Local
પ્લાસ્ટીક મુક્ત અભિયાન
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ અને રાષ્ટ્રીય સેવા યોજના (NSS) વિભાગના સંયુક્ત ઉપક્રમે જગતજનની મા અંબાજીના ભાદરવી પૂનમના પવિત્ર મહામેળાને પર્યાવરણલક્ષી અને "પ્લાસ્ટિક મુક્ત મેળો" બનાવવાના ઉમદા હેતુથી એક વિશેષ જાગૃતિ અભિયાન યોજાયું હતું. આ સરાહનીય અભિયાન અંતર્ગત શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત અંબાજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના કોમર્સ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. ભાવિક કે. પટેલે મેળાના માર્ગો પર શ્રદ્ધાળુઓ અને પદયાત્રીઓની સેવામાં કાર્યરત વિવિધ પ્લાસ્ટિક મુક્ત સેવા કેમ્પોની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે પર્યાવરણની જાળવણી, સ્વચ્છતા અને પ્લાસ્ટિકના વપરાશને અટકાવવા માટે સેવા કેમ્પો દ્વારા કરવામાં આવેલી પ્રશંસનીય કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ, ઉત્કૃષ્ટ પર્યાવરણીય સેવાઓ પૂરી પાડવા બદલ તમામ કેમ્પના સંચાલકો તથા આયોજકોનું યુનિવર્સિટી દ્વારા ખાસ પ્રદાન કરવામાં આવેલા બહુમાન ખેસ પહેરાવી તેમજ સત્તાવાર સર્ટિફિકેટ (પ્રમાણપત્ર) અર્પણ કરીને ગૌરવપૂર્ણ સન્માન બહુમાન કરવામાં આવ્યું હતું.