🔥 TRENDING Amsterdam Shuts Down as 'Red Line' Pro... Fire Engulfs Nehru Market in Jammu, Da... India Celebrates Diwali with Fireworks... Microsoft Employees Protest AI‑Driven... Diwali Night Ritual Promises Goddess L... Arson Spree Rocks India From Delhi to...
09 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અંબાજી ભાદરવી મેળામાં રેકોર્ડબ્રેક ભીડ: એક દિવસમાં 11.42 લાખથી વધુ ભક્તોએ કર્યા દર્શન, ડ્રોન શોએ મનોરંજન પૂરું પાડ્યું
Religion

અંબાજી ભાદરવી મેળામાં રેકોર્ડબ્રેક ભીડ: એક દિવસમાં 11.42 લાખથી વધુ ભક્તોએ કર્યા દર્શન, ડ્રોન શોએ મનોરંજન પૂરું પાડ્યું

✍️ Reporter: Rajesh vanjara 🗓 24 Sep 2026, 09:30 AM 👁 80
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વિશ્વવિખ્યાત યાત્રાધામ અંબાજીમાં ચાલી રહેલા ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન 23 સપ્ટેમ્બરે એક જ દિવસમાં 11.42 લાખથી વધુ ભક્તોએ માતાજીના દર્શન કરી નવો રેકોર્ડ સર્જ્યો છે. મેળામાં આયોજિત ડ્રોન શોએ પણ ભક્તોમાં ભારે ઉત્સાહ જગાવ્યો હતો.

વિશ્વવિખ્યાત યાત્રાધામ અંબાજીમાં ચાલી રહેલા ભાદરવી પૂનમ મહામેળા-2026 દરમિયાન ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. મેળાના ચોથા દિવસે, એટલે કે 23 સપ્ટેમ્બરે, એક જ દિવસમાં 11,42,129 થી વધુ ભક્તોએ માતાજીના દર્શન કરી નવો રેકોર્ડ નોંધાવ્યો હતો. આ દિવસે અંબાજી મંદિર પરિસર, દર્શન પથ અને ચાચર ચોક ભક્તોની ભારે ભીડથી ઉભરાઈ ગયા હતા, અને ચારેય તરફ ‘જય માતાજી’ અને ‘જય અંબે’ના જયઘોષથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું.

મેળાના બીજા દિવસે ભક્તો માટે એક વિશેષ ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રિના આકાશમાં ડ્રોન દ્વારા માતાજી સહિત વિવિધ દેવી-દેવતાઓની આકૃતિઓ અને ધાર્મિક સંદેશાઓ રજૂ કરવામાં આવ્યા હતા. ‘જય માતાજી’, ‘જય અંબે’ જેવા શબ્દો તેમજ વિવિધ આકર્ષક આકૃતિઓ આકાશમાં સર્જાતા દર્શન પથ અને ચાચર ચોકમાં ઉપસ્થિત ભક્તોએ આ અદ્ભુત નજારો નિહાળ્યો હતો. રંગબેરંગી દૃશ્યોએ ભક્તોમાં ભારે ઉત્સાહ જગાવ્યો હતો.

મેળા દરમિયાન દર્શન કરવા આવેલા ભક્તોની સંખ્યામાં સતત વધારો જોવા મળ્યો હતો. 20 સપ્ટેમ્બરે 4,37,850, 21 સપ્ટેમ્બરે 4,25,627, 22 સપ્ટેમ્બરે 7,21,906 અને 23 સપ્ટેમ્બરે 11,42,129 ભક્તોએ દર્શન કર્યા હતા. ચોથા દિવસે ભક્તોની સંખ્યામાં થયેલો નોંધપાત્ર વધારો મેળાની લોકપ્રિયતા દર્શાવે છે.

ડ્રોન શો દરમિયાન મંદિરના ચેરમેન, એસપી, ડીઆઈજી સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આકાશમાં રજૂ થયેલા વિવિધ દૃશ્યો નિહાળ્યા હતા. અંબાજીમાં ચાલી રહેલા આ ભાદરવી પૂનમ મહામેળાના પગલે સમગ્ર વિસ્તારમાં ઉત્સવ અને ધાર્મિક માહોલ છવાયો છે, અને લાખોની સંખ્યામાં માઈભક્તો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.
📲Get App