🔥 TRENDING রাষ্ট্রীয় স্বয়ং সেবক এর বুক স্টল উদ্... રાજકોટ તન્વી ગોલ્ડ લૂંટ અને હત્યા કેસન... রাষ্ট্রীয় স্বয়ং সেবক এর বুক স্টল উদ্... Chhattisgarh LoP Mahant Sends Letter t... रतनपुरा गांव में आशुतोष कुमार के साथ द... Pilot Warns Punjab's Drug‑Gun Nexus Re...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમરેલીમાં કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ અને FWWB ના સંયુક્ત ઉપક્રમે એફ.પી.ઓ. માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો

અમરેલીમાં કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ અને FWWB ના સંયુક્ત ઉપક્રમે એફ.પી.ઓ. માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 17 Oct 2026, 10:10 AM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલીમાં કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ અને FWWB ના સંયુક્ત ઉપક્રમે એફ.પી.ઓ. માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો

અમરેલી તા. ૧૬ ઓક્ટોબર,૨૦૨૬
અમરેલી ખાતે આવેલી કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ અને FWWB સંસ્થાના સંયુક્ત ઉપક્રમે અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાના એફ.પી.ઓ. (Farmer Producer Organizations - FPO) માટે એક વિશેષ ઓરિએન્ટેશન પ્રોગ્રામનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ત્રણેય જિલ્લાના એફ.પી.ઓ. અને વિવિધ સંસ્થાઓમાંથી ૮૦થી વધુ ખેડૂત મિત્રો, સીઈઓ (CEO) તેમજ આમંત્રિત મહેમાનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિના પ્રસંગે આ જિલ્લાઓમાં ફંડિંગ અને ફાઈનાન્સિયલ સપોર્ટ પૂરો પાડતી સંસ્થા સુપ્રજા ફાઉન્ડેશનમાંથી ડો. કેદાર અને ડો. વેંકટેશ તગત, FWWB સંસ્થામાંથી શ્રી એસ. એસ. ભટ્ટ, FWWB અમરેલીના સ્ટાફ મેમ્બરો તેમજ કોલેજના મદદનીશ પ્રાધ્યાપક શ્રી ભૌમિક મકવાણા અને ડો. કે. વી. મસાલિયા સહિત કોલેજના શૈક્ષણિક સ્ટાફના મિત્રો હાજર રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન એફ.પી.ઓ. મજબૂતીકરણ અને બ્રાન્ડિંગ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો, જેમાં એફ.પી.ઓ.ને સંગઠનાત્મક રીતે વધુ મજબૂત (સ્ટ્રેન્થનિંગ) બનાવવા અને બજારમાં ટકી રહેવા માટેની આગવી વ્યુહરચનાઓ વિશે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન સંસ્થાના શ્રી દીક્ષિતભાઈ દ્વારા આપવામાં આવ્યું હતું.

મહેમાનોએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને માત્ર ઉત્પાદન પૂરતું સીમિત ન રહેતા, પોતાની ખેતીને એક 'બ્રાન્ડ' બનાવવા અને ઉત્પાદનોનું મૂલ્ય વર્ધન કરવા માટે આહ્વાન કર્યું હતું. તેમજ કાર્યક્રમ દરમિયાન સુપ્રજા ફાઉન્ડેશનના ડો. કેદાર અને ડો. વેંકટેશ તગતે ખાસ ઉલ્લેખ કરીને આ જિલ્લાઓમાંથી આવેલી બહેનોના કાર્યો તેમજ તેમની અદભુત માર્કેટિંગ સ્કીલની વિશેષ પ્રશંસા કરી હતી.

વિદ્યાર્થીઓની કામગીરી અને શૈક્ષણિક કાર્યોની પ્રશંસા કાર્યક્રમના ભાગરૂપે તમામ ઉપસ્થિતોએ કોલેજના સંશોધન ફાર્મની મુલાકાત લીધી હતી. કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા ડેમો-સ્ટેશન સ્ટોલ પર દેશી બિયારણ અંગેની કામગીરી અને પ્રાકૃતિક ખેતીના પ્રત્યક્ષ પરિણામો જોઈને મહેમાનો પ્રભાવિત થયા હતા. યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. સી. કે. ટીંબડિયાની પ્રેરણા અને આચાર્યશ્રીના કુશળ નેતૃત્વ હેઠળ ચાલી રહેલા કોલેજના શૈક્ષણિક અને સંશોધનના કાર્યોને મહાનુભાવોએ મુક્તકંઠે બિરદાવ્યા હતા અને વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વચન આપ્યા હતા.

ફાર્મ અને પ્રયોગશાળાની મુલાકાત તેમજ સંવાદ મહેમાનોએ કોલેજ ફાર્મ પર વાવેલા દેશી બાજરી, ડાંગર અને વિવિધ મિશ્રપાક પદ્ધતિઓ (જેમ કે ડાંગર, શણ, કેળ સાથે તુવેર અને હળદર)ના ડેમો પ્લોટ તેમજ બાયો ઈનપુટ પ્રયોગશાળાની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ ઉપરાંત, સુપ્રજા ફાઉન્ડેશન અને FWWBના મહેમાનોએ કોલેજના વિદ્યાર્થીઓ સાથે ખાસ સંવાદ સાધીને તેમના અનુભવો અને વિચારો જાણ્યા હતા, તેમજ ભવિષ્યમાં નેચરલ ફાર્મિંગના ક્ષેત્રમાં રહેલી વિપુલ તકો અને સ્કોપ વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કોલેજ પરિવારના શ્રી હરદીપ વાલિયા, શ્રી શૈલેષ બારડ અને શ્રી મોદી ભાસ્કર, શ્રી હિમાનીબેન ગજેરા તેમજ FWWB ટીમમાંથી શ્રી દીક્ષિતભાઈ, શ્રી રામ લાખનોત્રા, શ્રી અનિરુદ્ધભાઈ અને તેમની સહયોગી ટીમ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું તેમ અમરેલી કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
📲Get App