🔥 TRENDING वडील जखमी अवस्थेत विव्हळत होते, मुलगी... नशिराबाद प्रवेशद्वाराजवळ पुन्हा अपघाता... गढ़मुक्तेश्वर में भागवत कथा के दूसरे द... અંબાજી મંદિરમાં આજે પ્રક્ષાલન વિધિ: બપ... ರಸ್ತೆ ಕಾಮಗಾರಿಗೆ ಅನುದಾನ ನೀಡಲು ಮನವಿ মহিলাদল থেকে গেওখালি যাওয়ার রাস্তা সা...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Automobile

વાહન માલિકી ટ્રાન્સફર હવે આધાર OTP થી, RTOની રૂબરૂ મુલાકાતની ઝંઝટમાંથી મુક્તિ

✍️ Reporter: IRFAN MANGROLIYA 🗓 28 Sep 2026, 12:20 PM 👁 24
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગુજરાતમાં વાહનવ્યવહાર વિભાગ દ્વારા જૂના વાહનોની માલિકી ટ્રાન્સફર માટે આધાર OTP આધારિત નવી ફેસલેસ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. આ નવી સિસ્ટમથી હવે RTO કચેરીના ધક્કા ખાધા વિના માત્ર ૨-૩ કલાકમાં જ માલિકી ટ્રાન્સફર થઈ શકશે.

રાજ્યભરમાં સેકન્ડ હેન્ડ વાહનોની ખરીદ-વેચાણ કરનારા લાખો નાગરિકો માટે વાહનવ્યવહાર વિભાગે એક ક્રાંતિકારી નિર્ણય લીધો છે. હવે જૂનું વાહન ખરીદ્યા બાદ તેની આરસી બુકમાં માલિકી હક બદલવા માટે RTO કચેરીના ધરમધક્કા ખાવાની જરૂર રહેશે નહીં. પરિવહન પોર્ટલ પર આધાર OTP આધારિત નવી ફેસલેસ સિસ્ટમ સક્રિય કરવામાં આવી છે, જેના થકી કોઈપણ સરકારી અધિકારીના એપ્રૂવલ વિના માત્ર ૨થી ૩ કલાકના ટૂંકા સમયગાળામાં જ જૂના વાહનની માલિકી ટ્રાન્સફર થઈ જશે.

આ નવી સિસ્ટમ હેઠળ, જો વાહનની આરસી બુકમાં નોંધાયેલું નામ વાહનમાલિકના આધારકાર્ડ મુજબ હશે, તો જૂનું વાહન વેચનાર અને ખરીદનાર બંને પક્ષકારોએ પોતાના આધાર લિંક્ડ મોબાઈલ નંબર પર આવતો ગુપ્ત OTP સિસ્ટમમાં દાખલ કરવાનો રહેશે. બંને પક્ષ તરફથી વેરિફિકેશન મળતાં જ પોર્ટલ આપોઆપ તમામ દસ્તાવેજોની ખરાઈ કરી લેશે. આ પ્રક્રિયામાં RTO કચેરીના કોઈ કર્મચારી કે અધિકારી દ્વારા મેન્યુઅલ ચકાસણીની જરૂર રહેશે નહીં.

આધાર OTP સુવિધા કાર્યરત થતાંની સાથે જ સુરત RTO કચેરીને લગતી જૂના વાહનના નામ ટ્રાન્સફર માટેની ૪૬ અરજીઓ નોંધાઈ હતી, જે તમામનો સિસ્ટમ દ્વારા ગણતરીના કલાકોમાં સફળતાપૂર્વક નિકાલ કરી દેવાયો છે. જો કોઈ ટેકનિકલ કારણોસર કે નામની વિસંગતતાને લીધે આધાર OTP થી અરજી મંજૂર નહીં થાય, તો સિસ્ટમ આપોઆપ તે અરજીને ફેસલેસ કેટેગરીમાં RTO કચેરી ખાતે મોકલી આપશે. ફેસલેસ સુવિધામાં પણ અરજદારને રૂબરૂ જવાનું રહેતું નથી, પરંતુ ત્યાં ઇન્સ્પેક્ટરો દ્વારા દસ્તાવેજોની ચકાસણી કરીને એપ્રૂવલ અપાતું હોવાથી આ પ્રક્રિયામાં સામાન્ય રીતે એક સપ્તાહ જેટલો સમય લાગી શકે છે.

અગાઉ જૂનું વાહન વેચ્યા બાદ RC ટ્રાન્સફર માટે અરજદારને પોતાનું જૂનું વાહન લઈને RTO કચેરીમાં ફિઝિકલ ઇન્સ્પેક્શન માટે લાઈનમાં ઊભા રહેવું પડતું હતું. એટલું જ નહીં, ખરીદનાર અને વેચનાર બેમાંથી એક પક્ષકારે અધિકારી સમક્ષ રૂબરૂ હાજર રહેવું ફરજિયાત હતું. કાગળો જમા કરાવ્યા બાદ ઇન્સ્પેક્ટરોની સહી અને એપ્રૂવલ માટે અઠવાડિયાઓ સુધી ધક્કા ખાવા પડતા હતા. હવે આધાર OTP પદ્ધતિ લાગુ થતાં RTO કચેરીઓની દરમિયાનગીરી અને વચેટીયા પ્રથાનો કાયમ માટે અંત આવી જશે.
📲Get App