🔥 TRENDING Congress Softens CJP Standoff by Targe... Patidar's 135* Leads Team to Victory O... Cabinet Approves Rs 18,662 Crore Under... Union Minister Announces Jail Terms fo... Truck driver Baljinder Singh wins Rs 1... Mohali DC personally enters census dat...
18 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અમદાવાદ MD ડ્રગ્સ લેબ કેસમાં મોટો ખુલાસો, નેટવર્ક રાજસ્થાન અને મધ્યપ્રદેશ સુધી ફેલાયેલું, આરોપીના વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર

✍️ Reporter: sutariya kalpeshbhai haribhai 🗓 18 Nov 2026, 01:55 AM 👁 25
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB), અમદાવાદ ઝોનલ યુનિટ દ્વારા સરખેજ-ગયાસપુર રોડ પર આવેલા લબ્બેક પાર્કના રહેણાંક મકાનમાંથી ઝડપાયેલી ગેરકાયદે મેફેડ્રોન (MD) ડ્રગ્સ બનાવવાની લેબોરેટરીના કેસમાં મહત્વની કડીઓ હાથ લાગી છે. NCB દ્વારા આરોપી મુદસ્સરઅહેમદખાન મન્સુરઅહેમદખાન પઠાણની વધુ 4 દિવસની કસ્ટડી રિમાન્ડની માંગણી સાથે અમદાવાદ (ગ્રામ્ય) કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં કોર્ટે આરોપીને વધુ 3 દિવસના રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો છે. બીજી તરફ તપાસમાં ખુલાસો થયો છે કે, આરોપીએ રાજસ્થાનના પ્રતાપગઢના પોલ્ટ્રી ફાર્મમાં પણ ડ્રગ્સ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. ઉપરાંત, આ કેસના તાર મધ્યપ્રદેશના મંદસૌર અને જાઓરા સુધી ફેલાયેલા હોવાથી આંતરરાજ્ય નેટવર્કની તપાસ તેજ કરવામાં આવી છે.
નવેમ્બરના રોજ આરોપીની ધરપકડ

ચોક્કસ બાતમીના આધારે NCB અમદાવાદની ટીમે ગયાસપુર ખાતે આવેલા લબ્બેક પાર્ક સ્થિત મુદસ્સરઅહેમદખાન પઠાણના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન મકાનના બેઝમેન્ટમાં ધમધમતી ગુપ્ત લેબોરેટરી મળી આવી હતી, જ્યાંથી અંદાજે 800 થી 900 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ તૈયાર થઈ શકે તેટલો કેમિકલનો જથ્થો અને સાધનો જપ્ત કરાયા હતા. આ ઉપરાંત સ્થળ પરથી 26.67 ગ્રામ લિક્વિડ મેફેડ્રોન અને 0.76 ગ્રામ પાવડર સ્વરૂપનું ડ્રગ્સ પણ કબજે લેવાયું હતું. NCBએ તા. 16 નવેમ્બરના રોજ NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ આરોપીની ધરપકડ કરી હતી. ત્યારબાદ આરોપીના 1 દિવસના રિમાન્ડ મેળવી NCBએ તપાસ તેજ કરી હતી, જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી.

કોર્ટે વધુ 3 દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા

આજે રિમાન્ડ પૂરા થતાં આરોપીને ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે તેના વધુ 3 દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે. આંતરરાજ્ય સપ્લાય ચેઇન સ્થાપિત કરવા, ફરાર આરોપીઓની ધરપકડ કરવા, કેમિકલ સપ્લાયર્સની ઓળખ કરવા તેમજ ડ્રગ્સના વેચાણથી થયેલી આર્થિક લેવડદેવડ અને બેંક ટ્રાન્ઝેક્શનના પુરાવા એકત્ર કરવા માટે NCB દ્વારા આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવશે.

રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં થયેલા ચોંકાવનારા ખુલાસા

આંતરરાજ્ય ડ્રગ્સ સિન્ડિકેટના સભ્યોના નામ ખુલ્યા: આરોપીની પૂછપરછમાં આ નેટવર્ક ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશ સુધી ફેલાયેલું હોવાનું સામે આવ્યું છે. જેમાં રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના નૌગાંવના અકરમ ભાઈ, શેરદિલ ખાન, જુનૈદ ખાન અને મધ્યપ્રદેશના મંદસૌરના દાનિશની સંડોવણી ખુલી છે.
રાજસ્થાનના પોલ્ટ્રી ફાર્મમાં ડ્રગ્સ બનાવવાનો પ્રયાસ: આરોપીએ કબૂલ્યું છે કે તેણે અગાઉ રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના નૌગાંવ ખાતે આવેલા જુનૈદના પોલ્ટ્રી ફાર્મમાં જુનૈદ સાથે મળીને મેફેડ્રોન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત અકરમ ભાઈ અને શેરદિલ ખાન પણ નૌગાંવમાં ડ્રગ્સના ઉત્પાદન અને સપ્લાયમાં સામેલ હોવાનું બહાર આવ્યું છે.
મધ્યપ્રદેશથી કારમાં રોકડેથી ડ્રગ્સની ખરીદી: મુદસ્સરઅહેમદખાન પોતાના અંગત વપરાશ માટે મધ્યપ્રદેશના મંદસૌરના દાનિશ પાસેથી મેફેડ્રોન ખરીદતો હતો. આ માટે તે પત્નીના નામે રજિસ્ટર્ડ Citroen C3 કાર લઈને દાહોદ-મધ્યપ્રદેશ બોર્ડર અથવા મધ્યપ્રદેશના જાઓરા જતો હતો અને રોકડ રૂપિયા ચૂકવીને ડ્રગ્સની ડિલિવરી મેળવતો હતો.
અમદાવાદના ઓઢવ અને કઠવાડામાંથી કેમિકલની ખરીદી: ડ્રગ્સ બનાવવા માટે જરૂરી કેમિકલ્સ આરોપીએ ઓક્ટોબર 2024 દરમિયાન IndiaMART મારફતે અમદાવાદના ઓઢવ અને કઠવાડા વિસ્તારના સપ્લાયર્સ પાસેથી ખરીદ્યા હતા. જ્યારે લેબોરેટરી માટેના કાચના સાધનો (ગ્લાસવેર) ઓઢવ ખાતે આવેલી 'રૂહી' અથવા 'જુહી' નામની દુકાનમાંથી ખરીદ્યા હોવાની કબૂલાત કરી છે.
મિલકતો અને બેંક ખાતાની તપાસ: તપાસમાં આરોપીનું લબ્બેક પાર્ક ખાતે 2014માં ખરીદેલું મકાન, 1 એક્ટિવા સ્કૂટર તેમજ પત્નીના નામે કાર હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત આરોપીના ICICI બેંક અને SBIમાં ખાતા છે, જ્યારે તેની પત્નીનું ICICI બેંકમાં ખાતું છે. બેઝમેન્ટ લેબોરેટરી બનાવવા અને મિલકતો વસાવવા માટે રૂપિયા ક્યાંથી આવ્યા તેની તપાસ હાથ ધરાઈ છે.
📲Get App