🔥 TRENDING જૂનાગઢમાં ‘રાખી મેળો’નો પ્રારંભ, મહિલા... FDA Cancels 14 Licenses of Blinkit, Ze... TVK Likely to Become Largest Party in... Ashwini Vaishnaw Virtually Flags Off D... UP Police Arrest BDS Student Allegedly... UP Labour Minister Labels Noida Violen...
14 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

૮૦મા સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ અમરેલી ખાતે રાજ્યપાલશ્રીની અધ્યક્ષતામાં ‘એટ હોમ’ કાર્યક્રમ યોજાયો મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 14 Aug 2026, 10:20 PM 👁 5
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
૮૦મા સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ અમરેલી ખાતે રાજ્યપાલશ્રીની અધ્યક્ષતામાં ‘એટ હોમ’ કાર્યક્રમ યોજાયો

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓના અપ્રતિમ સમર્પણ અને શહાદતના પરિણામે આપણને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ છે
ગુજરાત 'વિકસિત ભારત ૨૦૪૭'નું લક્ષ્ય પ્રાપ્ત કરનારું દેશનું પ્રથમ રાજ્ય બનશે
એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના મંત્ર સાથે નવી પેઢી સંસ્કાર અને રાષ્ટ્રપ્રેમથી આગળ વધે
રાષ્ટ્ર નિર્માણમાં દરેક વર્ગ પોતાની જવાબદારી પૂર્ણ નિષ્ઠા અને દેશભક્તિથી નિભાવે


અમરેલી, તા. ૧૪ ઓગસ્ટ, ૨૦૨૬

૮૦મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ અમરેલી સ્થિત શ્રી નૂતન હાઈસ્કૂલ ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં ‘એટ હોમ’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત રાજ્યના મંત્રીમંડળના સભ્યો, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ–પદાધિકારીઓ તથા વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનું આગમન થતાં પોલીસ બેન્ડની સુરાવલીઓ સાથે ‘ગાર્ડ ઓફ ઓનર’ આપવામાં આવ્યું હતું. પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રગાનની ધૂન પ્રસ્તુત કરાયા બાદ રાજ્યપાલશ્રીએ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ આમંત્રિત મહેમાનોનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.

અમરેલીની પવિત્ર ધરતી પર ૮૦મા સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ આયોજિત ‘એટ હોમ’ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અન્ય મહાનુભાવોની સન્માનીય ઉપસ્થિતિમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ દેશની આઝાદી માટે બલિદાન આપનારા અસંખ્ય જ્ઞાત-અજ્ઞાત ક્રાંતિવીરોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી સૌ નાગરિકોને સ્વાતંત્ર્ય પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, લાંબી ગુલામી બાદ લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓના અપ્રતિમ સમર્પણ અને શહાદતના પરિણામે જ આપણને આ સ્વતંત્રતા પ્રાપ્ત થઈ છે. ક્રાંતિવીરોએ જે સમૃદ્ધ અને સક્ષમ ભારતનું સ્વપ્ન જોયું હતું, તે આજે સાકાર થતું જોવા મળી રહ્યું છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સબળ અને દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારત દરેક ક્ષેત્રે અદ્ભુત વિકાસ કરી પોતાની અલગ ઓળખ સ્થાપિત કરી રહ્યું છે.

આજે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, રેલવે અને ઉદ્યોગ જેવા દરેક ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ સાધીને નવા કીર્તિમાન સ્થાપિત કરી રહ્યું છે. છેલ્લા ૧૨ વર્ષોમાં કરોડો નાગરિકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે અને વિશ્વભરમાં ભારતની ગરિમા તથા પ્રતિષ્ઠા સર્વોચ્ચ શિખરે પહોંચી છે. જેના પરિણામે જ અનેક દેશો ભારતના વડાપ્રધાનશ્રીનું પોતાના દેશનું સર્વોચ્ચ સન્માન આપી ગૌરવાન્વિત કરે છે.

રાજ્યપાલશ્રીએ નાગરિકોને સાવચેત કરતાં ટાંક્યું હતું કે, રાષ્ટ્ર જ્યારે વિકાસની તીવ્ર ગતિ પકડે છે ત્યારે કેટલીક વિઘટનકારી શક્તિઓ તેમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કરતી હોય છે, જેને નિષ્ફળ બનાવવા માટે દેશવાસીઓએ સતત જાગૃત અને સંગઠિત રહેવું અનિવાર્ય છે. દેશ જે ગતિએ વિકાસપથ પર આગળ વધી રહ્યો છે તે ગતિ મંદ ન થાય તે માટે જાગ્રત રહેવું દરેક નાગરિકની ફરજ છે. છેલ્લા સાત વર્ષમાં પોતે જોયેલા ગુજરાતના વિકાસ અંગે વાત કરતા અને ગુજરાતના સર્વાંગી વિકાસ મોડેલની સરાહના કરતાં તેમણે દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ગુજરાત 'વિકસિત ભારત ૨૦૪૭'ના રાષ્ટ્રીય લક્ષ્યાંકને પ્રાપ્ત કરનારું દેશનું પ્રથમ રાજ્ય બનશે.

વિભાજન સમયે નિર્દોષ નાગરિકોએ ભોગવેલા દુઃખ અને પીડા વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, વિભાજનકારી માનસિકતાને કારણે લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ ઈતિહાસમાંથી બોધ મેળવી ફરી આ ઇતિહાસનું પુનરાવર્તન ન થાય તે માટે દેશે એકતા અને અખંડિતતા જાળવી રાખવા પર તેમણે ભાર મૂક્યો હતો.

સરદાર વલ્લભભાઈ પટેલના અખંડ ભારતના સંકલ્પ અને વડાપ્રધાનશ્રીના ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સૂત્રને યાદ કરીને તેમણે ખેડૂતો, સરકારી કર્મચારીઓ તેમજ જનપ્રતિનિધિઓ સહિત સમાજના તમામ વર્ગોને નિષ્ઠા, પ્રામાણિકતા અને દેશભક્તિના ભાવ સાથે પોતાની ફરજો નિભાવવા આહવાન કર્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, આપણી આજની તપસ્યા અને કઠોર પરિશ્રમ જ આવનારી પેઢીઓ માટે એક સુગમ, સક્ષમ અને ગૌરવશાળી રાષ્ટ્રનું નિર્માણ કરશે. ભારત દેશના નાગરિકો માત્ર પોતાનું કલ્યાણ ઈચ્છતી સંકુચિત માનસિકતા નહીં પરંતુ સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય તેવી ભાવના ધરાવતા હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે, ભારતનો વિકાસ સમગ્ર વિશ્વ અને માનવતા માટે કલ્યાણકારી સાબિત થશે.

આ અવસરે રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિકારો દ્વારા પ્રદર્શિત ‘પ્રાકૃતિક કૃષિ હાટ’ની મુલાકાત લીધી હતી. તેમણે કૃષિકારો સાથે ખેતી પદ્ધતિ અંગે વાર્તાલાપ કરીને તેમને અભિનંદન પાઠવ્યા હતા અને રાજ્યના વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન સ્થાનિક કલાકારો દ્વારા રજૂ કરાયેલા દેશભક્તિના ગીતોએ સમગ્ર વાતાવરણને રાષ્ટ્ર પ્રેમની ભાવનાથી સભર બનાવી દીધું હતું.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ ‘એટ હોમ’ સમારોહ યોજવાની અનોખી પરંપરા શરૂ કરવામાં આવી હતી. આ વિશિષ્ટ પરંપરા આજે ગુજરાતની આગવી ઓળખ બની છે અને અન્ય રાજ્યો માટે પણ પ્રેરણારૂપ સાબિત થઈ છે.

કાર્યક્રમના અંતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉપસ્થિત તમામ મહાનુભાવો અને અગ્રગણ્ય નાગરિકો સાથે સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કર્યું હતું.

આ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી, ઊર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી દક્ષાબેન ચોડવાડિયા, નગરપાલિકા પ્રમુખ શ્રી વૈશાલીબેન માંગરોળીયા, સાંસદ સર્વ શ્રી પરશોત્તમભાઈ રૂપાલા અને શ્રી ભરતભાઈ સુતરિયા, ધારાસભ્ય સર્વ શ્રી મહેશભાઈ કસવાલા અને શ્રી જનકભાઈ તળાવિયા, મુખ્ય સચિવશ્રી મનોજ કુમાર દાસ, અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મા, પોલીસ મહાનિર્દેશકશ્રી જી.એસ. મલિક, જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજ, ડી.ડી.ઓશ્રી એચ. જે. પ્રજાપતિ, જિલ્લા પોલીસ વડાશ્રી સંજય ખરાત તેમજ પદાધિકારીઓ, એક્સ-આર્મીમેન, રમતવીરો, ખેડૂતો અને સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App