🔥 TRENDING सहवाजपुर पंचायत के वार्ड‑13 में माँ लक... BJP to Hold Parallel Marches Across Hi... Armed Attack on Ludhiana Gurdwara Spar... Stray Dog Disrupts Hockey Match in Jal... Bhopal's ISBT to Get Fire Hydrants, Bu... छपरा: सारण शिक्षक MLC चुनाव में BJP के...
28 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વડાપ્રધાનશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં બનાસકાંઠાના ભીલડી ખાતેથી ૩૦ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ "પીએમ કિસાન ઉત્સવ દિવસ"ની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 28 Oct 2026, 08:53 AM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*વડાપ્રધાનશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં બનાસકાંઠાના ભીલડી ખાતેથી ૩૦ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ "પીએમ કિસાન ઉત્સવ દિવસ"ની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી*
૦૦૦
*દેશના ખેડૂતોના ખાતામાં યોજનાનો ૨૪મો હપ્તો રીલીઝ થશે*
૦૦૦
*અમરેલી તા. ૨૭ ઓકટોબર,૨૦૨૬-* ખેડૂતોની આવક વધારવા અને ખેડૂત કુટુંબોને આર્થિક રીતે સહાયરૂપ થવાના ભાગરૂપે ફેબ્રુઆરી-૨૦૧૯થી અમલમાં આવેલી "પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ" (પીએમ કિસાન) યોજના અંતર્ગત આગામી ૩૦ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ ૨૪મો હપ્તો રીલીઝ કરવામાં આવશે. આ નિમિત્તે ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતે વડાપ્રધાનશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય કક્ષાના "પીએમ કિસાન ઉત્સવ દિવસ" કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમનું પ્રસારણ દેશના તમામ રાજ્યોમાં વેબકાસ્ટ લિંક (pmindiawebcast.nic.in) પર લાઈવ ટેલિકાસ્ટ દ્વારા કરવામાં આવશે, જેમાં દેશભરમાંથી બહોળી સંખ્યામાં ખેડૂતો સહભાગી બનશે.

આ ૨૪મા હપ્તા પેટે સમગ્ર દેશના ૯.૩૪ કરોડથી વધુ ખેડૂત પરિવારોને રૂ. ૧૮,૬૮૦ કરોડથી વધુની સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફત સીધા તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવશે. જે અંતર્ગત ગુજરાત રાજ્યના ૫૨.૩૩ લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂ. ૧,૦૫૧ કરોડથી વધુની સહાય તેમના બેંક એકાઉન્ટમાં જમા મળશે. ઉલ્લેખનીય છે કે, દેશમાં અત્યાર સુધીમાં ૧૧ કરોડથી વધુ ખેડૂત પરિવારોને ૨૩ હપ્તાઓ દ્વારા કુલ રૂ. ૪,૪૭,૦૦૦ કરોડથી વધુની સહાય ચૂકવાઈ છે, જેમાંથી ગુજરાતના ૬૯.૨૬ લાખથી વધુ લાભાર્થી ખેડૂત કુટુંબોને કુલ રૂ. ૨૪,૧૩૭ કરોડથી વધુનો લાભ મળી ચૂક્યો છે.

બનાસકાંઠાના ભીલડી મુકામે આયોજિત આ મુખ્ય કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનશ્રીના હસ્તે રૂ. ૩૨૮.૭૭ કરોડના ખર્ચે તૈયાર થયેલ 'ભારત બોવાઈન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર' (BBRC) સંકુલનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ સાથે જ બનાસ ડેરીના થરાદ અને રાધનપુર ખાતેના બે નવા CBG (કમ્પ્રેસ્ડ બાયોગેસ) પ્લાન્ટનું ભૂમિપૂજન તેમજ નવા પોટેટો એક્સપાન્શન અને UHT-ASRSનું ઈ-ઉદ્ઘાટન પણ વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે સંપન્ન થશે.

ગુજરાત સરકાર દ્વારા આ મહોત્સવને રાજ્યવ્યાપી બનાવવા માટે રાજ્ય કક્ષાથી લઈને ગ્રામ્ય સ્તર સુધી સઘન આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે રાજ્યમાં જિલ્લા કક્ષાના ૩૪ કાર્યક્રમો અને ક્લસ્ટર/ગ્રામ્ય કક્ષાના ૨૧૦૦થી વધુ કાર્યક્રમો યોજાશે.

જિલ્લા, તાલુકા, ગ્રામ્ય કક્ષા, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો તેમજ APMC, PACS, PMKSKS અને FPO ખાતે આયોજિત આ કાર્યક્રમોમાં માનનીય મંત્રીશ્રીઓ, સંસદસભ્યશ્રીઓ, પંચાયતી રાજના પ્રતિનિધિઓ, મહાનુભાવો, વૈજ્ઞાનિકો અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેશે. આ તમામ સ્થળો પર વિવિધ યોજનાઓનો લાભ મેળવનાર પ્રગતિશીલ ખેડૂતોની પ્રેરક ઉપસ્થિતિ રહેશે અને ખેડૂત લાભાર્થીઓને કૃષિ તથા બાગાયત વિભાગની વિવિધ યોજનાઓના મંજૂરી પત્રોનું સ્થળ પર જ પદાધિકારીઓના હસ્તે વિતરણ કરવામાં આવશે તેમ અધિક ખેતી નિયામકશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
📲Get App