🔥 TRENDING India Wins Toss, Chooses to Bowl in 4t... India opts to bowl first, include Isha... India opts to bowl after winning toss... Govinda, Komal Rani's Roopa promo pics... Rajat Bedi Tributes Aryan Khan: 'You W... Jaya Prada Shares Nostalgic Lav Kush P...
13 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતિની ઉજવણી અંર્ગત અમરેલી જિલ્લામાં "જનજાતિય ગૌરવ દિવસ"ની ભવ્ય ઉજવણી થશે

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 13 Nov 2026, 10:22 AM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતિની ઉજવણી અંર્ગત અમરેલી જિલ્લામાં "જનજાતિય ગૌરવ દિવસ"ની ભવ્ય ઉજવણી થશે

અમરેલી જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાજેશ કુમાર મૌર્યના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ

તા. ૧૫ નવેમ્બરના રોજ શાંતાબા મેડિકલ કોલેજના ઓડિટોરિયમ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે

આદિવાસી સમાજના ગૌરવવંતા ઇતિહાસ, સંસ્કૃતિ અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાનને નવી પેઢી સુધી પહોંચાડવામાં આવશે


અમરેલી, તા. ૧૨ નવેમ્બર
અમરેલી જિલ્લામાં આગામી તા. ૧૫ નવેમ્બરના રોજ યોજાનાર ‘જનજાતિય ગૌરવ દિવસ-૨૦૨૬’ની જિલ્લા કક્ષાની ઉજવણી વિશે માહિતી આપવાના હેતુથી અમરેલી જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજેશ કુમાર મૌર્યના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જનજાતિય ગૌરવ દિવસના ઐતિહાસિક મહત્ત્વ, આદિવાસી સમાજના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અમૂલ્ય યોગદાન તેમજ આદિજાતિ સમાજના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા અમલી વિવિધ યોજનાઓ અને વિકાસલક્ષી પહેલોની વિસ્તૃત જાણકારી આપી હતી.

ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે ૧૫ નવેમ્બરના રોજ જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારત સરકારે વર્ષ ૨૦૨૧માં આ દિવસને રાષ્ટ્રીય સ્તરે ઉજવવાની જાહેરાત કરી હતી. આ વર્ષે ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે. અમરેલી ખાતે શાંતા બા મેડિકલ કોલેજ ઓડિટોરીયમ ખાતે ૧૫મી નવેમ્બરે સવારે ૧૦.૩૦ કલાકથી કાર્યક્રમ યોજાશે.

આ પ્રસંગે પત્રકારોને સંબોધતા જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા "વનબંધુ કલ્યાણ યોજના" સહિતની વિવિધ યોજનાઓના માધ્યમથી આદિજાતિ વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય, આવાસ, રોજગારી, કૌશલ્ય વિકાસ અને માળખાકીય સુવિધાઓના ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે. જનજાતિય ગૌરવ દિવસના છોટાઉદેપુર સ્થિત રાજ્યકક્ષાના કાર્યક્રમ અંતર્ગત કુલ રૂ. ૧,૦૩૨ કરોડના વિકાસ પ્રકલ્પો અને યોજનાકીય લાભો ૨૭,૭૬૭ લાભાર્થીઓને આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લામાં જનજાતિય ગૌરવ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી તા. ૧૫ નવેમ્બર, ૨૦૨૬ના રોજ શાંતાબા મેડિકલ કોલેજના ઓડિટોરિયમ ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં અંદાજે ૧,૦૦૦થી વધુ લોકો ઉપસ્થિત રહેવાની સંભાવના છે. કાર્યક્રમ દરમિયાન ભગવાન બિરસા મુંડાજીને પુષ્પાંજલિ અર્પણ કરીને વિવિધ સરકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત, આદિવાસી સમાજના ઉત્કર્ષ અને વિકાસમાં વિશિષ્ટ પ્રદાન કરનાર વ્યક્તિઓનું સન્માન પણ કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં છોટાઉદેપુર ખાતે માનનીય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજાનાર રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે, જેથી અમરેલી જિલ્લાના નાગરિકો રાજ્યકક્ષાની ઉજવણી સાથે જોડાઈ શકશે.

પત્રકાર પરિષદના અંતે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જનજાતિય ગૌરવ દિવસને માત્ર ઉજવણી પૂરતો સીમિત ન રાખતાં આદિવાસી સમાજના શૌર્ય, બલિદાન, સંસ્કૃતિ, પરંપરા અને રાષ્ટ્રનિર્માણમાં તેમના યોગદાનને જન-જન સુધી પહોંચાડવાનો અવસર ગણાવ્યો હતો. આદિવાસી સમાજના ગૌરવવંતા ઇતિહાસને નવી પેઢી સુધી પહોંચાડવા તેમજ સરકારની વિવિધ યોજનાઓના લાભો અને લાભાર્થીઓની સફળતાની ગાથાઓને વ્યાપક જનસમુદાય સુધી પહોંચાડવા પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયાના માધ્યમથી વ્યાપક પ્રચાર-પ્રસાર કરવા તેમણે પત્રકાર મિત્રો અને મીડિયા પ્રતિનિધિઓને અનુરોધ કર્યો હતો.

આ પત્રકાર પરિષદમાં આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ શ્રી જયવીર ગઢવી, નિવાસી અધિક કલેક્ટર શ્રી એ.એ. ડોડિયા, ડી.આર.ડી.એના નિયામક શ્રી કે.જે. જાડેજા, પ્રાંત અધિકારી શ્રી અમરેલી જાડેજા, એ.ટી.ડી.ઓ શ્રી માલદેવસિંહ ગોહિલ, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારશ્રીઓ અને કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App