रदेश आदिवासी विकास प... Tamil Nadu Meteorological Dept Issues... IMD Issues Heavy Rain Warning for West... The Times of India Covers Magic: The G... ખીમત ગામમાં જગતસિંહ ગણપતસિંહ અને રામભા...
08 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

દિવાળીના પર્વે અમરેલી જિલ્લા વહીવટીતંત્રે વૃદ્ધો અને ગંગા સ્વરૂપા બહેનોના જીવનમાં પાથર્યું આર્થિક સુરક્ષાનું અજવાળું

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 08 Nov 2026, 04:00 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
દિવાળીના પર્વે અમરેલી જિલ્લા વહીવટીતંત્રે વૃદ્ધો અને ગંગા સ્વરૂપા બહેનોના જીવનમાં પાથર્યું આર્થિક સુરક્ષાનું અજવાળું

અમરેલી શહેર મામલતદાર કચેરીની સંવેદનશીલ પહેલ: વૃદ્ધ સહાય યોજનાના ૨૯ અને ગંગા સ્વરૂપા યોજનાના ૧૪ નવા લાભાર્થીઓને મંજૂરી હુકમોનું વિતરણ

દિવાળી અને નૂતન વર્ષના પર્વ પૂર્વે ૪૩ જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક સહાયની ભેટ

અમરેલી, તા. ૭ નવેમ્બર
રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના જરૂરિયાતમંદ નાગરિકો સુધી સમયસર પહોંચે તેવા ઉમદા હેતુ સાથે અમરેલી શહેર મામલતદાર કચેરી દ્વારા દિવાળીના તહેવારો પૂર્વે સંવેદનશીલ પહેલ કરવામાં આવી છે. અમરેલી શહેર મામલતદાર કચેરી દ્વારા ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’ અને ‘વૃદ્ધ અને નિરાધાર આર્થિક સહાય યોજના’ હેઠળ મંજૂર થયેલા નવા લાભાર્થીઓને સહાયના મંજૂરી હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ અંગે માહિતી આપતાં અમરેલી શહેરના મામલતદાર શ્રી કે.કે. દવેએ સૌ નાગરિકોને દિવાળી અને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, કચેરીમાં પ્રાપ્ત થયેલી નવી અરજીઓનો સકારાત્મક અને ત્વરિત નિકાલ કરી દિવાળીના પર્વ પૂર્વે જ જરૂરિયાતમંદ લાભાર્થીઓને આર્થિક સહાયનો લાભ મળે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. જે અંતર્ગત વૃદ્ધ અને નિરાધાર આર્થિક સહાય યોજના હેઠળ મળેલી ૨૯ અરજીઓ તેમજ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ મળેલી ૧૪ અરજીઓને મંજૂરી આપવામાં આવી છે. આમ, કુલ ૪૩ નવા લાભાર્થીઓને મંજૂરી હુકમોનું વિતરણ કરવામાં આવ્યું છે. આ હુકમોના આધારે લાભાર્થીઓને નિયમિત માસિક આર્થિક સહાય મળતી થશે.

ઉલ્લેખનીય છે કે, હાલ અમરેલી શહેરમાં વૃદ્ધ અને નિરાધાર આર્થિક સહાય યોજના હેઠળ ૨,૬૯૯ લાભાર્થીઓ તેમજ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ ૨,૩૦૮ લાભાર્થીઓ સહાય મેળવી રહ્યા છે. આ ઉપરાંત, લાભાર્થીઓને યોજનાનો લાભ સતત અને સરળતાથી મળતો રહે તે માટે કચેરી દ્વારા કેવાયસી (KYC) સહિતની આનુષંગિક કામગીરી પણ સક્રિયપણે કરવામાં આવી રહી છે.

દિવાળીના પર્વ પૂર્વે સહાયનો મંજૂરી હુકમ પ્રાપ્ત થતાં વૃદ્ધ સહાય યોજનાના લાભાર્થી શ્રી જયેશભાઈ મેઘાણીએ પોતાનો પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, “મેં આશરે દોઢ મહિના અગાઉ વૃદ્ધ સહાય પેન્શન યોજના માટે અરજી કરી હતી. મારી અરજી ટૂંકા સમયમાં મંજૂર કરવામાં આવી છે અને ઈ-કેવાયસીની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે. હવે મને દર મહિને રૂ. ૧,૦૦૦ની આર્થિક સહાય મળશે, જે મારા માટે મોટો આધાર બનશે.”

તેવી જ રીતે, અમરેલી શહેરનાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનાં લાભાર્થી શ્રીમતી કોકિલાબહેન અનડકે લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ દર મહિને મળનારી રૂ. ૧,૨૫૦ની સહાયથી મને આર્થિક આધાર મળશે અને નાની-મોટી જરૂરિયાતો માટે અન્ય કોઈની સામે હાથ લંબાવવો નહીં પડે. સમયસર સહાયનો લાભ અપાવવા બદલ કચેરીના કર્મયોગીઓનો આભાર માનું છું.”

દિવાળી જેવા પવિત્ર તહેવાર પૂર્વે જ સહાયના મંજૂરી હુકમો હાથોહાથ મળતાં લાભાર્થીઓના ચહેરા પર ખુશીની લાગણી જોવા મળી હતી. જરૂરિયાતમંદ નાગરિકો સુધી સરકારી યોજનાઓનો લાભ સંવેદનશીલતા અને સમયબદ્ધતાથી પહોંચાડવાની આ પહેલ વહીવટી તંત્રની લોકકલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ બની છે. આ પ્રસંગે મામલતદારશ્રીએ તમામ લાભાર્થીઓને દિવાળી અને નૂતન વર્ષની શુભકામનાઓ સાથે સુખ, શાંતિ અને દીર્ઘાયુ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
📲Get App