🔥 TRENDING Tamil Nadu CM Vijay Moves Office to Ac... Teen Murdered in Bhopal After Viral In... Monsoon Weakens, Heavy Rain Expected i... Madhya Pradesh Unveils New Industrial... Twisha Sharma’s Final Message to Siste... CM Mohan Yadav to Release 39th Ladhali...
18 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન શ્રી ધર્મિષ્ઠાબહેન ગજ્જરના અધ્યક્ષ સ્થાને વિદ્યાસભા ગજેરા સંકુલ ખાતે નશામુક્ત ભારત કાર્યક્રમ યોજાયો

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 18 Aug 2026, 05:40 PM 👁 9
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન શ્રી ધર્મિષ્ઠાબહેન ગજ્જરના અધ્યક્ષ સ્થાને વિદ્યાસભા ગજેરા સંકુલ ખાતે નશામુક્ત ભારત કાર્યક્રમ યોજાયો

પ્રતાપપરા ખાતેના સરકારી ચિલ્ડ્રન હોમ, બાળ સંભાળ ગૃહ, બહેરા-મૂંગા શાળા, સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરની મુલાકાત લેતા શ્રી ગજ્જર

અમરેલી, તા. ૧૬ ઓગસ્ટ, ૨૦૨૬
ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ, ગાંધીનગરના ચેરમેન શ્રી ધર્મિષ્ઠાબહેન ગજ્જર અમરેલી જિલ્લાના પ્રવાસે આવ્યા હતા. પ્રવાસ દરમિયાન તેમણે જિલ્લામાં બાળકો માટે કાર્યરત વિવિધ સંસ્થાઓની મુલાકાત લઈ બાળકોને આપવામાં આવતી માળખાગત સુવિધાઓ, સરકારશ્રીની બાળકોને લગતી યોજનાઓના અમલીકરણ, બાળકોના અધિકારો તથા સંસ્થાઓ દ્વારા કરવામાં આવતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

ચેરમેનશ્રી ધર્મિષ્ઠાબહેન ગજ્જરે વિદ્યાસભા ગજેરા સંકુલ ખાતે યોજાયેલા ‘નશામુક્ત ભારત’ કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાનેથી ઉપસ્થિત રહી બાળકો સાથે સંવાદ કર્યો હતો. તેમણે બાળકોને બાળ અધિકારો તથા બાળકોને લગતા વિવિધ કાયદાઓ અંગે વિસ્તૃત સમજણ આપી હતી. આ ઉપરાંત વિદ્યાસભા સંકુલ ખાતેની ગર્લ્સ હોસ્ટેલ, બોયઝ હોસ્ટેલ તથા રસોઈઘર સહિતની વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કરી જરૂરી માહિતી મેળવી હતી.

ત્યારબાદ ચેરમેનશ્રીએ પ્રતાપપરા ખાતેના સરકારી ચિલ્ડ્રન હોમની મુલાકાત લઈ કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકો સાથે સંવાદ કર્યો હતો. બાળકોને જુવેનાઈલ જસ્ટીસ એક્ટ તથા સંબંધિત નિયમો હેઠળ મળતી સુવિધાઓ અંગે માહિતી મેળવી સંસ્થાની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. બાળ સંભાળ ગૃહની સ્વચ્છતા તેમજ સમગ્ર કેમ્પસની સુવિધાઓનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

અમરેલી ખાતે મહિલા વિકાસ મંડળ સંચાલિત બાળ સંભાળ ગૃહની મુલાકાત દરમિયાન ચેરમેનશ્રીએ દીકરીઓ સાથે સંવાદ કરી તેમના અધિકારો તથા બાળકોને લગતા કાયદાઓ અંગે વિસ્તૃત સમજણ આપી હતી. આ ઉપરાંત સંબંધિત અધિનિયમ અને નિયમો મુજબ સંસ્થામાં ઉપલબ્ધ સુવિધાઓ તથા સમગ્ર બિલ્ડિંગનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

તેમણે અમરેલી ખાતે આવેલી બહેરા-મૂંગા શાળાની પણ મુલાકાત લઈ બાળકો સાથે સંવાદ કર્યો હતો અને સંસ્થા દ્વારા બાળકો માટે કરવામાં આવતી વિવિધ કામગીરી અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી.

આ ઉપરાંત અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરની મુલાકાત લઈ મુશ્કેલીનો સામનો કરી રહેલી મહિલાઓને આપવામાં આવતી વિવિધ સેવાઓ અને સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી. કેન્દ્ર ખાતે હાલની વ્યવસ્થાઓ તથા લાભાર્થી બહેનો અંગેની વિગતો પણ મેળવવામાં આવી હતી.

અમરેલી જિલ્લાના પ્રવાસ દરમિયાન ચેરમેનશ્રી દ્વારા બાળકો અને મહિલાઓને લગતી વિવિધ સંસ્થાઓની મુલાકાત લઈ સંસ્થાઓની કામગીરી, ઉપલબ્ધ સુવિધાઓ તથા કાયદા અને નિયમો મુજબની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમણે જિલ્લામાં બાળકોના અધિકારોનું સંરક્ષણ, બાળકોની સલામતી તથા તેમના સર્વાંગી વિકાસ માટે કામગીરીને વધુ સુદૃઢ બનાવવા અંગે સંબંધિત અધિકારીઓ અને સંસ્થાઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

ચેરમેનશ્રીના જિલ્લા પ્રવાસ દરમિયાન જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી એન.એમ. પુરોહિત દ્વારા લાયઝનિંગની કામગીરી સંભાળવામાં આવી હતી. આ પ્રસંગે ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના સભ્યશ્રીઓ, જુવેનાઈલ જસ્ટીસ બોર્ડના સભ્યશ્રીઓ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી, સરકારી ચિલ્ડ્રન હોમના અધિક્ષકશ્રી તથા મહિલા વિકાસ મંડળના અધિક્ષકશ્રી સહિતના સંબંધિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમ અમરેલી જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
📲Get App