🔥 TRENDING Orijinal Nets Rs 58 Lakh Worldwide on... Premada Oorali Continues Strong Box Of... Massive Arms Haul Found in Manipur Security Forces Seize Arms, Ammunition... Manipur: 17 Arrested for Impersonating... Meghalaya Athletes Sawakani Lakiang an...
27 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી જિલ્લામાં દિવાળી તહેવારો દરમિયાન ફટાકડા વેચાણ અને ફટાકડા ફોડવા અંગે પ્રતિબંધાત્મક માર્ગદર્શિકા, સૂચનાઓ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 27 Oct 2026, 09:42 AM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી જિલ્લામાં દિવાળી તહેવારો દરમિયાન ફટાકડા વેચાણ અને ફટાકડા ફોડવા અંગે પ્રતિબંધાત્મક માર્ગદર્શિકા, સૂચનાઓ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું


અમરેલી તા. ૨૬ ઓક્ટોબર
દિવાળીના તહેવાર અને અન્ય તહેવારો દરમિયાન ફોડવામાં આવતા ફટાકડાંના કારણે આગ કે અકસ્માતના બનાવો ન બને તે માટે સૂચનાઓ, માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ ૧૬૩ અન્વયે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા ગ્રીન તથા માન્યતા પ્રાપ્ત ફટાકડા કે જે ઓછા એમિશન ઉત્પન્ન કરે છે તેના ઉત્પાદન અને વેચાણની પરવાનગી આપવામાં આવેલ છે, આ સિવાયના તમામ પ્રકારના ફટાકડાના ઉત્પાદન અને વેચાણ પર નામ.સુપ્રિમકોર્ટ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવેલ છે. ભારે ઘોંઘાટવાળા ફટાકડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોવાથી તથા વધુ પ્રમાણમાં હવાનું પ્રદૂષણ અને ઘન કચરો પેદા કરતા બાંધેલા ફટાકડા (Joint firecrackers, Series crackers or Laris) પર નામ.સુપ્રિમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવેલ છે. ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સધારક વેપારીઓ દ્વારા જ કરવાનું રહેશે. આ વેપારીઓએ સુપ્રીમ કોર્ટના તા.૨૩/૧૦/૨૦૧૮ ના આદેશ મુજબ માન્ય રાખવામાં આવેલ ફટાકડાઓનું જ વેચાણ કરવાનું રહેશે તેમજ વિદેશી ફટાકડાની આયાત પ્રતિબંધિત થયેલ હોય જેથી કોઈપણ પ્રકારના વિદેશી ફટાકડાની આયાત તથા વેચાણ પર પ્રતિબંધ મુકેલ છે. તમામ ઇ-કોમર્સ વેબસાઇટોને ઓનલાઇન તમામ પ્રકારના ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મુકેલ છે.

ફટાકડા બનાવવા માટે બેરીયમનાં ઉપયોગ પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મુકેલ છે. દિવાળી તથા અન્ય તહેવારો કે જેમાં ફટાકડા ફોડવામાં આવે છે તેમાં ફટાકડા રાત્રિના ૨૦:૦૦ થી ૨૨:૦૦ કલાક સુધી તેમજ નૂતન વર્ષનાં તહેવાર દરમિયાન રાત્રીના ૨૩:૫૫ થી ૦૦:૩૦ કલાક સુધી જ ફોડી શકાશે. હાનિકારક ધ્વનિ પ્રદૂષણ રોકવા માટે માત્ર PESO સંસ્થા દ્વારા અધિકૃત બનાવટવાળા અને માન્ય ધ્વનિ સ્તર (ડેસીબલ લેવલ)વાળા જ ફટાકડા વેચી/વાપરી શકાશે. PESO સંસ્થા દ્વારા એવા અધિકૃત/માન્ય ફટાકડાના દરેક બોક્સ પર "PESO" ની સૂચના પ્રમાણેનું માર્કિંગ હોવું જોઈએ. હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારને સાયલેન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યાં કોઈપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહિ. કોઈપણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહિ, રાખી શકાશે નહિ કે વેચાણ કરી શકાશે નહિ. લોકોને અગવડ ઉભી ન થાય અને કોઈ પણ ભયજનક પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે અમરેલી જિલ્લાના તમામ વિસ્તારોના બજારો, શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ, પેટ્રોલ પંપ, એલ.પી.જી. બોટલીંગ પ્લાન્ટ, એલ.પી.જી.ગેસના સ્ટોરેજ અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોને સંગ્રહ કરેલા ગોદામો તથા હવાઈ મથકની નજીક ફટાકડા દારૂખાનું ફોડી શકાશે નહિ. કોઈપણ પ્રકારના સ્કાય લેન્ટર્ન (ચાઈનીઝ તુક્કલ/આતિશબાજી બલુન)નું ઉત્પાદન તથા વેચાણ કરી શકાશે નહિ તેમજ કોઈપણ સ્થળે ઉડાડી શકાશે નહિ.

National Green Tribunal ના તા.૦૯/૧૧/૨૦૨૦ ના હુકમ મુજબ પ્રદૂષણનું પ્રમાણ વધે નહિ તે માટે સાવચેતીનાં પગલા લેવા તથા માત્ર Green Crakers તથા ઓછા એમિશન કરે તેવા ફટાકડાનું ઉત્પાદન તથા વેચાણ કરવાનું રહેશે. નામ. ગુજરાત હાઇકોર્ટ સમક્ષની રીટ પીટીશન (PIL) નં. ૨૫૩/૨૦૧૬ કેસમાં થયેલ નામદાર કોર્ટનાં તા. ૧૩/૦૧/૨૦૧૭ ના આદેશ અનુસાર ચાઈનીઝ તુક્કલ/લેન્ટર્ન જેવા પ્રતિબંધિત સાધનસામગ્રીના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ પર પ્રતિબંધ રહેશે.

આ જાહેરનામું આગામી તા. ૨૫.૧૧.૨૦૨૬ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ તથા 'EXPLOSIVE ACT, ૧૮૮૪' ની જોગવાઈઓ તેમજ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ જોગવાઈઓ હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તથા તે હેઠળ સજાને પાત્ર થશે. આ હુકમનો ભંગ કરનાર ઇસમો સામે ફરીયાદ માંડવા માટે ફરજ પરના કોઈપણ હેડ કોન્સટેબલ તથા તેનાથી ઉપરના અમરેલી જિલ્લાના પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવે છે.
📲Get App