🔥 TRENDING અરબ સાગરમાં ₹3000 કરોડના ડ્રગ્સ સાથે 5... भितरवार विधायक मोहन सिंह राठौर ने श्या... शिवपुरी मेडिकल कॉलेज के सामने से 50-60... जनता की समस्याओं का निवारण Haryana Anti-Drug Body CEO Emphasises... Chhattisgarh Launches Recruitment Driv...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

વડોદરામાં અનંત ચતુર્દશી: સાંજે ૪ કલાકમાં ૮,૩૦૦ થી વધુ મૂર્તિઓનું વિસર્જન, ગરમી અને લાઇટિંગ બન્યા મુખ્ય કારણ

✍️ Reporter: Kuntalkumar Chokshi 🗓 30 Sep 2026, 07:10 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડોદરા શહેરમાં અનંત ચતુર્દશીના દિવસે શ્રીજીની પ્રતિમાઓને ભાવભેર વિદાય આપવામાં આવી. આ વર્ષે ૩૫ ડિગ્રીની આકરી ગરમી અને બફારાને કારણે વિસર્જનનો ટ્રેન્ડ બદલાયો હતો, જેમાં દિવસને બદલે સાંજે ૪ કલાકમાં ૮,૩૦૦ થી વધુ મૂર્તિઓનું વિસર્જન થયું.

વડોદરા શહેરમાં અનંત ચતુર્દશીના દિવસે શ્રીજીની પ્રતિમાઓને ભાવભેર વિદાય આપવામાં આવી. ૩૫ ડિગ્રીની આકરી ગરમી અને ઓતરા-ચિતરાના તાપને કારણે આ વર્ષે વિસર્જનનો ટ્રેન્ડ સંપૂર્ણપણે બદલાયો હતો. દિવસને બદલે સાંજ પછી વિસર્જન યાત્રા કાઢવાનો નવો ટ્રેન્ડ જોવા મળ્યો, જેમાં શહેરના મોટાભાગના ગણેશ મંડળો દ્વારા સાંજે ૫ વાગ્યા પછી યાત્રા કાઢવાની શરૂઆત કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના ૧૨ કૃત્રિમ તળાવમાં સવારે ૯ થી બપોરે ૪ વાગ્યા સુધીમાં માત્ર ૨,૦૮૭ પ્રતિમાનું વિસર્જન થયું હતું, જ્યારે સાંજે ૪ થી રાત્રે ૮ ના માત્ર ૪ કલાકના ગાળામાં ૮,૩૮૨ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. રાત્રે ૮ સુધીમાં કુલ ૧૦,૪૬૯ મૂર્તિઓનું વિસર્જન થયું હતું.

શહેરના રાજમાર્ગો મોડી સાંજ બાદ વિસર્જન યાત્રાઓથી ધમધમી ઉઠ્યા હતા. ચાર દરવાજા વિસ્તારમાં રસ્તા પર બાપ્પાની પ્રતિમાની લાંબી લાઈનો લાગી હતી. આ દ્રશ્ય માંજલપુર, સુભાનપુરા, ગોરવા સહિતના વિસ્તારોમાં પણ જોવા મળ્યું હતું. યાત્રાઓ સાંજે નીકળવાના મુખ્ય કારણોમાં ગરમી અને સુરક્ષા, લોકોની ભાગીદારીમાં વધારો અને લાઇટિંગનો જલવો સામેલ હતા. લોકો ઓફિસ, દુકાન અને ધંધાથી મુક્ત થયા બાદ મોટી સંખ્યામાં યાત્રામાં જોડાય છે, અને અંધારામાં લાઇટિંગ અસરકારક રીતે દેખાય છે.

વિસર્જન યાત્રામાં ફૂલની માંગ વધી જતી હોવાથી ખંડેરાવ માર્કેટનું ફૂલ બજાર ગુરુવારની આખી રાત ધમધમતું રહ્યું હતું. અંદાજ મુજબ ૨૦ લાખથી વધુના ફૂલોનો વેપાર થયો હતો. આ અંગે આશીર્વાદ ગણેશના હરીશ પુમાળે અને માંજલપુરના રાજાના આયોજક સેતુ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણેક વર્ષથી વિસર્જન યાત્રા સાંજે ૫ વાગ્યા બાદ જ નીકળે છે, તેનું મુખ્ય કારણ ગરમી છે અને લોકો ઓફિસ-ધંધા પરથી છૂટીને સાંજે યાત્રામાં જોડાતા હોય છે. આ વર્ષે અગ્રવાલ સમાજ, વાઘોડિયા રોડ જેવા સામાજિક સંગઠનના અગ્રણી શ્રી રૂપેશભાઈ શિવમ સ્ટોરવાળા દ્વારા ભક્તો માટે આશરે ૫૦૦૦ થી ૬૦૦૦ લિટર નિ:શુલ્ક સ્વાદિષ્ટ છાશ વિતરણ સેવા પણ કરવામાં આવી હતી, જેની ભક્તોમાં ખૂબ પ્રશંસા થઈ હતી.

વાઘોડિયા રોડ ઉપર સુખધામ રેસીડેન્સી પહેલા, કુબેરેશ્વર મહાદેવ રોડની શરૂઆતમાં બનાવેલ કૃત્રિમ તળાવમાં વાઘોડિયા અને ડભોઈ રોડ વિસ્તારની અસંખ્ય મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. તળાવની આસપાસ મોટી મૂર્તિઓના વિસર્જન માટે ત્રણ મોટી ક્રેનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. નટરાજ યુવક મંડળ દ્વારા ૨૦-૨૦ ભારતીય ક્રિકેટ ટીમની ટી-શર્ટમાં ગણપતિ ક્રિકેટ રમતા હોય તેવા સુંદર ગેટ અપમાં સ્થાપના કરાઈ હતી. વિસર્જન યાત્રામાં અલગ-અલગ યુવક મંડળો દ્વારા ટ્રેક્ટર, પગ-રીક્ષા, ખાનગી વાહનો અને હાથે ખેંચીને શોભાયાત્રા સ્વરૂપે મૂર્તિઓને તળાવ પર લાવવામાં આવી રહી હતી. ડીજેના તાલે ભક્તિ ગીતો સાથે યુવાનો, મહિલાઓ ભાવભેર ગરબા કરતા-કરતા "ગણપતિ બાપ્પા મોરયા, પુઢચ્યા વર્ષી લવકર યા" ના નાદ સાથે બાપ્પાને વિદાય આપી રહ્યા હતા. કૃત્રિમ તળાવની આસપાસ ભારે ભીડને પહોંચી વળવા પોલીસ પ્રશાસન ખડે પગે રહીને પોતાની ફરજ બખૂબી નિભાવી રહ્યું હતું. વડોદરા શહેરના મેયર શ્રીમતી ગીતાબેન સહિત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રીમતી વર્ષાબેન અને શાસક પક્ષના નેતા સહિતના અગ્રણીઓએ પણ તળાવની મુલાકાત લીધી હતી.
📲Get App