🔥 TRENDING Nagaland MLA Kikon says Sepaktakraw ca... Nagaland designer Robert Naorem presen... Draft Special Incremental Roll Release... Punjab High Court orders Chief Secreta... Youth Stabbed to Death Near Police Lin... AI‑fabricated RGHS officer dupes priva...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Business

ડુંગળીના ભાવ આસમાને: મહારાષ્ટ્રમાં પાકને નુકસાન થતાં સુરત APMCમાં આવક ઘટી, એક મહિનામાં મણે ₹400નો વધારો

✍️ Reporter: Dhaval Maheta 🗓 22 Sep 2026, 08:40 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહારાષ્ટ્રમાં વરસાદને કારણે ડુંગળીના પાકને નુકસાન થતાં બજારમાં સપ્લાય ખોરવાયો છે, જેના લીધે હોલસેલ અને રિટેલ માર્કેટમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે.

રસોડાની રાણી અને ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીએ સામાન્ય નાગરિકોની આંખમાં ફરી પાણી લાવી દીધાં છે. છેલ્લા ૧૫ દિવસથી ડુંગળીના ભાવમાં સતત ભડકો જોવા મળી રહ્યો છે, જેના કારણે ગૃહિણીઓનું માસિક બજેટ સંપૂર્ણપણે વેરવિખેર થઈ ગયું છે. મહારાષ્ટ્રમાં પાક લેવાના સમયે જ પડેલા વરસાદના કારણે ડુંગળીના ઉત્પાદન પર ગંભીર અસર પડી છે. સ્થાનિક બજારોમાં સપ્લાય ખોરવાતાં હોલસેલથી લઈને રિટેલ માર્કેટ સુધી ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા છે.

માર્કેટના આંકડા મુજબ, એક મહિના પહેલાં જ્યાં સારી ગુણવત્તાવાળી એક મણ (૨૦ કિલો) ડુંગળી ₹૫૦૦થી ₹૭૦૦ના ભાવે વેચાતી હતી, તે જ ડુંગળીનો ભાવ આજે વધીને ₹૮૦૦થી ₹૧૧૦૦ સુધી પહોંચી ગયો છે. આમ, એક જ મહિનામાં મણે સીધો ₹૪૦૦ સુધીનો તોતિંગ ઉછાળો નોંધાયો છે. હોલસેલ માર્કેટમાં ભાવ વધતાં તેની સીધી અસર છૂટક બજાર પર પડી રહી છે, જ્યાં ગ્રાહકોને ઊંચા ભાવ ચૂકવવાની ફરજ પડી રહી છે.

સમગ્ર ગુજરાતમાં ડુંગળીનો મોટો જથ્થો મહારાષ્ટ્રના નાસિક અને આસપાસના વિસ્તારોમાંથી સપ્લાય થાય છે. જોકે, ત્યાં થયેલા પાક નુકસાનની સીધી અસર સુરત એપીએમસી (APMC) માર્કેટ પર જોવા મળી રહી છે. સામાન્ય દિવસોમાં સુરત માર્કેટમાં રોજેરોજ મહારાષ્ટ્રથી ડુંગળી ભરેલી આશરે ૩૦ જેટલી ગાડીઓ આવતી હતી. તેની સામે હાલ માત્ર ૧૮થી ૨૦ ટ્રકની જ આવક થઈ રહી છે. માગની સરખામણીએ આવકમાં આશરે ૩૫ ટકા જેટલો ઘટાડો થતાં સ્થાનિક વેપારીઓ પણ ચિંતામાં મુકાયા છે.
📲Get App