🔥 TRENDING Meghalaya MP James Sangma to raise ang... होप के शतकीय पारी से वेस्टइंडीज ने हास... Meghalaya Cites Teacher Shortage and L... Meghalaya mid‑day meal cooks threaten... સાબરકાંઠા LCB દ્વારા ગુરુગ્રામથી અકસ્મ... मराठी चित्रपट इंडस्ट्री बचाव आंदोलन सा...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજુલાની એચ.બી. સંઘવી મહિલા કોલેજમાં ‘સાહિત્ય કુંજ’ની પાંચમી બેઠક યોજાઈ

રાજુલાની એચ.બી. સંઘવી મહિલા કોલેજમાં ‘સાહિત્ય કુંજ’ની પાંચમી બેઠક યોજાઈ

✍️ Reporter: Anil Vaghela 🗓 09 Oct 2026, 10:50 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
📚 રાજુલાની એચ.બી. સંઘવી મહિલા કોલેજમાં ‘સાહિત્ય કુંજ’ની પાંચમી બેઠક યોજાઈ

‘નારી સ્વયંસિદ્ધ, સ્વયં રક્ષિકા’ વિષય પર ગુજરાતી સાહિત્યસભામાં નારીશક્તિ અને ગુજરાતી ભાષાના વારસાની ઉજવણી

રાજુલા: રાજુલા એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન શ્રીમતી એચ.બી. સંઘવી મહિલા આર્ટ્સ તથા કોમર્સ કોલેજ, રાજુલા ખાતે વર્ષ 2025થી શરૂ કરાયેલી ગુજરાતી ભાષા-સાહિત્ય સંસ્થા ‘સાહિત્ય કુંજ’ની પાંચમી બેઠકનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ‘નારી સ્વયંસિદ્ધ, સ્વયં રક્ષિકા’ વિષયને કેન્દ્રમાં રાખીને ગુજરાતી સાહિત્યસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં કોલેજના કેમ્પસ ડાયરેક્ટર ડો. જીગ્નેશભાઈ વાજા, સેક્રેટરી બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, કેમ્પસ મેનેજર રવિભાઈ વ્યાસ, સાહિત્યરસિક જગદીશભાઈ રાવલ, સૌરભ સાહિત્ય સંસ્થાના કવિ શશીભાઈ રાજ્યગુરુ, હે માળવી સાહેબ, સાહિત્યકાર ડાયાભાઈ, ગઝલકાર નસીમબેન પઠાણ, કવયિત્રી આસ્થાબેન ટાંક, ટી.જે.બી.એસ. ગર્લ્સ હાઈસ્કૂલનાં આચાર્યા સીમાબેન બી. પંડ્યા, શિક્ષિકા નયનાબેન સોલંકી, નિવૃત્ત આચાર્યા દીનાબેન જાદવ તથા જાણીતા પત્રકાર યોગેશભાઈ કાનાબાર સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભાવસભર શૈલીમાં જગદંબા માતાજીની આરતી કરવામાં આવી હતી અને મહેમાનોનું સૂતરની આંટીથી પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું.

કોલેજના પ્રિન્સિપાલ ડો. રીટાબેન રાવળે મહેમાનોનું સ્વાગત-અભિવાદન કરી પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. તેમણે નારી અધિકાર અને નારી સ્વતંત્રતાના વિવિધ પાસાઓ સાથે ગુજરાતી ભાષા તથા સાહિત્યના સમૃદ્ધ વારસાની વાત કરી હતી. નારી સંવેદના અને આધુનિક નારીની સ્વતંત્રતાને રજૂ કરતી વિવિધ ગુજરાતી નાટ્યકૃતિઓનું મંચન કરવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત પ્રેક્ષકોએ ઉત્સાહપૂર્વક માણ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન ગુજરાતી સાહિત્યની મહિલા સર્જકોને યાદ કરવામાં આવ્યા હતા. તાજેતરમાં અવસાન પામેલ જાણીતા મહિલા લેખિકા ઇલાબેન આરબને શબ્દ શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમની સાહિત્યિક કૃતિઓ અને સર્જનાત્મક પ્રતિભાને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

કવિ હે માળવી સાહેબે વિદ્યાર્થીનીઓની કલાકૃતિને બિરદાવી તેમને ઉત્તરોત્તર પ્રગતિ માટે શુભેચ્છા પાઠવી હતી. જ્યારે કોલેજના સેક્રેટરી બાલકૃષ્ણભાઈ ત્રિવેદીએ ‘સંસ્કૃતા સ્ત્રી પરાશક્તિ’ વિષય અંતર્ગત વૈદિક નારીશક્તિનાં વિવિધ ઉદાહરણો રજૂ કરી નારીશક્તિને બિરદાવી હતી.

‘સાહિત્ય કુંજ’ના પ્રમુખ તથા ગુજરાતી ભાષાના વિષય નિષ્ણાત ડો. મિત્તલબેન કે. નાયીએ સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન અને સંચાલન કરી અંતે આભારવિધિ અદા કરી હતી. કાર્યક્રમના સફળ આયોજન માટે પ્રાધ્યાપક પરિવાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

કાર્યક્રમનું સંચાલન પ્રથમ વર્ષમાં ગુજરાતી વિષયનો અભ્યાસ કરતી મીરાબેન બોરીસાગર અને સ્નેહાબેન કાતરિયાએ આગવી શૈલીમાં કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. અંતે સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
📲Get App