🔥 TRENDING સુરતના ખટોદરા વિસ્તારમાં ફેક્ટરીમાં ફસ... LPU Students End 15-Hour NH-44 Blockad... Fire Ravages Tata Showroom in Hyderpor... Consumer Court Orders Insurer to Pay ₹... ધોરાજી ડેપોના સિનિયર આગેવાન અશોકસિંહ વ... Soori’s ‘Mandaadi’ records 29.6% jump...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મુખ્મંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ એ સ્વતંત્ર દિન ની પુર્વ સંધ્યાએ ગુજરાત ને સંબોધન

મુખ્મંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ એ સ્વતંત્ર દિન ની પુર્વ સંધ્યાએ ગુજરાત ને સંબોધન

✍️ Reporter: Mukeshkumar Makwana 🗓 14 Aug 2026, 10:02 PM 👁 38
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશના 80માં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્યના નાગરિકોને શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે. મુખ્યમંત્રીએ આઝાદીના શતાબ્દી વર્ષ તરફ આગળ વધી રહેલા ભારતમાં આજે 'રાષ્ટ્રહિત પ્રથમ'નો મંત્ર સહિત અનેક વિષયો પર વાત કરી છે. આવો જાણીએ શું મુખ્યમંત્રીએ પ્રજાને શું શુભેચ્છા પાઠવી છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આઝાદીના આઠ દાયકા આ વર્ષે ગૌરવભેર પૂરા કરીને શતાબ્દી વર્ષ તરફ આપણે આગળ વધી રહ્યાં છીએ.
દેશને આવી મહામૂલી સ્વતંત્રતા અપાવનારા આઝાદીના લડવૈયાઓ, દેશ માટે વીરગતિ વ્હોરનારા નામી-અનામી અનેક સ્વાતંત્ર્ય વીરોને વંદન કરું છું. એમણે આપેલી એ વિરાસતના સન્માન અને દેશના સ્વાભિમાન સાથે દુનિયાના દેશો સમક્ષ એક વિશિષ્ટ છબી ભારતે મૂકી છે. આઝાદી માટે ખપી જનારા વીરોનો મંત્ર હતો દેશ માટે મરી ફિટવાનો, રાષ્ટ્રકાજે સમર્પિત રહેવાનો. આજે જન-જનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને પ્રેરણાથી દેશ માટે જીવી જાણવાનો અને રાષ્ટ્રહિત પ્રથમનો મંત્ર ગુંજે છે.

દેશની વિરાસતોનું ગૌરવ કરવાના અનેક અવસરો પણ PM મોદીએ આપણને આપ્યા છે. સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષની ઉજવણીથી આપણે સનાતન સંસ્કૃતિની વિરાસતને ગૌરવમય બનાવી છે. વિરાસતોના ગૌરવ સાથે વિકાસની નીત નવી ઊંચાઈઓ આપણે વડાપ્રધાનની વિઝનરી લીડરશીપમાં 'વિરાસત ભી વિકાસ ભી' થી પાર કરી છે. તેમણે વિકસિત ભારત 2047ના નિર્માણનો જે સંકલ્પ કર્યો છે તેમાં ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિને મુખ્ય આધાર ગણાવ્યાં છે. આપણે પણ ગુજરાતમાં આ ચાર પિલ્લરના સશક્તિકરણ માટે અનેક આયામો પાર પાડ્યા છે. ગરીબો, વંચિતો અને જરૂરતમંદ લોકોને કલ્યાણ યોજનાઓના કેન્દ્રમાં રાખીને સેચ્યુરેશન એપ્રોચથી સો ટકા લોકો સુધી યોજનાઓના લાભ પહોંચાડી રહ્યાં છીએ.

યુવા શક્તિના કૌશલ્યથી સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમને વધુ મજબૂત બનાવવા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલીસી પણ અમલી બનાવી છે. ડેટા, AI ઇનોવેશન અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને પ્રોત્સાહન આપવા પાંચ વર્ષ માટે ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલીસી અમલી બનાવી છે. હવે આપણા યુવાનો જોબ સિકરમાંથી જોબ ગિવર બની રહ્યા છે. આવી હોનહાર યુવાશક્તિના ઉજ્જવળ ભવિષ્યને સુરક્ષિત રાખવાનો વડાપ્રધાને મક્કમ નિર્ધાર કર્યો છે. યુવાઓના ભવિષ્ય સાથે ચેડાં કરનારાઓને નશ્યત કરવા જાહેર પરીક્ષા સુધારા વિધેયક તાજેતરમાં સંસદે પારિત કર્યું છે. ટેક્નોલોજીનો પારદર્શી ઉપયોગ સુનિશ્ચિત કર્યો છે.

અન્નદાતા-ખેડૂતના હિતોને પણ અગ્રતા આપી છે. ટેકાના ભાવે ખરીદી, કિસાન સન્માન નિધિ, દિવસે વીજળી અને સિંચાઈ માટે પૂરતું પાણી એમ બીજથી બજાર સુધી દરેક કદમ પર સરકાર અન્નદાતાની પડખે છે. એટલું જ નહીં, કુદરતી આફતો સામે ઉદાર સહાય પેકેજ આપીને સરકાર ખેડૂતોની હામી બની છે. સમાજનો 50 ટકા હિસ્સો ધરાવતી નારી શક્તિના સ્વાવલંબન માટે પણ સરકારે નક્કર આયોજનો કર્યા છે. રોજગારીના સર્જનમાં નારીશક્તિની ભાગીદારી 42 ટકા છે, તે 2047 સુધીમાં 75 ટકા સુધી લઈ જવાની નેમ છે. પાંચ લાખથી વધુ બહેનો લખપતિ દીદી બનીને પરિવારને આર્થિક આધાર પૂરો પાડે છે. ઉદ્યોગ ક્ષેત્રે શી-સ્ટાર્ટઅપ અને સહકારી ક્ષેત્રે મહિલા મંડળીઓને પણ પ્રોત્સાહનો પૂરા પાડ્યાં છે.
આવનારા સમયમાં વિકાસ અને અર્થતંત્રની પ્રગતિમાં ટેક્નોલોજી મુખ્ય પરિબળ બનવાની છે એ વાત નિશ્ચિત છે. ટેકનોલોજીના અને ઇમર્જીંગ સેક્ટર્સમાં ગુજરાત મહત્વના પ્લેયર તરીકે ઉભરી આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી ગુજરાતમાં ત્રણ સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થયાં છે. આના પરિણામે નવા MSMEs અને નવા ઉદ્યોગો માટે આત્મનિર્ભરતાની તકો ઉભી થઈ છે. વડાપ્રધાને સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસથી વિકાસની આગવી દિશા આપી છે. ગામડું હોય કે નગર, દરેક વ્યક્તિ અને સમાજને વિકાસની મુખ્ય ધારામાં લાવવાનો સેવાયજ્ઞ તેમણે આદર્યો છે. ગુજરાતમાં એ જ માર્ગે ચાલીને વોકલ ફોર લોકલથી ગ્રામીણ ઉદ્યોગો, હસ્ત કલા, વિરાસતોને ગ્લોબલ પ્લેટફોર્મ આપ્યું છે.

વાયબ્રન્ટ સમિટની સફળતાને પગલે વિશ્વના દેશોના ઉદ્યોગ-રોકાણકારો ગુજરાત આવ્યા છે. હવે, લોકલ એસ્પીરેશન, ગ્લોબલ એમ્બીશનના ધ્યેય સાથે આપણી પ્રાદેશિક ક્ષમતાઓને વિશ્વ સમક્ષ મૂકી છે. એ માટે ચાર વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સફળતાપૂર્વક પાર પાડી છે અને સ્થાનિક ઉત્પાદનોને વૈશ્વિક બજાર મળ્યું છે. ફ્યુચર રેડી અને આવનારા ભવિષ્યને અનુરૂપ ઉદ્યોગો માટે ગુજરાત ગ્લોબલ ડેસ્ટિનેશન બન્યું છે. પોલિસી ડ્રિવન સ્ટેટ અને પ્રો-એક્ટીવ ગવર્નન્સની ગુજરાતની ઈમેજને સમય અનુરૂપ પોલીસી રીફોર્મ્સ તથા પોલીસી ફ્રેમવર્કથી વધુ ઉજળી બનાવી છે. નવી ઉદ્યોગ નીતિ-2026 અને ડેટા સેન્ટર પોલિસી શિપ બિલ્ડીંગ એન્ડ રીપેર પોલિસી જાહેર કરીને ઔદ્યોગિક ક્ષેત્રને વેગ આપ્યો છે.

ઉદ્યોગ-વેપાર, ઉત્પાદન ક્ષેત્રથી લઈને કૃષિ, ગ્રામીણ અર્થતંત્ર અને સામાજિક સેવા ક્ષેત્ર સહિત સર્વાંગી વિકાસની પરંપરા ગુજરાતમાં ઉભી કરી છે. બાળકોના સંસ્કારયુક્ત શિક્ષણ અને શિક્ષણની ગુણવત્તા સુધારણા પર સરકારે ખાસ ભાર મૂક્યો છે. કોઈ પણ કારણોસર શિક્ષણ અધવચ્ચેથી છૂટી ગયું હોય તેવા બાળકોને શોધી-શોધીને શાળામાં પ્રવેશ અપાવવાનું અભિયાન ઉપાડ્યું છે. સ્વસ્થ અને સક્ષમ ભવિષ્યના નિર્માણ માટે આંગણવાડીઓથી લઈને પ્રાથમિક શાળાના ભૂલકાંઓને મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાથી પોષક આહાર આપીએ છીએ.
અભ્યાસ, આહાર, આરોગ્ય અને આવાસથી અર્નિંગ વેલ- લિવિંગ વેલ દ્વારા વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો ધ્યેય આપણે સાથે મળીને પાર પાડવો છે. વડાપ્રધાને દરેક નાગરિકની આરોગ્ય સુખાકારીની ચિંતા કરી છે. PMJAY યોજના હેઠળ ગુજરાતમાં 10 લાખ સુધીની સહાય સરકાર આપે છે. આયુષ્યમાન ભારત વય વંદના હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વડીલોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'સૌને માથે પાકી છત'ના નિર્ધાર સાથે ગરીબોને પાકાં મકાનો આપવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરાવી છે. ગુજરાતમાં 16 લાખ પરિવારોને પાકા આવાસ મળ્યાં છે. વંચિતોને વરિયતાના મંત્ર સાથે આદિજાતિ બાંધવો અને આદિજાતિઓને પણ વિકાસના લાભો પહોંચાડવા વનબંધુ કલ્યાણ યોજનાનો સફળતાથી અમલ કર્યો છે. વડાપ્રધાને ભગવાન બિરસા મૂંડાની 150મી જન્મજયંતિ-જનજાતિ ગૌરવ દિવસે રૂ. 2 લાખ કરોડની જનજાતીય કલ્યાણ યોજનાની ભેટ ગુજરાતને આપી છે.

વડાપ્રધાને આપેલા રિફોર્મ, પર્ફોર્મ અને ટ્રાન્સફોર્મ સૂત્રને ગુજરાતમાં ભલીભાંતિ ચરિતાર્થ કર્યું છે. તેમના માર્ગદર્શનમાં પર્યાવરણ સંરક્ષણ અને ગ્રીન ગ્રોથ સાથેના વિકાસને આપણે પ્રાથમિકતા આપી છે. મિશન લાઈફ, એક પેડ માં કે નામ, કેચ ધ રેઈન જેવા અભિયાનોથી આ દિશામાં આગળ વધી રહ્યાં છીએ. પર્યાવરણ સુરક્ષા સાથે દેશાભિમાનની પ્રતિબદ્ધતા સાકાર કરવી છે.

આ માટે 9મી ઓગષ્ટથી દેશભરમાં હર ઘર તિરંગા અભિયાન શરૂ થયું છે. આવા રાષ્ટ્ર હિતના અભિયાનોમાં આપણે અગ્રેસર રહીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે આગળ વધીએ. આપણને તો સ્વતંત્રતાની શતાબ્દી 2047માં ઉજવીએ તે પહેલાં 2035માં એક મોટી તક મળવાની છે. ગુજરાતની સ્થાપનાના 75 વર્ષ 2035માં પૂર્ણ થશે. આપણે સૌ સાથે મળીને એ અવસરને વિકાસના અમૃતકાળ સાથે વિકસિત ભારત માટેનો સુવર્ણકાળ બનાવીએ.
📲Get App