🔥 TRENDING BuzzFeed Reveals 17 Celebrities Who Ad... पहली नवंबर से लागू होगी द्वि‑स्तरीय ले... Can Mouli Become Tollywood’s New PR Fa... ThePrint calls Vijay Deverakonda a typ... India and China Troops Face Off at Aru... J&K Minister Declares No Resentment in...
29 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ભુરખીયા ગામે લીગલ મેગા ડ્રાઈવ સંપન્ન

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 29 Oct 2026, 09:07 AM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ભુરખીયા ગામે લીગલ મેગા ડ્રાઈવ સંપન્ન

કાનૂની સેવાઓ અને સરકારી યોજનાઓનો ઘરઆંગણે લાભ : ૮૪૮ ગ્રામજનોના પ્રશ્નોનું નિરાકરણ


અમરેલી તા.૨૮ ઓક્ટોબર
નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ ગ્રામીણ સ્તરે કાનૂની સેવાઓ અને સરકારી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવાના હેતુથી અમરેલી જિલ્લાના ભુરખીયા ગામે ૬૦ દિવસીય ‘લીગલ મેગા ડ્રાઇવ’નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

સમગ્ર ગુજરાતમાંથી પસંદ કરાયેલા માત્ર સાત ગામોમાં ભુરખીયા ગામનો સમાવેશ થયો હતો. આશરે ૨,૪૦૦ની વસ્તી ધરાવતા આ ખેતીપ્રધાન ગામમાં વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગો, વિધવાઓ સહિતના વંચિત અને જરૂરિયાતમંદ વર્ગોને ઘરઆંગણે વિવિધ સેવાઓનો લાભ પૂરો પાડવામાં આવ્યો હતો. આ ઝુંબેશના અંતે કુલ ૮૪૮ ગ્રામજનોને કાનૂની સેવાઓ અને સરકારી યોજનાઓનો સીધો લાભ મળ્યો હતો.

મેગા ડ્રાઇવના પ્રારંભે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ શ્રી આર.કે. દેસાઈની ઉપસ્થિતિમાં વહીવટી વિભાગોના અધિકારીઓ, ભુરખીયા મંદિર ટ્રસ્ટ અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ સાથે સંકલન બેઠક યોજાઈ હતી. ત્યારબાદ પેરા-લીગલ વોલન્ટિયર્સ દ્વારા ગામમાં ઘરે-ઘરે જઈને સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્વેક્ષણ દરમિયાન ગ્રામજનોની સામાજિક-આર્થિક સ્થિતિ, દસ્તાવેજોને લગતી સમસ્યાઓ અને સરકારી યોજનાઓના લાભ મેળવવામાં પડતી મુશ્કેલીઓ અંગેની વિગતો એકત્રિત કરવામાં આવી હતી.

ગ્રામજનોના દસ્તાવેજી પ્રશ્નોના સ્થળ પર જ નિરાકરણ માટે સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત વિશેષ સુવિધા કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આયુષ્માન કાર્ડ સહિતના દસ્તાવેજો અને વિવિધ સરકારી સહાય યોજનાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગના સહયોગથી ૨૭ લાભાર્થીઓને કીટ અને મંજૂરી હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બેન્કિંગ કેમ્પ યોજવાની સાથે એસ.બી.આઈ આર.સેટી દ્વારા સ્વરોજગારલક્ષી તાલીમ અંગે માહિતી આપવામાં આવી હતી.

આરોગ્યલક્ષી સેવાઓ અંતર્ગત વરિષ્ઠ નાગરિકો માટે તબીબી તપાસ અને નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા હતા. દિવ્યાંગ નાગરિકોને યુનિક ડિસેબિલિટી આઇડેન્ટિટી (UDID) કાર્ડ મેળવવામાં મદદ કરવામાં આવી હતી. મોસમી ખેતમજૂરો અને બાળકોને રેશનિંગ તથા આંગણવાડી સેવાઓ સાથે જોડવા માટે પણ જરૂરી કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત, નશામુક્તિ અંગે જાગૃતિ ફેલાવવા પ્રતિજ્ઞા કાર્યક્રમ, બાળલગ્ન અટકાવવા જાગૃતિ અભિયાન, ખેડૂતો માટે લઘુતમ ટેકાના ભાવ (MSP) નોંધણી હેલ્પ ડેસ્ક અને શાળાના બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ શ્રી આર.કે. દેસાઈ, ફુલ-ટાઇમ સેક્રેટરી શ્રી પ્રખર શર્મા, લાઠી તાલુકા કાનૂની સેવા સમિતિ, લાઠી તાલુકા વહીવટી તંત્ર, ગ્રામ પંચાયત અને ભુરખીયા મંદિર ટ્રસ્ટના સંકલિત પ્રયાસોથી આ મેગા ડ્રાઇવ સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. આ પહેલના પરિણામે ગ્રામજનોને કાનૂની માર્ગદર્શન, સરકારી યોજનાઓની માહિતી અને વિવિધ જનકલ્યાણકારી સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ બની હતી.
📲Get App