🔥 TRENDING જૂનાગઢમાં ‘રાખી મેળો’નો પ્રારંભ, મહિલા... FDA Cancels 14 Licenses of Blinkit, Ze... TVK Likely to Become Largest Party in... Ashwini Vaishnaw Virtually Flags Off D... UP Police Arrest BDS Student Allegedly... UP Labour Minister Labels Noida Violen...
14 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની ઉજવણીની પૂર્વ સંધ્યાએ ‘અમૃત ગાથા અમરેલી’ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 14 Aug 2026, 10:34 PM 👁 1
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની ઉજવણીની પૂર્વ સંધ્યાએ ‘અમૃત ગાથા અમરેલી’ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

૨૦૦થી વધુ કલાકારોની ઉર્જાવાન અને ભાતીગળ પ્રસ્તુતિએ દર્શકોને મંત્રમુગ્ધ કર્યા

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલની ગરીમામય ઉપસ્થિતિ

મુખ્યમંત્રીશ્રીના હસ્તે અમરેલીના વિકાસને વેગ આપતા રૂ. ૪૦૩ કરોડથી વધુના ૬૬ વિકાસપ્રકલ્પોની ભેટ : અમરેલી જિલ્લાના ૧૭ રત્નોનું બહુમાન કરાયું

રાજ્યકક્ષાની ઉજવણીના યજમાન જિલ્લાની પાલિકા અને ગ્રામ પંચાયતો માટેની વિશેષ ગ્રાંટ બમણી કરતી સરકાર; મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રૂ. ૫-૫ કરોડની ફાળવણીનો પ્રથમ લાભ અમરેલીને અર્પણ કર્યો


રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

શૌર્ય અને પરોપકારની ભૂમિ અમરેલી જિલ્લો વિકાસના માર્ગે અત્યંત ઝડપભેર આગળ વધી રહ્યો છે

અમરેલી જીલ્લાના લોકોએ દેશ-વિદેશમાં નામ રોશન કર્યું છે

જમીન અને માનવ સ્વાસ્થ્યની રક્ષા કાજે રસાયણોનો ઉપયોગ છોડી પ્રાકૃતિક કૃષિ અપનાવવા રાજ્યપાલશ્રીનું આહવાન



મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય પર્વોની રાજ્ય કક્ષાની ઉજવણી અલગ અલગ જિલ્લાઓમાં કરવાની પરંપરા શરૂ કરાવતા જિલ્લાઓની વિકાસ યાત્રા ઝડપી બની

રાજુલા-જાફરાબાદ અને બાબરા-ચાવંડ રોડને હાઈસ્પીડ કોરિડોર તરીકે વિકસાવવાનું આયોજન
અમરેલીમાં 'સૌની યોજના'થી નર્મદાના નીર પહોંચ્યા, જળ સંચય થકી કૃષિ ક્રાંતિ સર્જાઈ
રાજ્ય સરકારે છેલ્લા પાંચ વર્ષમાં અમરેલી જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યો માટે રૂ. ૫ હજાર કરોડથી વધુની રકમ ફાળવી છે
અમરેલીએ સ્વતંત્રતાની લડત દરમિયાન પ્રજા મંડળ આંદોલનથી સ્વદેશી ચળવળમાં પણ મહત્વનું યોગદાન આપ્યું

અમરેલી, ૧૪ ઓગસ્ટ

૮૦મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીની પૂર્વ સંધ્યાએ ‘અમૃત ગાથા અમરેલી’ સાંસ્કૃતિક કાર્યક્રમની ભવ્ય પ્રસ્તુતિ કરવામાં આવી હતી. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમ નિહાળવા મોટી સંખ્યામાં અમરેલીવાસીઓ ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના હસ્તે અમરેલી જિલ્લાની પ્રગતિને વેગ આપતાં કુલ રૂ. ૪૦૩.૨૧ કરોડના ૬૬ વિકાસકામોના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.

૮૦મા સ્વાતંત્ર્ય દિવસની ગૌરવશાળી ઉજવણીની પૂર્વ સંધ્યાએ અમરેલી ખાતેથી દેશની આઝાદી માટે બલિદાન આપનારા સ્વાતંત્ર્ય વીરોને આદરપૂર્વક નમન કરતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, અમરેલીની ધરતી શૌર્ય, સાહિત્ય, ચારિત્ર્ય અને પરોપકારની ભૂમિ છે. આ ભૂમિના લોકોએ દેશ-વિદેશમાં નામ રોશન કર્યું છે. હવે આ જિલ્લો વિકાસના માર્ગે અત્યંત ઝડપભેર આગળ વધી રહ્યો છે.

પ્રાકૃતિક કૃષિની જરુરિયાત અને મહત્તા સ્પષ્ટ કરતાં તેમણે જણાવ્યું કે, આજના સમયમાં કૃષિ ક્ષેત્રે રાસાયણિક ખાતરો અને પેસ્ટીસાઇડ્સ (જંતુનાશકો) ના અતિ ઉપયોગથી આપણી જમીન પ્રદૂષિત બની છે અને અન્નની ગુણવત્તા નબળી પડી છે. ઝેરી જંતુનાશકોના કારણે કેન્સર જેવા રોગોનું પ્રમાણ વધ્યું છે અને પશુઓમાં પણ બીમારીઓ વધી રહી છે. આ ગંભીર ખતરા સામે જમીનને બચાવવા અને આવનારી પેઢીના સુરક્ષિત ભવિષ્ય માટે અત્યારથી જ સંકલ્પબદ્ધ થવું અનિવાર્ય છે, રાજ્યપાલશ્રીએ ઉમેર્યુ કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક કૃષિને દેશમાં રાષ્ટ્રીય મિશન તરીકે શરુઆત કરાવીને નિરોગી ભવિષ્ય તરફ પ્રયાણનો માર્ગ બતાવ્યો છે અને મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં પણ આ દિશામાં અનુકરણીય કામગીરી થઈ રહી છે. સમગ્ર ગુજરાતને 'ઝેરમુક્ત રાજ્ય' બનાવવાની નેમ રાજ્યપાલશ્રીએ વ્યક્ત કરી હતી. તેમણે લોકોને અપીલ કરી કે આવનારી પેઢી સ્વાસ્થ્યપ્રદ જીવન જીવે તે માટે દરેક નાગરિક પોતાના ઘરમાં પ્રાકૃતિક ઉત્પાદનોનો જ ઉપયોગ કરે તે જરૂરી છે. રાજ્યપાલશ્રીએ રાજ્યના સૌ પ્રજાજનોને ૮૦માં રાષ્ટ્રીય પર્વની પૂર્વ સંધ્યાએ શુભેચ્છાઓ પાઠવી હતી.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં અમરેલીના ઐતિહાસિક અને સાહિત્યિક વારસાને યાદ કરતા જણાવ્યું હતું કે, અમરેલીની આ પવિત્ર ધરા રાષ્ટ્રીય શાયર અને રંગ કસુંબલના કવિ શ્રી ઝવેરચંદ મેઘાણી, શ્રી ભોજા ભગત અને સ્વામીનારાયણ સંપ્રદાયના શ્રી મુક્તાનંદ સ્વામીની કર્મભૂમિ છે. રાજવી કવિ કલાપી, લોક કવિ શ્રી દુલાભાયા કાગ, શ્રી રમેશ પારેખ જેવા ખ્યાતનામ સાહિત્યકારો-કવિઓ પણ આ જિલ્લાએ ભેટ આપ્યા છે.
સ્વતંત્રતાની લડત દરમિયાન અમરેલીના પ્રજા મંડળ આંદોલન અને સાવરકુંડલાના શ્રી મણિલાલ ત્રિવેદીએ અસહકાર આંદોલનમાં આપેલા યોગદાનનો મુખ્યમંત્રીશ્રીએ આ તકે વિશેષ ઉલ્લેખ કર્યો હતો.

આ અવસરે અમરેલી જિલ્લાને રૂ. ૪૦૩ કરોડના ૬૬ વિકાસ કામોની મળેલી ભેટનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય પર્વોની રાજ્ય કક્ષાની ઉજવણી અલગ અલગ જિલ્લાઓમાં કરવાની પરંપરા શરૂ કરાવી જિલ્લાઓની વિકાસ યાત્રાને ઝડપી બનાવી છે.

જિલ્લાના સર્વાંગી વિકાસની રૂપરેખા આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવાની કટિબદ્ધતાના ભાગરૂપે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં વર્ષ ૨૦૧૬માં આપણે ચાંચ બંદરથી શિયાળ બેટ સુધી દરિયાની અંદર ૬ કિલોમીટરના મશિન ગ્રેડ કેબલ નાંખીને શિયાળ બેટના અંધારા ઉલેચ્યા છે. અમરેલીમાં 'સૌની યોજના'થી નર્મદાના નીર પહોંચ્યા છે અને જળ સંચય થકી કૃષિ ક્રાંતિ સર્જાઈ છે.

અમરેલી જિલ્લામાં વિકાસ કાર્યોના આગામી આયોજન અંગે વાત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વાહન વ્યવહાર અને પ્રવાસન વિકાસ માટે રૂ. ૧૯૩ કરોડના ખર્ચે ૮ મોટા બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે તથા રાજુલા-જાફરાબાદ અને બાબરા-ચાવંડ રોડને હાઈસ્પીડ કોરિડોર તરીકે વિકસાવવાનું આયોજન છે. રાજ્ય સરકારે છેલ્લા પાંચ વર્ષમાં અમરેલી જિલ્લાના વિવિધ વિકાસના કાર્યો માટે રૂ. ૫ હજાર કરોડથી વધુની રકમ ફાળવી છે. પર્યાવરણની જાળવણી માટે જિલ્લામાં સાડા સાત લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે તે અંગે આનંદ વ્યક્ત કરતા તેમણે ઉમેર્યું હતું કે આંબરડી સફારી પાર્કના નિર્માણ થકી જિલ્લામાં સિંહ સંવર્ધનની સાથે ગીર ફોરેસ્ટ સમકક્ષ પ્રવાસનની તકો વિકસાવવામાં આવી રહી છે.

મુખ્યમંત્રીશ્રીએ અમરેલીના વિકાસમાં યોગદાન આપનારા તમામ શ્રેષ્ઠીઓને અભિનંદન પાઠવ્યા હતા. 'વિકસિત ભારત ૨૦૪૭'ના સંકલ્પને સાકાર કરવા માટે સૌને 'વિકસિત ગુજરાત માટે વિકસિત અમરેલી' બનાવવાના સંકલ્પ સાથે તેમણે સૌને આવતીકાલના સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આ તકે રાષ્ટ્રીય પર્વોની રાજ્ય કક્ષાની ઉજવણીમાં યજમાન બનનાર જિલ્લાઓની નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતોના વિકાસ કામો માટે અપાતી વિશેષ ગ્રાંટ બમણી કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. જે મુજબ, જિલ્લા કલેક્ટરશ્રીને નગરપાલિકાઓના કામો માટે અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીને ગ્રામીણ વિસ્તારોના વિકાસ માટે રૂ. ૨.૫૦ કરોડના બદલે હવે રૂ. ૫-૫ કરોડ રૂપિયા ફાળવવામાં આવશે, જેનો પ્રથમ લાભ અમરેલી જિલ્લાને મળ્યો છે. મુખ્યમંત્રીશ્રીએ જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીને રૂ. ૫-૫ કરોડ રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો.

આ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા માહિતી કચેરીના સંયુક્ત ઉપક્રમે તૈયાર કરવામાં આવેલ કોફી ટેબલ બુક અને વિકાસ વાટિકા પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જળ સંચય, પર્યાવરણ, સાહિત્ય, શિક્ષણ, સમાજ સેવા સહિતના ક્ષેત્રોમાં વિશિષ્ટ યોગદાન આપનારા ૧૭ જેટલા જિલ્લાના રત્નોનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા વહીવટી તંત્ર અને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા આયોજિત 'અમૃતગાથા અમરેલી' ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં ૨૦૦થી વધુ કલાકારો એ દેશભક્તિ, ગુજરાતની સંસ્કૃતિ અને અમરેલીના ગૌરવને ઉજાગર કરતી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજે કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરતા કાર્યક્રમની રૂપરેખા આપી હતી.

અમરેલીની ફોરવર્ડ શાળા ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પ્રભારી અને કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, ઊર્જા અને કાયદો રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દક્ષાબેન ચોડવડીયા, સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય સર્વે શ્રી મહેશભાઈ કસવાલા અને શ્રી જનકભાઈ તળાવીયા, અમરેલી નગરપાલિકા પ્રમુખશ્રી વૈશાલીબેન માંગરોળીયા, રાજ્યના મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસ, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી અંજુ શર્મા, ગૃહ વિભાગ અગ્રસચિવ શ્રી સંજીવકુમાર, પોલીસ મહાનિર્દેશક શ્રી જી.એસ.મલિક, જિલ્લા પ્રભારી સચિવ શ્રી સંદીપકુમાર, યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ કમિશનર શ્રી યોગેશ નિરગુડે, જિલ્લા કલેકટર શ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.જે. પ્રજાપતિ સહિત બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

*અમરેલીને રૂ. ૪૦૩ કરોડથી વધુના વિકાસપ્રકલ્પોની ભેટ*

અમરેલી જિલ્લાની પાયાની જરૂરિયાતોને પ્રાથમિકતા આપતા ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હેઠળ ૧૧૪.૭૯ કરોડના ૨ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સાથે જિલ્લામાં માર્ગ કનેક્ટિવિટીને મજબૂત બનાવવા માટે માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા રૂ.૯૮.૭૨ કરોડના ૬ કામોનું લોકાર્પણ અને રૂ. ૫૯.૦૦ કરોડના ૪ કામોનું ખાતમુહૂર્ત એમ કુલ રૂ.૧૫૭.૭૨ કરોડના ૧૦ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું.ગ્રામીણ માળખાકીય સુવિધાઓ સુધારવા માટે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) અંતર્ગત ૪૭ કામોનું રૂ.૯૩.૦૫ કરોડના ખર્ચે ખાતમુહૂર્ત કરાયું છે. મહેસૂલ ક્ષેત્રે રૂ. ૧૪.૦૩ કરોડના ૨ કામો, માહિતી અને પ્રસારણ ખાતાની રૂ. ૪.૫૨ કરોડના ખર્ચે તૈયાર કરાયેલી અદ્યતન કચેરીનું લોકાર્પણ, તથા શિક્ષણ વિભાગના રૂ. ૪.૫૧ કરોડના ૨ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જ્યારે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અંતર્ગત રૂ.૧૨.૬૯ કરોડના ૧ કામનું ખાતમુહૂર્ત અને આરોગ્ય વિભાગના રૂ. ૧.૯૧ કરોડના ૧ કામ સહિત ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત સંપન્ન થયું છે.


*વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન કરનાર અમરેલી જિલ્લાના ૧૭ નાગરિક રત્નોનું સન્માન*

અમરેલી ખાતે આયોજિત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં અમૂલ્ય પ્રદાન આપનાર જિલ્લાના પ્રતિષ્ઠિત નાગરિકોનું શાલ અને મોમેન્ટો અર્પણ કરીને વિશેષ સન્માન કરવામાં આવ્યુ હતુ, જેમાં જળસંચય ક્ષેત્રે પદ્મશ્રી શ્રી સવજીભાઈ ધોળકીયા, પર્યાવરણ ક્ષેત્રે શ્રી મોહનભાઈ ઠુંમર, સાહિત્ય ક્ષેત્રે પદ્મશ્રી શ્રી રતિલાલ બોરીસાગર વતી કનુભાઈ માવજીભાઈ ગેડીયા, શિક્ષણ ક્ષેત્રે શ્રી ચંદ્રેશકુમાર ભોળાશંકર બોરીસાગર અને શ્રી રાઘવજીભાઈ કટકીયા (રઘુ રમકડું), સમાજ સેવા ક્ષેત્રે શ્રી ભક્તિરામ બાપુ, સાહિત્ય ક્ષેત્રે શ્રી વિષ્ણુભાઈ ભાલીયા, સમાજસેવા પ્રવૃત્તિમાં સુશ્રી મંદાકિનીબેન ગુણવંતભાઈ પુરોહિત, આરોગ્ય ક્ષેત્રે પ્રતિનિધિશ્રી, લલ્લુભાઈ શેઠ ટ્રસ્ટ, સાવરકુંડલા અને શ્રી અમિતકુમાર મગીયા, સમાજ સેવા ક્ષેત્રે નાયબ પોલીસ અધીક્ષકશ્રી સુશ્રી નયના ગોરડીયા, પર્યાવરણ ક્ષેત્ર (સ્નેક કેયર) માં શ્રી બાબુભાઈ ડાભી, આરોગ્ય ક્ષેત્રે ડૉ. એ. જે. ડબાવાલા, રમત ગમત ક્ષેત્રે કુ. ફોરમ કગથરા, સંગીત ક્ષેત્રે શ્રી વિમલભાઈ મહેતા, સાહિત્ય ક્ષેત્રે શ્રી પ્રણવ પંડ્યા તથા ડૉ. કેતન કાનપરીયા, અને સમાજ સેવા ક્ષેત્રે સંવેદન ગૃપ, અમરેલીના વિપુલભાઈ ભટ્ટી સહિતના મહાનુભાવોને તેમની વિશિષ્ટ કામગીરી બદલ ગૌરવપૂર્વક સન્માન સાથે બહુમાન કરવામાં આવ્યું હતું.
📲Get App