🔥 TRENDING સુરતમાં કપડા ઉદ્યોગપતિ રમસ્વરૂપ જી મું... સુરત મહાનગરપાલિકા દ્વારા 249 ખાલી જગ્ય... Allahabad HC Deems UP Civil Liberties... Allahabad Court Rejects Police's 'Thun... Chandigarh Police Releases 7‑Nov 2026... Nithiin Stuns with New Look in AR Youn...
08 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી જિલ્લામાં રવિ ઋતુમાં પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા ખેડૂતોને અનુરોધ

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 08 Nov 2026, 02:09 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી જિલ્લામાં રવિ ઋતુમાં પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા ખેડૂતોને અનુરોધ


અમરેલી, તા. ૦૭ નવેમ્બર
અમરેલી જિલ્લામાં રવિ ઋતુમાં સિંચાઈ માટે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો ખૂબ જરૂરી હોઈ, ખેડૂતોએ પાકની જરૂરિયાત, જમીનમાં રહેલો ભેજ અને પાણીની ઉપલબ્ધતા ધ્યાનમાં રાખીને જ પિયત આપવા જણાવાયું છે.

ખેડૂતોએ પિયત આપતાં પહેલાં ખેતરની જમીનમાં ભેજ તપાસવો જોઈએ અને પૂરતો ભેજ હોય તો પિયત આપવાનું ટાળવું જોઈએ. પાણી ઓછું હોય ત્યારે વારંવાર પિયત આપવાને બદલે પાકમાં કટોકટીની અવસ્થાએ જ પિયત આપવું હિતાવહ છે. પાણીની અછત હોય તો ઓછા પાણીમાં થઈ શકે તેવા પાકોનું વાવેતર કરવું જોઈએ. વધુમાં ટપક અને ફુવારા પદ્ધતિથી પિયત આપવાથી અંદાજે ૪૦થી ૫૦ ટકા પાણીની બચત થઈ શકે છે. પાણી ઓછું હોય ત્યારે ખેતરની એક ચાસ છોડીને બીજી ચાસમાં પિયત આપવાની પદ્ધતિ અપનાવવા પણ ભલામણ કરાઈ છે.

જમીનમાં ભેજ લાંબો સમય રહે તે માટે પાકના સૂકા અવશેષો પાથરવા અને બિનજરૂરી ખેડ કરવાનું ટાળવા ખેડૂતોને અનુરોધ કરાયો છે. જમીનમાં તિરાડો પડે તો હળવી આંતરખેડ કરીને તિરાડો પૂરી દેવી, જેથી જમીનનો ભેજ જળવાઈ રહે. રેતાળ અને હલકી જમીનમાં પાણી ઝડપથી ઊતરી જતું હોવાથી થોડું-થોડું પાણી જરૂરિયાત મુજબ આપવું, જ્યારે કાળી અને ભારે જમીનમાં પાણી લાંબો સમય રહેતું હોવાથી પિયત આપવાની ઉતાવળ ન કરવી. આ સાથે પાણી દરેક જગ્યાએ સરખું પહોંચે તે માટે ખેતર સમતળ રાખવું જરૂરી છે.

ખેડૂતોએ કૂવા, બોરવેલ અને નહેરમાં ઉપલબ્ધ પાણીના જથ્થાને ધ્યાનમાં રાખીને જ પિયતનું આયોજન કરવું જોઈએ. ખેતરની પાણીની નાળીઓ અને પાઈપમાં લીકેજ હોય તો તાત્કાલિક બંધ કરાવી, શક્ય હોય ત્યાં ભૂગર્ભ પાઇપલાઇનથી પાણી ખેતર સુધી પહોંચાડી પાણીનો બગાડ અટકાવવા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
📲Get App