🔥 TRENDING लखनपुर ग्राम पंचायत में पुलिया निर्माण... Goyal Advocates Stronger India‑US Econ... Violence and Arrests Follow French Sch... ગોંડલ-ગુંદાળા રોડ પર ઓટો રિક્ષાને અકસ્... Opposition Holds 25-Year Record, Faces... India’s Hard State Under Gandhian Cove...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

માંડવીના બૌધાનમાં કરોડોનો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નિષ્ફળ: તાપી નદીમાં ગંદુ પાણી ઠલવાતા પ્રદૂષણ

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 03 Oct 2026, 07:40 AM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

માંડવી તાલુકાના બૌધાન ગામમાં તાપી નદી શુદ્ધિકરણ માટે કરોડો રૂપિયાના ખર્ચે બનેલો ભૂગર્ભ ગટર અને સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અધિકારીઓના અણઘડ આયોજનના કારણે ધૂળ ખાઈ રહ્યો છે. ઘરદીઠ જોડાણ માટે નાગરિકો પર નાખવામાં આવેલો આર્થિક બોજ યોજનાને ફિયાસ્કો બનાવી રહ્યો છે.

માંડવીના બૌધાન ગામમાં તાપી નદીના શુદ્ધિકરણના ઉમદા હેતુ હેઠળ કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલો ભૂગર્ભ ગટર અને સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) અધિકારીઓના અણઘડ આયોજનના કારણે નિષ્ફળ ગયો છે. સરકારી રેકર્ડ મુજબ, વર્ષ 2021-22 માં આશરે ₹9.50 કરોડથી વધુના જંગી ખર્ચે 1.3 MLD ક્ષમતાનો STP પ્લાન્ટ અને 13 કિલોમીટરથી વધુ લાંબી ડ્રેનેજ લાઇન નાખવામાં આવી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગામના ગંદા પાણીને નદીમાં ભળતું અટકાવવાનો હતો.

જોકે, યોજનાના ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) માં ઘર-ઘર સુધી પાઇપલાઇન જોડવાની કોઈ આર્થિક જોગવાઈ જ કરવામાં આવી ન હતી. ગામમાં 1,700 થી વધુ મિલકતો પૈકી 1,500 ઘરોને પાઇપલાઇન સાથે જોડવાનો લક્ષ્યાંક હતો. પરંતુ, ઘરદીઠ જોડાણ માટે ₹7,000 થી ₹8,500 નો બોજ ગરીબ પરિવારો પર નાખવામાં આવતાં મોટાભાગના પરિવારો આ જોડાણ કરાવી શક્યા નથી. પરિણામે, અત્યાર સુધીમાં માત્ર 150 ઘરો જ લાઇન સાથે જોડાઈ શક્યા છે. જે પરિવારોની ઘર નજીક લાઇન ચેમ્બર હતી, તેમણે પોતાના ખર્ચે જોડાણ કર્યું છે. ગ્રામપંચાયતના રેકર્ડ પર એકપણ જોડાણ નોંધાયેલું નથી, તેમ તલાટીએ જણાવ્યું હતું.

આયોજનના અભાવે STP પ્લાન્ટ સુધી પૂરતો સુએઝ ફ્લો પહોંચતો નથી, જેના કારણે પ્લાન્ટ શોભાના ગાંઠિયા સમાન બની ગયો છે. અંદાજે 1,300 જેટલા પરિવારોના ઘરનું ગંદુ પાણી હજુ પણ ખુલ્લી ગટરો વાટે સીધું તાપી નદીમાં ઠલવાઈ રહ્યું છે. આ સ્થિતિ માત્ર બૌધાન ગામ પૂરતી સીમિત નથી, પરંતુ તાપી નદી કિનારાના અન્ય 6 ગામોમાં પણ આવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે, જે તાપી નદીના પ્રદૂષણમાં વધારો કરી રહ્યું છે.
📲Get App