🔥 TRENDING India Drops Sooryavanshi, Samson Retur... Afghanistan fast bowler ready to retur... India vs Sri Lanka: How to Watch Women... Sahil Salathia responds to Rida Tharan... Bangalore Mirror Releases Crime Files... 25 सितंबर को गूंजेगा बाबा श्याम का जयक...
13 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

માટીની આડમાં ‘દારૂનો કારોબાર’! ધાવડીયા ચેકપોસ્ટે ટ્રક રોકાતા ખૂલ્યું મોટું રહસ્ય

✍️ Reporter: Pankaj Pandit 🗓 13 Sep 2026, 07:40 PM 👁 5
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માટીની આડમાં ‘દારૂનો કારોબાર’! ધાવડીયા ચેકપોસ્ટે ટ્રક રોકાતા ખૂલ્યું મોટું રહસ્ય

રાજસ્થાનથી ગુજરાતમાં ઘુસાડાતો 1,824 બોટલ ઇંગ્લિશ દારૂ ઝડપાયો : રૂ.18.35 લાખનો મુદ્દામાલ કબજે, ડ્રાઇવર ઝડપાયો, મુખ્ય આરોપી ફરાર


રાજસ્થાનથી ગુજરાતમાં ચોરીછૂપીથી દારૂ ઘુસાડવાના પ્રયાસનો ઝાલોદ પોલીસે ધાવડીયા ચેક પોસ્ટ ઉપર પર્દાફાશ કર્યો છે. પોલીસની આંખમાં ધૂળ નાખવા માટે દારૂ ભરેલી ટ્રકમાં ઉપરના ભાગે ભીની કાળી માટી ભરેલી 50 સફેદ મીણીયા થેલીઓ ગોઠવવામાં આવી હતી અને તેની નીચે લાખો રૂપિયાનો ઇંગ્લિશ દારૂ સંતાડવામાં આવ્યો હતો. જોકે ધાવડીયા ચેક પોસ્ટ ઉપર પોલીસના વાહન ચેકિંગમાં ટ્રક શંકાસ્પદ લાગતાં તલાશી લેતા આખો ખેલ બહાર આવ્યો હતો.
પોલીસે ટ્રકમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂની 152 પેટીમાંથી કુલ 1,824 બોટલ, 1,368 લીટર, કિંમત રૂ.8,34,924નો જથ્થો ઝડપી પાડ્યો હતો. દારૂની હેરાફેરીમાં વપરાયેલી ભારત બેન્ઝ ટ્રક કિંમત રૂ.10 લાખ તથા મોબાઇલ ફોન સહિત કુલ રૂ.18,35,924નો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

*પોલીસને જોઈ ટ્રક ઉભી કરી, અંધારામાં ભાગ્યો; પોલીસ પાછળ પડી તો ઝડપાયો*

તા.12 સપ્ટેમ્બરની રાત્રે ઝાલોદ પોલીસની ટીમ ધાવડીયા ચેક પોસ્ટ ઉપર વાહન ચેકિંગ કરી રહી હતી. દરમિયાન રાજસ્થાનના મોનાડુંગર તરફથી આવતી ભારત બેન્ઝ ટ્રક નં. GJ-08-Y-6662 પોલીસની નજરે ચઢી હતી. પોલીસે બેરિકેડિંગ કરી બેટરીના અજવાળે હાથનો ઈશારો કરીને ટ્રક રોકવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસને જોઈ ચાલકે ટ્રક થોડે દૂર ઉભી કરી નીચે ઉતરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસ સ્ટાફે તેનો પીછો કરી તેને ઝડપી પાડ્યો હતો. ટ્રકમાં શું ભર્યું છે તે અંગે પૂછપરછ કરતાં ચાલક સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. ત્યારબાદ તાડપત્રી ખોલી તપાસ કરતાં ઉપરથી માટીની થેલીઓ દેખાઈ હતી. શંકા વધુ ઘેરી બનતાં થેલીઓ હટાવી નીચે તપાસ કરતાં દારૂની પેટીઓનો જથ્થો મળી આવ્યો હતો.

*‘માટી’ની નીચે છુપાવ્યો હતો દારૂનો જથ્થો*

દારૂની હેરાફેરી કરનારાઓએ પોલીસથી બચવા માટે અનોખી મોડસ ઓપરેન્ડી અપનાવી હતી. ટ્રકના ઉપરના ભાગે ભીની કાળી માટી ભરેલી થેલીઓ રાખી દારૂની પેટીઓને તેની નીચે સંતાડવામાં આવી હતી. બહારથી જોતા ટ્રકમાં માટી ભરેલી હોવાનું જણાય અને પોલીસની શંકા ન જાય તે રીતે દારૂ છુપાવવામાં આવ્યો હોવાની વિગતો પોલીસ તપાસમાં સામે આવી છે.

*પંજાબથી લોડ, ગુજરાતમાં વાસદ સુધી પહોંચાડવાનો હતો જથ્થો!*

પકડાયેલા ડ્રાઇવર **માંગીલાલ રઘુનાથરામ બિશ્નોઈ, ઉ.વ.56, રહે. મેઢા, તા. સાંચોર, જી. ઝાલોર (રાજસ્થાન)**ની પૂછપરછમાં દારૂના જથ્થાની હેરાફેરી અંગે મહત્વની વિગતો સામે આવી હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું છે.
ડ્રાઇવરના જણાવ્યા મુજબ ભવરલાલ ભાંખરારામ બિશ્નોઈ, રહે. પુર, રાજીવનગર, તા. સાંચોર, જી. ઝાલોરએ પંજાબના લુધિયાણા પાસે પેટ્રોલ પંપ ઉપર દારૂ ભરેલી ટ્રક તેને સોંપી હતી. ટ્રકને રાજસ્થાનના બાંસવાડા થઈ ગુજરાતમાં વાસદ પહોંચાડવાની અને ત્યાંથી અન્ય વ્યક્તિને ટ્રક સોંપવાની સૂચના આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
આ ખુલાસા બાદ હવે પોલીસે. દારૂના આ નેટવર્કમાં પંજાબથી ગુજરાત સુધી જોડાયેલી કડીઓ શોધવા તપાસ તેજ કરી છે.

*રૂ.18.35 લાખનો મુદ્દામાલ : ટ્રક પણ પોલીસના કબજામાં*

ઝાલોદ પોલીસે આ કાર્યવાહીમાં—
દારૂ : 1,824 બોટલ / 1,368 લીટર — રૂ.8,34,924
ટ્રક : ભારત બેન્ઝ GJ-08-Y-6662 — રૂ.10,00,000
મોબાઇલ : રૂ.1,000
અન્ય સામાન સહિત કુલ : રૂ.18,35,924
નો મુદ્દામાલ કબજે કર્યો છે.

મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો હોવાથી રાત્રિના સમયે હાઇવે ઉપર ગણતરી કરવી હિતાવહ ન હોવાથી ટ્રકને ઝાલોદ પોલીસ સ્ટેશનના કંપાઉન્ડમાં લાવવામાં આવી હતી. પંચોની હાજરીમાં દારૂનો જથ્થો ઉતારી ગણતરી કરવામાં આવી હતી તેમજ એફ.એસ.એલ. અને રિઝર્વ સેમ્પલ લઈ સીલ કરવામાં આવ્યા હતા.

*એક આરોપી જેલભેગો, બીજાને ઝડપી પાડવા પોલીસની દોડધામ*

આ કેસમાં ટ્રકચાલક માંગીલાલ રઘુનાથરામ બિશ્નોઈ ઝડપાઈ ગયો છે, જ્યારે દારૂનો જથ્થો ટ્રકમાં સોંપનાર હોવાનું સામે આવેલ ભવરલાલ ભાંખરારામ બિશ્નોઈ ફરાર છે. પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા તેમજ દારૂના સમગ્ર નેટવર્કની વધુ કડીઓ બહાર લાવવા તપાસ હાથ ધરી છે.

*ઝાલોદ પોલીસની ચેકિંગ કામગીરી રંગ લાવી*

ઝાલોદ પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. આર.જે. ગામીતના માર્ગદર્શન હેઠળ પો.સબ ઈન્સ્પેક્ટર સી.કે. સીસોદીયા, અ.હે.કો. જગદિશભાઈ સવજીભાઈ, અ.હે.કો. વિપુલભાઈ મંગળાભાઈ, અ.પો.કો. શૈલેષભાઈ કશનભાઈ, અ.પો.કો. વિક્રમભાઈ વિરજીભાઈ તથા ધાવડીયા ચેક પોસ્ટના જી.આર.ડી. સભ્યોની ટીમે વાહન ચેકિંગ દરમિયાન આ કાર્યવાહી કરી હતી.
રાજસ્થાન બોર્ડરથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાના પ્રયાસ સામે ધાવડીયા ચેક પોસ્ટ ઉપર થયેલી આ કાર્યવાહી ઝાલોદ પોલીસની સતર્કતાનું વધુ એક ઉદાહરણ બની છે.
📲Get App