🔥 TRENDING खानपुर पुलिस ने देशी कट्टा और कारतूस क... स्वदेशी वस्तुओं के उपयोग से आत्मनिर्भर... Taylor Swift Wins Top Honors at VMAs 2... Actor Adam Brody Calls for ‘Free Pales... Taylor Swift Wins Video of the Year at... वेस्टइंडीज के खिलाफ शतक जड़ने वाले दो...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વાગરા: ખાડા, ગંદકી અને લીકેજથી ત્રસ્ત મહીના પાર્ક, સોસાયટીમાં નર્ક સમાન હાલત! હવે પંચાયત કચેરી ઘેરવાની સ્થાનિકોની ચેતવણી!

વાગરા: ખાડા, ગંદકી અને લીકેજથી ત્રસ્ત મહીના પાર્ક, સોસાયટીમાં નર્ક સમાન હાલત! હવે પંચાયત કચેરી ઘેરવાની સ્થાનિકોની ચેતવણી!

✍️ Reporter: Azruudin Mustak Patel 🗓 08 Sep 2026, 11:40 PM 👁 44
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વાગરા: ખાડા, ગંદકી અને લીકેજથી ત્રસ્ત મહીના પાર્ક, સોસાયટીમાં નર્ક સમાન હાલત! હવે પંચાયત કચેરી ઘેરવાની સ્થાનિકોની ચેતવણી!

વર્ષોથી પાયાની સુવિધાઓનો અભાવ, ચોમાસામાં રસ્તાઓ પર ગંદા પાણીના તળાવો, પાણીની લાઈનમાં લીકેજ અને ખાડાઓથી અકસ્માતનો ભય! વાગરા તાલુકાના લાહેરી ગોડાઉન વિસ્તારમાં આવેલી મહીના પાર્ક સોસાયટીમાં પાયાની સુવિધાઓના અભાવે સ્થાનિકોની હાલત કફોડી બની હોવાના આક્ષેપો સાથે હવે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
વિકાસના મોટા-મોટા દાવાઓ વચ્ચે સોસાયટીના રહીશો આજે પણ રોડ, ગટર, ડ્રેનેજ અને પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધાઓ માટે વલખાં મારી રહ્યા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. વર્ષોથી સમસ્યાઓ યથાવત હોવા છતાં વારંવાર રજૂઆતો બાદ પણ કોઈ કાયમી ઉકેલ ન આવતાં લોકોનો ધીરજનો બાંધ હવે તૂટ્યો હોવાનું સામે આવ્યું છે.
હાલ ચોમાસાની ઋતુમાં મહીના પાર્કની સ્થિતિ વધુ વિકટ બની છે. વરસાદ પડતાં સોસાયટીના રસ્તાઓ પર વરસાદી પાણી સાથે ગંદુ પાણી ભરાઈ જતું હોવાથી રહીશોને ઘૂંટણસમા ગંદા પાણીમાંથી પસાર થવાની ફરજ પડે છે. યોગ્ય ગટર અને ડ્રેનેજ વ્યવસ્થા ન હોવાના કારણે પાણીનો નિકાલ થતો નથી અને લાંબા સમય સુધી રસ્તાઓ પર પાણી ભરાયેલું રહે છે. પરિણામે દુર્ગંધ, ગંદકી અને મચ્છરજન્ય રોગચાળાનો ભય પણ સ્થાનિકોમાં ફેલાયો છે.

લીકેજવાળી પાણીની લાઈનથી રસ્તાઓની હાલત વધુ બિસ્માર, રજૂઆતો બાદ પણ માત્ર આશ્વાસન? પંચાયત સામે સવાલો!
સ્થાનિકોના જણાવ્યા મુજબ સોસાયટીમાં પાણીની લાઈનમાં પણ લીકેજની સમસ્યા છે. એક તરફ પાણીનો બગાડ થઈ રહ્યો છે તો બીજી તરફ લીકેજના કારણે રસ્તાઓ સતત ભીના રહેતાં તેમની હાલત વધુ ખરાબ બની રહી છે. આખા વિસ્તારમાં ઊંડા ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળે છે. આ ખાડાઓના કારણે વાહનચાલકો માટે અકસ્માતનો ખતરો સતત મંડરાઈ રહ્યો છે અને અનેક વખત બાઈક ચાલકો પટકાયા હોવાનો પણ સ્થાનિકોનો દાવો છે.
સ્થાનિકોનો સીધો સવાલ છે કે વર્ષોથી ટેક્સ અને વેરો વસૂલતી પંચાયત સોસાયટીમાં પાયાની સુવિધાઓ આપવામાં કેમ નિષ્ફળ રહી છે? રહીશો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી માત્ર આશ્વાસનો જ મળ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
લોકો હવે સવાલ કરી રહ્યા છે કે સમસ્યાઓના કાયમી ઉકેલ માટે જવાબદાર તંત્ર ક્યારે જાગશે?

જિલ્લા પંચાયતના સભ્ય સામે પણ સ્થાનિકોનો છૂપો રોષ!

આ સમગ્ર મામલે સ્થાનિકોએ વાગરા જિલ્લા પંચાયતની 31-વાગરા બેઠકના BJP મહિલા સભ્ય શાહીનબાનું મુસ્તાક રાજ તરફ પણ આશાની નજર કરી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, સભ્યનું નિવાસસ્થાન પણ આ વિસ્તારથી થોડે જ અંતરે હોવાનું કહેવાય છે. તેમ છતાં સોસાયટીની સમસ્યાઓ અંગે અસરકારક હસ્તક્ષેપ કે સ્થળ મુલાકાત કેમ કરવામાં આવતી નથી તેવો સવાલ સ્થાનિકો ઉઠાવી રહ્યા છે.

સ્થાનિકોમાં એવો પણ રોષ છે કે ચૂંટણી સમયે પ્રજાની વચ્ચે પહોંચતા જનપ્રતિનિધિઓ ચૂંટણી બાદ પ્રજાની વેદના સાંભળવા અને સ્થળ પરની વાસ્તવિક પરિસ્થિતિ જોવા કેમ આવતા નથી? જોકે આ અંગે સંબંધિત જનપ્રતિનિધિ અથવા પંચાયત તંત્રનો પક્ષ હજુ સામે આવ્યો નથી.

જવાબદારી માત્ર પંચાયતની જ નહીં, જનપ્રતિનિધિઓની પણ! હવે વચનો નહીં, કામ જોઈએ!
માળખાકીય સુવિધાઓ પૂરી પાડવાની જવાબદારી માત્ર ગ્રામ પંચાયત પૂરતી સીમિત નથી. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યો તેમજ વિસ્તારના ધારાસભ્ય સહિત તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ પ્રજાની સમસ્યાઓ અંગે સંકલન કરીને ઉકેલ લાવવો જોઈએ. સ્થાનિકોનો સવાલ છે કે જો વર્ષોથી લોકો આટલી ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોય તો જવાબદાર જનપ્રતિનિધિઓ સ્થળ પર આવી પરિસ્થિતિનું નિરીક્ષણ કેમ કરતા નથી?
સ્થાનિકોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે મહીના પાર્કમાં તાત્કાલિક રોડનું કામ શરૂ કરવામાં આવે, ગટર અને ડ્રેનેજની યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવે તથા લીકેજવાળી પાણીની લાઈનનું યુદ્ધના ધોરણે સમારકામ કરવામાં આવે. ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે યોગ્ય વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની પણ માંગ ઉઠી છે.

સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં કામગીરી શરૂ નહીં થાય તો વાગરા ગ્રામ પંચાયત કચેરીનો ઘેરાવ કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. હવે માત્ર આશ્વાસનથી નહીં, પરંતુ સ્થળ પર વાસ્તવિક કામગીરી કરીને સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ સાથે સ્થાનિકો આંદોલનનું રણશિંગું ફૂંકવાની તૈયારીમાં હોવાના જણાવી રહ્યા છે. મહીના પાર્કના રહીશોનો એક જ સવાલ છે. વર્ષોથી ચાલતી આ સમસ્યાનો અંત આખરે ક્યારે આવશે?
📲Get App