🔥 TRENDING G7 દેશો ઇમર્જન્સી રિઝર્વમાંથી ડીઝલ અને... दलित उत्थान संघर्ष सेवा समिति प्रदेश क... नुआगांव में बाइक की टक्कर से 4 वर्षीय... ભારતીય પુરુષ હોકી ટીમે એશિયન ગેમ્સમાં... પાટણમાં પ્રાકૃતિક ખેતી ઉત્પાદનો માટે વ... દુબઈના ક્રાઉન પ્રિન્સે ફ્લાયદુબઈના પાઇ...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરતની લાજપોર જેલમાંથી 14 મોબાઈલ ફોન ઝડપાયા, સુરક્ષા વ્યવસ્થા પર સવાલો

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 03 Oct 2026, 07:06 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાંથી 14 જેટલા મોબાઈલ ફોન અને સિમકાર્ડ મળી આવતા જેલની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. ડીજી જેલ વિજિલન્સના મોડીરાત્રે કરાયેલા ઓચિંતા દરોડામાં આ ફોન મળી આવ્યા હતા.

સુરતની સચિન સ્થિત લાજપોર મધ્યસ્થ જેલ ફરી એકવાર કુખ્યાત પ્રવૃત્તિઓ અને ગંભીર લાપરવાહીને કારણે ચર્ચામાં આવી છે. જેલની ચાર દીવાલો પાછળ બેસીને કુખ્યાત આરોપીઓ હત્યા અને ખંડણીની સોપારી આપી રહ્યા હોવાના તથા અંદરથી જ ગેંગવોર ચલાવતા હોવાના ગંભીર આરોપો વચ્ચે જેલમાંથી 14 જેટલા મોબાઈલ ફોન ઝડપાઈ જતાં સમગ્ર પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. એક તરફ જેલ તંત્ર આવા ખતરનાક કેદીઓને સુરક્ષાના કારણોસર અન્ય જેલમાં ટ્રાન્સફર કરવા કોર્ટમાં ધા નાખી રહ્યું છે, ત્યારે બીજી તરફ ખુદ જેલની અંદરથી જ ખુલ્લેઆમ પ્રતિબંધિત ફોન અને સિમકાર્ડ મળી આવતા સુરક્ષા વ્યવસ્થાની પોલ છતી થઈ ગઈ છે.

ગાંધીનગર સ્થિત પોલીસ મહાનિદેશક (જેલ અને સુધારાત્મક વહીવટ)ના મૌખિક આદેશ બાદ વિજિલન્સ જડતી સ્ક્વોર્ડે મોડીરાત્રે જેલ કેમ્પસમાં ઓચિંતો દરોડો પાડયો હતો. અમદાવાદથી આવેલી સ્ક્વોર્ડના જેલર દેવશીભાઈ કરંગીયા અને તેમની ટીમે વિવિધ બેરેકોની ઘનિષ્ઠ તપાસ હાથ ધરી હતી. વિજિલન્સ ટીમ અંદર પહોંચતા જ સ્થાનિક જેલ સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી અને તેઓ પણ તાબડતોબ ચેકિંગમાં જોતરાઈ ગયા હતા, જે દરમિયાન તેમને પણ અંદરથી 3 મોબાઈલ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે.

ડીજી વિજિલન્સની આ રેડમાં સ્થાનિક સબજેલના અધિકારીઓ સાવ ઊંઘતા ઝડપાયા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. આટલી મોટી સંખ્યામાં મોબાઈલ ફોન અને સિમકાર્ડ જેલની અંદરથી મળવા એ જેલ પ્રશાસનની નિષ્ક્રિયતા દર્શાવે છે અને જેલની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કરે છે. આ ઘટના બાદ જેલ પ્રશાસનમાં પણ ખળભળાટ મચી ગયો છે.
📲Get App