🔥 TRENDING Karnataka Legislature Rejects ESA Draf... Pune Influencer Accused of Assaulting... Ukraine Announces Robot Army to Replac... UP Faces Renewed Calls to Split into F... Gurgaon PG Woman Found Dead; Family Bl... Butcher Arrested in Ibrahimpatnam Afte...
27 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરતમાં ગણેશોત્સવ દરમિયાન 119 રક્તદાન કેમ્પોનું આયોજન, 6065 બોટલ રક્ત એકત્ર

✍️ Reporter: Dhaval Maheta 🗓 27 Sep 2026, 10:38 AM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બાર દિવસીય ગણેશોત્સવ દરમિયાન સુરત શહેરમાં યુવક મંડળો દ્વારા 119 રક્તદાન કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 6065 બોટલ રક્ત એકત્ર થયું હતું. આ પહેલથી શહેરની બ્લડ બેંકોને મોટી રાહત મળી છે.

સુરતમાં ગણેશોત્સવના બાર દિવસ દરમિયાન ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે અનેકવિધ સેવાકીય કાર્યો પણ કરવામાં આવ્યા હતા. શહેરભરના યુવક મંડળોએ આ ઉત્સવ નિમિત્તે રક્તદાન કેમ્પોનું આયોજન કર્યું હતું. સુરતની 10 બ્લડ બેંકોના સહયોગથી યોજાયેલા કુલ 119 કેમ્પોમાં 6065 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.

આ રક્તદાન અભિયાનમાં લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર અગ્રેસર રહ્યું હતું, જેણે 30 કેમ્પ યોજીને 1485 બોટલ રક્ત એકત્ર કર્યું હતું. જ્યારે કતારગામ સ્થિત કિરણ બ્લડ બેંકે 24 કેમ્પનું આયોજન કરીને 1455 યુનિટ રક્ત મેળવ્યું હતું. હાલમાં બ્લડ બેંકોમાં રક્તની અછત જોવા મળી રહી છે, ત્યારે ગણપતિ ઉત્સવ દરમિયાન યોજાયેલા આ કેમ્પોથી લગભગ તમામ બ્લડ બેંકોને મોટી રાહત મળશે.

લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના પ્રમુખ હરિભાઈ કથીરિયાએ જણાવ્યું હતું કે, કોઈપણ પરિસ્થિતિમાં સુરતની જનતા સેવા કરવામાં હંમેશા અગ્રેસર રહી છે. ગણપતિ જેવા ધાર્મિક ઉત્સવમાં પણ 5 હજાર જેટલા લોકોએ રક્તદાન કરીને પોતાની સામાજિક જવાબદારી નિભાવી તે પ્રશંસનીય છે. જ્યારે પણ રક્તની અછત ઊભી થાય છે, ત્યારે શહેરની જનતા બ્લડ બેંકોમાં જઈને રક્ત પૂરું પાડે છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોથી લોકો જન્મદિવસ, સગાઈ, સીમંત, બેસણું, ઉત્તરક્રિયા, રાજુ સહિતના સુખદ અને દુઃખદ પ્રસંગોએ પણ રક્તદાન કેમ્પનું આયોજન કરે છે. આ પ્રકારની સામાજિક પહેલ બદલ સુરતની જનતા ખરેખર ધન્યવાદને પાત્ર છે.
📲Get App