🔥 ट्रेंडिंग વલસાડ: સુપર સાયકલ સ્ટોરમાંથી ખરીદેલા ન... ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂનો કહેર! 6 લોક... जन अभियान परिषद के मार्गदर्शन में जल ग... विन डीज़ल ने ‘फ़ास्ट फॉरएवर’ के बड़े अ... चिरंजीवी की नई फ़िल्म का संक्रांति 202... विन डीज़ल ने ‘फास्ट फॉरेवर’ फ़िल्म पर...
19 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
धर्म

કંથરપુરા ગામે શીતળા સાતમની આગવી પરંપરા સાથે ઉજવણી

✍️ रिपोर्टर: Bhailalbhai Baria 🗓 19 अग. 2026, 01:47 PM 👁 7
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના કંથરપુરા ગામે શીતળા સાતમના પર્વની પરંપરાગત રીતે ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે ઉજવણી કરવામાં આવી. ગામમાં શીતળા માતાની પૂજા-અર્ચના માટે શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના કંથરપુરા ગામે આજે શીતળા સાતમના પર્વની પરંપરાગત રીતે ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ ગામમાં શીતળા માતાની પૂજા-અર્ચના માટે શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ રાંધણ છઠના દિવસે ઘરમાં વિવિધ પ્રકારની વાનગીઓ તૈયાર કરવામાં આવે છે. શીતળા સાતમના દિવસે ઘરમાં ચૂલો સળગાવવામાં આવતો નથી અને રાંધણ છઠના દિવસે બનાવેલું ઠંડું ભોજન આરોગવામાં આવે છે. કંથરપુરા ગામમાં શીતળા સાતમની એક આગવી પરંપરા જોવા મળે છે. ગામના બ્રાહ્મણ પોતાના ઘરે માટીમાંથી શીતળા માતાની પ્રતિમા તૈયાર કરે છે. ત્યારબાદ ગામના લોકો ત્યાં એકત્ર થઈ માતાજીની પૂજા-અર્ચના કરે છે. માતાજીને ગલોડીના વેલા ચઢાવી શ્રીફળ અર્પણ કરી પરિવારના સુખ, શાંતિ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવે છે.

પૂજા બાદ ગામના લોકો પરંપરા મુજબ બ્રાહ્મણને દાળ, ચોખા સહિતની સામગ્રી અર્પણ કરે છે. ગામડાઓમાં શીતળા નીકળે ત્યારે વ્યક્તિગત રીતે બાધા રાખવાની પણ પરંપરા છે. બાધા રાખનાર વ્યક્તિ શીતળા સાતમના દિવસે પાંચ અલગ-અલગ ઘરમાં જઈ ત્યાં બનાવેલી વાનગી માંગે છે અને પાંચ ઘરમાંથી મળેલી વાનગીઓ આરોગવાની પરંપરા આજે પણ જોવા મળે છે.

શીતળા સાતમ સાથે એક મહત્વપૂર્ણ સામાજિક પરંપરા પણ જોડાયેલી છે. જે પરિવારમાં સ્વજનનું અવસાન થયું હોય, તેમના ઘરે આ દિવસે તળેલી વાનગીઓ બનાવવામાં આવતી નથી. આવા પરિવારના સગા-સંબંધીઓ પોતાના ઘરે વાનગીઓ બનાવીને તેમના ઘરે પહોંચાડે છે. આમ, કંથરપુરા ગામમાં શીતળા સાતમ ધાર્મિક આસ્થા સાથે વર્ષો જૂની લોકપરંપરા અને સામાજિક એકતાને જાળવી રાખતો મહત્વપૂર્ણ તહેવાર બની રહ્યો છે.
📲Get App