🔥 TRENDING અંબાજી ભાદરવી પૂનમ મેળામાં 27 મેડિકલ ક... સુરતમાં વરસાદ માટે લાલ એલર્ટ જાહેર અનોખો પ્રેમ.... Fire Breaks Out in Punjab Roadways Bus... સુરેન્દ્રનગરના લખતર તાલુકાના ભાલાળા ગા... Welder from Gopalganj dies while being...
14 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગાંધીનગર સાહિત્ય સભાની માસિક બેઠકમાં સાહિત્ય, સર્જન અને પ્રોત્સાહનનો સુંદર સંગમ

✍️ Reporter: Sudip Gadhiya 🗓 14 Sep 2026, 01:18 PM 👁 4
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગાંધીનગર સાહિત્ય સભાની માસિક બેઠકમાં સાહિત્ય, સર્જન અને પ્રોત્સાહનનો સુંદર સંગમ

ગાંધીનગર સાહિત્ય સભા (GSS) દ્વારા તા. 13-09-2026 ના રોજ ભારત માતા મંદિર, સેક્ટર-7 ખાતે માસિક સાહિત્યિક બેઠકનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાંધીનગર સાહિત્ય સભાના અધ્યક્ષ શ્રી સંજયભાઈ થોરાત, ઉપાધ્યક્ષ શ્રી રમણભાઈ વાઘેલા તથા મહામંત્રી શ્રી કેતનભાઈ નાણાવટીની ઉપસ્થિતિ રહી હતી. ગાંધીનગરનું ઘરેણું ગણાતા પ્રતિષ્ઠિત લેખક અને કવિ શ્રી કિશોરભાઈ જીકાદરા સાહેબ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સાહિત્ય સભાના અન્ય સભ્યો અને સાહિત્યપ્રેમીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનો પ્રારંભ ગાંધીનગર સાહિત્ય સભાના સભ્ય શ્રી પારુલબેન મહેતા દ્વારા સરસ્વતી માતાજીની પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ગાંધીનગર સાહિત્ય સભાના અધ્યક્ષ શ્રી સંજયભાઈ થોરાત, ઉપાધ્યક્ષ શ્રી રમણભાઈ વાઘેલા તથા પ્રતિષ્ઠિત કવિ શ્રી કિશોરભાઈ જીકાદરા સાહેબે પોતાની સ્વરચિત કૃતિઓ રજૂ કરી હતી. સમગ્ર સંચાલનનું એન્કરિંગ શ્રી નિસર્ગ બુચ દ્વારા કરવામાં આવ્યું હતું

આ ઉપરાંત પ્રણવ ઝાંખર, શ્રી અશોકભાઈ ત્રિવેદી, ડૉ. નિશાદ ઓઝા, શ્રી સમીર રામી, સુશ્રી અનિતા ચાવડા તથા શ્રીમતી ખુશાલીબેન સહિતના સર્જકોએ પણ “ગણપતિબાપા” વિષય પર પોતાની રચનાઓ રજૂ કરી હતી. વિવિધ રચનાઓમાં ભક્તિ, શ્રદ્ધા, કલ્પનાશક્તિ અને સર્જનાત્મકતાના અનેક રંગો જોવા મળ્યા હતા, જેના કારણે સમગ્ર બેઠક રસપ્રદ અને ભાવસભર બની હતી.

આ પ્રસંગે ગાંધીનગર સાહિત્ય સભાના અધ્યક્ષ શ્રી સંજયભાઈ થોરાતે સાહિત્ય સભાની પ્રવૃત્તિઓને વધુ વ્યાપક અને સર્વસમાવેશક બનાવવા અંગે મહત્વપૂર્ણ વિચાર રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સાહિત્ય પ્રત્યે રુચિ ધરાવતા વિદ્યાર્થીઓ અથવા આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતા કોઈપણ વ્યક્તિને પણ ગાંધીનગર સાહિત્ય સભાનું સભ્યપદ મેળવવાની તક મળે તે માટે વિશેષ પહેલ કરવામાં આવશે, જેથી આર્થિક પરિસ્થિતિ કોઈ સર્જકના સાહિત્યિક વિકાસમાં અવરોધરૂપ ન બને.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે સાહિત્ય સભાના કાર્યક્રમોમાં માત્ર હોદ્દેદારો અને જાણીતા સાહિત્યકારોને જ નહીં, પરંતુ સામાન્ય અને નવોદિત સર્જકોને પણ વિશેષ સ્થાન અને સન્માન મળે તે જરૂરી છે. આ માટે સામાન્ય સર્જકોને પણ મંચ પર આમંત્રિત કરી યોગ્ય સ્થાન આપવામાં આવે અને તેમની પ્રતિભાને રજૂ કરવાની પૂરતી તક મળે તે માટે રજૂઆત કરવામાં આવી હતી.

નવા સર્જકોને સતત પ્રોત્સાહન મળે અને તેમની સર્જનશક્તિને યોગ્ય મંચ મળે તે હેતુથી દર માસે વિવિધ વિષયો પર સ્વરચિત કૃતિઓની રજૂઆતના કાર્યક્રમો યોજવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી.

આવા આયોજન દ્વારા સાહિત્ય ક્ષેત્રે નવા સર્જકો આગળ આવે અને તેમની કલમને પ્રોત્સાહન મળે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન અગાઉ આયોજિત “મને ગુસ્સો કેમ આવે છે?” વિષયક નિબંધ લેખન સ્પર્ધાના વિજેતાઓને પણ રોકડ પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત શ્રીકૃષ્ણ વિષય પર કવિતા અથવા સ્વરચિત રચના સ્પર્ધાના વિજેતાઓને પણ રોકડ પુરસ્કાર આપી તેમની પ્રતિભાને બિરદાવવામાં આવી હતી.

કાર્યક્રમના વિશેષ આકર્ષણરૂપે “ગણપતિબાપા” વિષય પર રજૂ થયેલી સ્વરચિત કૃતિઓમાંથી શ્રેષ્ઠ કૃતિની પસંદગી કરવામાં આવી હતી અને વિજેતા સર્જકને પુરસ્કારરૂપે શ્રી ગણપતિબાપાની સુંદર પ્રતિમા અર્પણ કરવામાં આવી હતી. આ સન્માનથી ઉપસ્થિત સર્જકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ સર્જાયો હતો.

કાર્યક્રમના અંતે ગાંધીનગર સાહિત્ય સભાના મહામંત્રી શ્રી કેતનભાઈ નાણાવટીએ આભારવિધિ કરી હતી. તેમણે ઉપસ્થિત તમામ મહાનુભાવો, સાહિત્યકારો, સર્જકો, સ્પર્ધાના વિજેતાઓ અને સાહિત્યપ્રેમીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
ગાંધીનગર સાહિત્ય સભાની આ માસિક બેઠક માત્ર એક સાહિત્યિક કાર્યક્રમ પૂરતી સીમિત ન રહેતાં ભક્તિ, સાહિત્ય, સર્જનાત્મકતા અને નવા સર્જકોના પ્રોત્સાહનનો સુંદર સંગમ બની રહી હતી.

સાહિત્યને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવાની અને નવોદિત સર્જકોને યોગ્ય મંચ પૂરું પાડવાની દિશામાં ગાંધીનગર સાહિત્ય સભાની આ પહેલ નોંધપાત્ર બની રહી હતી.
📲Get App