🔥 TRENDING Himachal Pradesh University Teachers C... Uttarakhand Sees 798 Tonne Waste Colle... Snowfall Hits Kinnaur and Rohtang Pass... Uttarakhand NEET Admissions Scrutinize... Delhi Minister Slaps Bail‑Granted Man... Supreme Court Takes Sui‑Motu Action on...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી નગરપાલિકા ખાતે સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયાના અધ્યક્ષસ્થાને ૧૨મા તબક્કાનો ‘શહેરી’ સેવાસેતુ કાર્યક્રમ

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 24 Sep 2026, 08:56 AM 👁 34
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી નગરપાલિકા ખાતે સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયાના અધ્યક્ષસ્થાને ૧૨મા તબક્કાનો ‘શહેરી’ સેવાસેતુ કાર્યક્રમ

વિવિધ સરકારી સેવાઓનો લાભ લેતા ૫૦૦થી વધુ શહેરીજનો-લાભાર્થીઓ

૧૩ વિભાગોની ૫૫ પ્રકારની સેવાઓ હેઠળ વિવિધ અરજીઓનો સ્થળ પર નિકાલ-લાભાર્થીઓને સરકારી સહાયના હુકમો એનાયત કરાયા


અમરેલી તા. ૨૩ સપ્ટેમ્બર
અમરેલી નગરપાલિકા કચેરી ખાતે આજરોજ ‘શહેરી’ વિસ્તાર માટેના ૧૨મા તબક્કાના ‘સેવાસેતુ કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું હતું. સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ લોકાભિમુખ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સરકારના જુદા-જુદા ૧૩ વિભાગોની ૫૫ પ્રકારની સેવાઓ હેઠળની અરજીઓનો સ્થળ પર જ પારદર્શી નિકાલ કરવાનો હતો.

આ તકે અમરેલી શહેરના નગરજનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, નિરાધાર વૃદ્ધ સહાય યોજના તેમજ પી.એમ. સ્વનિધિ યોજના હેઠળના પાત્રતા ધરાવતા લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે સ્થળ પર જ મંજૂરી હુકમો એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત નગરજનોને આવકના પ્રમાણપત્ર, રેશનકાર્ડને લગતી કામગીરી, જન્મ-મરણના દાખલા તેમજ આધારકાર્ડ જેવી પાયાની સેવાઓનો લાભ પહોંચાડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ૫૦૦થી વધુ લાભાર્થીઓએ સરકારી યોજનાઓની વિસ્તૃત સમજ મેળવી પ્રત્યક્ષ લાભ પ્રાપ્ત કર્યો હતો.

આ કાર્યક્રમમાં અમરેલી નગરપાલિકા પ્રમુખ શ્રી વૈશાલીબેન માંગરોળીયા, ઉપપ્રમુખ શ્રી વિરલભાઈ પોપટ, નગરપાલિકા સભ્યશ્રીઓ, જિલ્લા હોદ્દેદાર શ્રી અતુલભાઈ કાનાણી, શ્રી મયુરભાઈ માંજરીયા, શ્રી રાજુભાઈ ભુતૈયા અને શ્રી વિજયભાઈ ચોટલીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાંત અધિકારી શ્રી જાડેજા, મામલતદાર શ્રી દવે, અમરેલી ચીફ ઓફિસર શ્રી વિનોદ રાઠોડ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓએ ઉપસ્થિત રહીને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તેમ નગરપાલિકા ચીફ ઓફીસરશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
📲Get App