🔥 ट्रेंडिंग મુંબઈની ૧૨૨ વર્ષ જૂની ક્યાની એન્ડ કંપન... एनडीएमए ने आर्पडा मित्रा प्रशिक्षण कार... सुपर 30 चयन परीक्षा ट्रिपुरा में आयोजि... हिमाचल की प्रतिनिधिमंडली ने टोक्यो में... 29 सितंबर, 2026 को स्कूल बंद: आधिकारिक... सर्जिकल स्पंज एक वर्ष तक रोगी के अंदर...
29 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
शिक्षा

ડિજિટલ યુગમાં AIની ભૂમિકા: સર્જકની કમાન માનવ પાસે જ રહેશે - જૂનાગઢમાં ચિંતન

✍️ रिपोर्टर: Bhalodiya Samirkumar 🗓 29 सित. 2026, 07:00 PM 👁 14
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જૂનાગઢમાં ગુજરાત પ્રેસ અકાદમી અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આયોજિત 'સર્જક સાથે સંવાદ' કાર્યક્રમમાં વક્તાઓએ ડિજિટલ યુગમાં સાહિત્ય અને પત્રકારત્વમાં AIની ભૂમિકા અને માનવીય સર્જનના મહત્વ પર ભાર મૂક્યો.

જૂનાગઢ: ગરવા ગિરનારની ગોદમાં, ગુજરાત પ્રેસ અકાદમી-ગાંધીનગર, IQAC, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી તથા પ્રાદેશિક માહિતી કચેરી-જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે 'સર્જક સાથે સંવાદ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ લેંગ્વેજીસ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં 'ડિજિટલ યુગમાં સાહિત્ય અને પત્રકારત્વની બદલાતી ભૂમિકા' વિષય પર વક્તાઓએ ઊંડાણપૂર્વક વિચારવિમર્શ કર્યો હતો.

કાર્યક્રમમાં ગુજરાત પ્રેસ અકાદમીના સચિવ શ્રી જયેશ દવેએ જણાવ્યું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ડેટા અને શબ્દોના વિશાળ ભંડાર પર આધારિત છે, પરંતુ તેમાં માનવીય ભાવ, મૌલિકતા, સંવેદનશીલતા અને આગવી શૈલીનો અભાવ છે. તેથી, સર્જનાત્મકતા અને અર્થઘટન માટે માનવીનું મહત્વ યથાવત રહેશે. તેમણે ડિજિટલ યુગમાં ભાષા સજ્જતા જાળવવા પર ભાર મૂક્યો અને કહ્યું કે ભાષાનો હ્રાસ ન થાય તે સૌની સામૂહિક જવાબદારી છે. ભાષા અને સંસ્કૃતિ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા હોવાથી, ભાષાની જાળવણી સંસ્કૃતિના સંરક્ષણ માટે પણ અનિવાર્ય છે.

વરિષ્ઠ પત્રકાર શ્રી કૌશિક મહેતાએ જણાવ્યું કે દરેક યુગમાં નવી ટેકનોલોજી આવી છે અને પરિવર્તનને સ્વીકારવું પડ્યું છે. AI, મોબાઈલ અને ઈન્ટરનેટના આગમનથી પત્રકારત્વના કાર્યમાં ઘણી સરળતા આવી છે, પરંતુ માહિતીનું પૃથક્કરણ, ગ્રાઉન્ડ રિપોર્ટિંગ, તથ્ય ચકાસણી અને યોગ્ય અર્થઘટનનું મહત્વ આજે પણ અકબંધ છે. તેમણે ડિજિટલ મીડિયાના વધતા વ્યાપને કારણે પ્રાદેશિક ભાષાઓને મળેલી તકોનો ઉલ્લેખ કર્યો અને સરળ, લોકો સમજી શકે તેવી ભાષામાં સર્જન કરવાની જરૂરિયાત દર્શાવી. જાણીતા કોલમિસ્ટ અને લેખક શ્રી હર્ષ મેસવાણિયાએ AIના ઐતિહાસિક વિકાસથી લઈને તેના વર્તમાન અને ભવિષ્ય સુધીના પાસાઓ રજૂ કર્યા અને ભારપૂર્વક જણાવ્યું કે ટેકનોલોજીની ઝડપ વધવા છતાં માનવીની મૌલિકતા અને ગ્રાઉન્ડ લેવલના કામનું મહત્વ જળવાઈ રહેશે.

શ્રી મેસવાણિયાએ ઉમેર્યું કે AI ઓડિયો કે વીડિયો પરથી ટેક્સ્ટ તૈયાર કરી શકે છે, પરંતુ ઘટનાસ્થળે હાજર રહીને આસપાસની પરિસ્થિતિ, વાતાવરણ અને બારીક વિગતોને સમજીને જીવંત રિપોર્ટિંગ કરવાની ક્ષમતા માનવ પત્રકાર પાસે જ છે. AIની મદદ લેતી વખતે, તેમાં છૂટી ગયેલી બાબતો શોધવી, સ્વતંત્ર દૃષ્ટિકોણ ઉમેરવો, સર્જનાત્મક મૌલિકતા જાળવવી અને રચનાઓની યોગ્ય ચકાસણી કરવી એ માનવીની મહત્વપૂર્ણ જવાબદારી રહેશે. તેમણે કહ્યું કે AIના યુગમાં 'ફેક્ટ-ચેકિંગ' સૌથી મહત્વપૂર્ણ કૌશલ્ય બનશે અને ટેકનોલોજી સાથે સતત નવી સ્કિલ્સ શીખીને પોતાને અપગ્રેડ કરતા રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. મશીન શબ્દો ઓળખી શકે છે, પરંતુ તેના સાચા અર્થ અને ભાવાર્થનું અર્થઘટન માનવી જ કરી શકે છે. AI મદદ કરી શકે છે, પરંતુ કમાન્ડ અને દિશા આપવાની ભૂમિકા હંમેશા માનવીની જ રહેશે.

કાર્યક્રમમાં યુનિવર્સિટીના લાઈફ સાયન્સ વિભાગના વડા ડો. સુહાસ વ્યાસે કુલપતિ પ્રોફેસર ડો. પ્રતાપસિંહ ચૌહાણનો સંદેશો વ્યક્ત કર્યો અને વિદ્યાર્થીઓના જ્ઞાન તથા કૌશલ્ય વિકાસ માટે આવા કાર્યક્રમોની ઉપયોગિતા પર ભાર મૂક્યો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ વક્તાશ્રીઓ સાથે પ્રશ્નોત્તરી પણ કરી. પ્રારંભે મીનરાજ શૈક્ષણિક સંકુલની બાળાઓ દ્વારા ગણેશ વંદના રજૂ કરાઈ હતી. અંતે જૂનાગઢ પ્રાદેશિક માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક શ્રી એન.એમ. મહેતાએ આભારવિધિ કરી. કાર્યક્રમનું સંચાલન માહિતી મદદનીશ જલકૃતિ મહેતા અને હિરેન અમરેલીયાએ કર્યું હતું. આ કાર્યક્રમમાં અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, સ્ટાફ અને પત્રકારો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App