🔥 TRENDING Sharma appointed as officiating head o... Makrana urges BJP to reverse UGC rules... 130 candidates file nominations on fir... Bhopal Traders Warn Closure of 60,000... CAG finds 70.55% manpower deficit in J... Five Arrested in Murder of Elderly Cou...
28 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

*મોરીખા શંકાસ્પદ મોતમાં ૮૪ દિવસ બાદ મૃતદેહ બહાર કઢાયો*

✍️ Reporter: Amaratbhai D. Gohil 🗓 27 Aug 2026, 11:12 PM 👁 5
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પોલીસ-વહીવટી તંત્રની હાજરીમાં એક્સ્યુમેશનની કાર્યવાહી પરિવારનો નિષ્પક્ષ તપાસનો આગ્રહ, આરોપીઓની ધરપકડની માંગ*

અમરત ગોહિલ
વાવ થરાદ જીલ્લો

મોરીખા શંકાસ્પદ મોતમાં ૮૪ દિવસ બાદ મૃતદેહ બહાર કઢાયો


પોલીસ-વહીવટી તંત્રની હાજરીમાં એક્સ્યુમેશનની કાર્યવાહી પરિવારનો નિષ્પક્ષ તપાસનો આગ્રહ,
આરોપીઓની ધરપકડની માંગ

વાવ તાલુકાના મોરીખા ગામે તા. ૧ જૂન, ૨૦૨૬ના રોજ બનેલી ઘટનામાં તા. ૪ જૂનના રોજ ગામના તળાવમાંથી દલિત યુવકનો મૃતદેહ મળી આવ્યા બાદ ચકચાર મચી હતી. યુવકના શંકાસ્પદ મોતના કેસમાં હવે ૮૪ દિવસ બાદ મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સત્ય બહાર લાવવા અને નિષ્પક્ષ તપાસના ભાગરૂપે આજે મોરીખા ગામની સ્મશાનભૂમિમાંથી મૃતદેહ બહાર કાઢી રિ-પોસ્ટમોર્ટમ તથા ફોરેન્સિક તપાસ માટે મોકલવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.
યુવકના મોત બાદ ન્યાયની માંગ સાથે પીડિત પરિવાર અને દલિત સમાજના આગેવાનો દ્વારા વાવ-થરાદ કલેક્ટર કચેરી ખાતે સતત પાંચ દિવસ સુધી શાંતિપૂર્ણ ધરણાં યોજાયા હતા. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈ રેન્જ આઈ.જી.ના આદેશથી અગાઉના તપાસ અધિકારી એસ.એમ. વારોતરીયા ની બદલી કરી તપાસની જવાબદારી નવા તપાસ અધિકારી કે.કે. પંડ્યાને સોંપવામાં આવી હોવાનું પરિવાર તરફથી જણાવાયું હતું.
નવા તપાસ અધિકારીએ સાત દિવસમાં તટસ્થ તપાસ પૂર્ણ કરવાની ખાતરી આપતાં પીડિત પરિવારે ધરણાં સાત દિવસ માટે મોકૂફ રાખ્યા હતા. આ આશ્વાસન બાદ તપાસના છઠ્ઠા દિવસે આજે પોલીસ અને વહીવટી તંત્રની ટીમ મોરીખા સ્મશાનભૂમિ ખાતે પહોંચી હતી. જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો અને વધુ તપાસ માટે અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજ ખાતે રિ-પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

રેકોર્ડિંગ મુદ્દે સ્થળ પર બોલાચાલી

મૃતદેહ બહાર કાઢવાની કાર્યવાહી દરમિયાન મીડિયાકર્મીઓ અને પરિવારજનો દ્વારા કરવામાં આવી રહેલા વીડિયો રેકોર્ડિંગને લઈને પોલીસ સાથે બોલાચાલી થઈ હોવાના આક્ષેપો થયા હતા. પરિવારજનો અને દલિત સમાજના આગેવાનોએ પોલીસની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી. પરિવારનો આક્ષેપ છે કે, ઘટનામાં સંડોવણીની શંકા ધરાવતા લોકો હજુ પણ ગામમાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને પરિવારના ઘર આસપાસ આંટાફેરા કરતા હોવા છતાં તેમની સામે કડક કાર્યવાહી થતી નથી.
પરિવારે સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક અને નિષ્પક્ષ તપાસ કરી સત્ય બહાર લાવવાની માંગ કરી છે. સાથે જ જવાબદારો સામે હત્યાની કલમ સહિત લાગુ પડતી કાયદેસરની જોગવાઈઓ હેઠળ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.
પીડિત પરિવાર અને દલિત સમાજના આગેવાનોએ ચીમકી આપી છે કે, જો સમયસર યોગ્ય કાર્યવાહી નહીં થાય અને પરિવારને ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં રાજ્યસ્તરે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
📲Get App