🔥 TRENDING शिवसेनेत नगरसेवक सुभाष सापटे यांचा जाह... चौफुला‑सुपा घाटात एसटी बसचा अपघात: १८... ठाणे जिल्ह्यात आदिवासी शेतकऱ्यांच्या व... High Court warns district magistrates,... Four Injured as Hyundai i20 Hits Movin... Farmers in Khargone stage 3‑km tractor...
16 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

જૂનાગઢના ડુંગરપુરમાંથી નકલી દૂધ બનાવવાનું મોટું કૌભાંડ, ૮૬ હજારનો મુદ્દામાલ જપ્ત

✍️ Reporter: હસમુખભાઇ સાંગાણી 🗓 16 Sep 2026, 10:36 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ક્રાઈમ બ્રાન્ચ અને ફૂડ વિભાગના સંયુક્ત દરોડામાં ડુંગરપુર ગામમાંથી પાવડર અને તેલથી નકલી દૂધ બનાવવાનો કારોબાર ઝડપાયો. આરોપી દૈનિક ૮૦૦ લિટર ડૂપ્લિકેટ દૂધ બે ગામની પ્રાઈવેટ ડેરીઓમાં સપ્લાય કરતો હતો.

જૂનાગઢ જિલ્લાના ડુંગરપુર ગામમાંથી પાવડર અને પામોલીન તેલનો ઉપયોગ કરીને નકલી દૂધ બનાવવાનું મોટું કૌભાંડ ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યું છે. આરોપી ઈકબાલ ઈબ્રાહિમ ચૌહાણ દ્વારા દૈનિક આશરે ૮૦૦ લિટર ડૂપ્લિકેટ દૂધ બનાવીને નાગલપુર અને નાંદરખી ગામની પ્રાઈવેટ ડેરીઓમાં સપ્લાય કરવામાં આવતું હતું. ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળી બાતમીના આધારે ફૂડ વિભાગની ટીમને સાથે રાખીને સંયુક્ત દરોડો પાડવામાં આવ્યો હતો.

પોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી કુલ રૂ. ૮૯,૯૪૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જપ્ત થયેલા મુદ્દામાલમાં રૂ. ૧,૭૫૦ ની કિંમતનું ૩૫ લિટર નકલી દૂધ, રૂ. ૩૩,૧૫૦ ના ૧૩ પામોલીન તેલના ડબ્બા, રૂ. ૧૬,૫૦૦ ના સાગર દૂધ પાવડરના ૫૦ પેકેટ, રૂ. ૨૯,૦૦૦ ના અમૂલ દૂધ પાવડરના ૫ બાચકા અને રૂ. ૬,૨૪૦ નો લૂઝ પાવડર સામેલ છે. આરોપીની સઘન પૂછપરછમાં સામે આવ્યું છે કે તે છેલ્લા ચાર-પાંચ મહિનાથી મેંદરડાના મયુર ટ્રેડર્સના મહેશ પાસેથી કાચો માલ ખરીદીને નકલી દૂધ બનાવતો હતો.

તપાસમાં ખૂલ્યું છે કે આરોપી તેલ અને પાવડરને પાણીમાં મિકસ કરી ડુપ્લિકેટ દૂધ તૈયાર કરી, તેને અસલી દૂધમાં ભેળવીને રોજનું ૨૦ થી ૨૨ કેન દૂધ નાગલપુરની પ્રાઈવેટ ડેરીના ડાયા રબારી અને નાંદરખીની ડેરીના મિતુલ પટેલને વેચતો હતો. ત્યાંથી આ દૂધ માળિયા ચિલિંગ સેન્ટર અને વાડલા ફાટક પાસે આવેલી સોરઠ ડેરી સુધી પહોંચતું હોવાનું સામે આવ્યું છે.

ફૂડ વિભાગે દૂધના નમૂના લઈ એફ.એસ.એલ. કચેરી ખાતે મોકલી આપ્યા છે. તાલુકા પોલીસ સ્ટેશનમાં આ મામલે નોંધ કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કૌભાંડમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે થતા મોટા ચેડાં અટકાવ્યા છે.
📲Get App