🔥 TRENDING মুখ্যমন্ত্রীর ঘোষণায় মাসিক বিদ্যুৎ বি... Bisleri Declares Bottled Water Safe Af... FSSAI files criminal case against Bisl... Illicit liquor worth Rs 28.38 lakh sei... NVIDIA reinstates Jensen Huang as CEO,... New Market FC Reach Semi-Finals of 26t...
24 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અમદાવાદ: પોક્સોના 2 અલગ-અલગ કેસમાં દોષિતને 20 વર્ષની સજા, કોર્ટની ટકોર- ‘સગીરાની સંમતિ કાયદેસર ગણાતી નથી’

✍️ Reporter: sutariya kalpeshbhai haribhai 🗓 24 Nov 2026, 12:17 AM 👁 29
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદના શાહીબાગ અને મેઘાણીનગર પોલીસ મથકે 21 વર્ષીય આરોપી હરેશ પટણી સામે પોક્સો અને IPCની કલમો અંતર્ગત ગુનો નોંધાયો હતો. જેનો કેસ અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ ખાતે આવેલી પોક્સોની વિશેષ અદાલતમાં ચાલી જતા જજ એન.એચ.વસવેલિયાએ આરોપીને 20 વર્ષ સખત કેદની સજા ફટકારવાનો આદેશ કર્યો છે.પ્રથમ કેસમાં આરોપી સામે શાહીબાગ પોલીસ મથકે વર્ષ 2022 માં ફરિયાદ નોધાઇ હતી. ફરિયાદ મુજબ, 24 મે, 2022ના રોજ ભોગ બનનાર 13 વર્ષ અને 10 મહિનાની સગીરા ઘરેથી જમવાનું લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરત ફરી ન હતી. આ અંગે ભોગ બનનારની માતાએ તારીખ 04 જૂન ,2022 ના રોજ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ દરમિયાન તારીખ 22 જૂન, 2022ના રોજ સગીરા મળી આવી હતી અને તારીખ 6 જુલાઈ, 2022ના રોજ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી સામે સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જવા અને રાજકોટ તથા સુરેન્દ્રનગર સહિતના વિવિધ સ્થળોએ લઈ જઈ એકથી વધુ વખત દુષ્કર્મ આચરવા બદલ ગુનો નોંધવામાં આવ્યો હતો.

કોર્ટમાં જુબાની દરમિયાન ભોગ બનનારે સ્વીકાર્યું હતું કે, તે પોતાની મરજીથી ઘરેથી નીકળી હતી, આરોપી સાથે પ્રેમસંબંધ હતો અને તેની સંમતિથી શારીરિક સંબંધ બંધાયા હતા. જો કે, કોર્ટે ઠરાવ્યું હતું કે કાયદા મુજબ 18 વર્ષથી ઓછી ઉંમરની સગીરાની સંમતિ કાયદેસર ગણાતી નથી. તેથી પ્રેમસંબંધ કે સંમતિનો બચાવ આરોપીને ગુનામાંથી મુક્ત કરી શકે નહીં.

રાત્રે લારી મૂકવા ગઈ ને ઘરે પરત ન ફરી સગીરા

બીજા કેસમાં આરોપી સામે વર્ષ 2022માં મેઘાણીનગર પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો. જે મુજબ તારીખ 24 જૂન ,2022ના રોજ રાત્રે ભોગ બનનાર 13 વર્ષ અને 11 મહિનાની સગીરા લારી મૂકવા માટે નજીકની એક સ્કૂલ પાસે ગઈ હતી અને ત્યારબાદ પરત ફરી ન હતી. આ અંગે સગીરાની માતાએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં 4 જુલાઈ, 2022ના રોજ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું કે, ભોગ બનનાર અને આરોપી વચ્ચે પ્રેમસંબંધ હતો અને સગીરા પોતાની મરજીથી ઘરેથી નીકળી મહેસાણા ગઈ હતી, જ્યાંથી તેણે આરોપીને બોલાવ્યો હતો. ત્યારબાદ બંને રાજકોટ, સુરેન્દ્રનગર, પાટણ અને પાલનપુર જેવા સ્થળોએ રોકાયા હતા, જ્યાં આરોપીએ સગીરા સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યો હતો.તબીબી તપાસમાં ભોગ બનનારને 6 અઠવાડિયાનો ગર્ભ હોવાનું જણાયું હતું. ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ સગીરાનો ગર્ભપાત કરાવવામાં આવ્યો હતો. ગર્ભપાત બાદ લેવામાં આવેલા ગર્ભના નમૂના, ભોગ બનનાર અને આરોપીના લોહીના નમૂનાઓના DNA પરીક્ષણમાં વૈજ્ઞાનિક રીતે સાબિત થયું હતું કે આરોપી અને ભોગ બનનાર જ તે ગર્ભના જૈવિક માતા-પિતા છે.

કોર્ટની ટકોર- ‘સગીરાની સંમતિ કાયદેસર ગણાતી નથી’


કોર્ટે નોંધ્યું હતું કે, ભોગ બનનાર સગીરા જુબાની દરમિયાન હોસ્ટાઈલ જાહેર થઈ હતી અને તેણે આરોપી સાથે પ્રેમસંબંધ હોવાનું તથા પોતાની મરજીથી ગઈ હોવાનું જણાવ્યું હતું. જો કે, કોર્ટે ઠરાવ્યું કે કાયદાની નજરમાં સગીરની સંમતિનું કોઈ મહત્ત્વ નથી, તેથી સગીરા સાથે બાંધવામાં આવેલો શારીરિક સંબંધ દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગંભીર ગુનો ગણાય છે.
📲Get App